મુંબઈઃ મુંબઈના લાલબાગ ખાતેના ચકચાર મચાવનારા વીણા જૈન હત્યાકાંડમાં હવે ધીરે ધીરે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે અને આવો જ એક ખુલાસો થયો છે રિંપલ બાબતે. માતા વીણાની હત્યા કર્યા બાદથી રિંપલે વડાપાંઉ ખાઈને જ દિવસો પસાર કર્યા હતા
પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું છેલ્લાં કેટલાય દિવસથી રિંપલે સ્નાન નથી કર્યું અને તેણે પોતાના કપડાં પણ બદલ્યા નહોતા. રિંપલે છેલ્લાં કેટલાય દિવસથી ઘરનું કિચન પણ ઉપોગમાં લીધું નહોતું. ઘરની નજીકમાં જ એક વડાપાંઉની લારી છે અને એ લારીના માલિકે પોલીસને આપેલી માહિતી અનુસાર રિંપલ હંમેશા જ તેના સ્ટોલ પરથી વડાપાંઉ ખરીદતી હતી અને 10 દિવસે વડાપાંઉનું બિલ ઓનલાઈન ભરતી હતી. વડાપાંઉ ખાધા પછીને અનેક પેપર પણ પોલીસને રિંપલના ઘરેથી મળી આવ્યા છે, એટલે મમ્મીના મૃત્યુ બાદ રિંપલ વડાપાંઉ ખાઈને જ દિવસ પસાર કરતી હતી, એવી માહિતી પોલીસને મળી હતી.
રિંપલ અને તેની માતાના પરિવારના અન્ય લોકો સાથે સંબંધો સારા નહોતા અને પડોશીઓ સાથે પણ તેમના ખાસ કઈ સારા સંબંધ નહોતા. આર્થિક સમસ્યાને કારણે રિંપલે કોલેજ જવાનું પણ બંધ કરી દીધું હતું. મા-દીકરી બંને બેરોજગાર હતી અને તેમની પાસે જીવન નિર્વાહ કરવા માટે કોઈ જ આવક નહોતી.
મેં હત્યા નથી કરી…
આ સિવાય રિંપલે તપાસમાં એવો ખુલાસો પણ કર્યો હતો કે તેણે તેની માતાની હત્યા નથી કરી, પણ પોસ્ટમોર્ટમ વખતે મૃતદેહ પર ઈજાઓ મળી આવી છે, એટલે પોલીસને રિંપલે જ માતાની હત્યા કરી હોવાની શંકા છે. જોકે, હત્યા બાદ રિંપલ એકલા હાથે કઈ રીતે મૃતદેહના ટૂકડા કરી શકે છે વાત પચાવવાનું જરા અઘરું છે.
બાથરૂમ થયું ચોકઅપ
રિંપલે મૃતદેહનો નિકાલ લાવવા માટે એક અલગ જ પ્રયાસ કર્યો હતો. રિંપલે વીણા જૈનના શરીરના નાના નાના ટુકડા કરીને આ ટૂકડા બાથરૂમમાં નાખ્યા હતા. આ ટુકડાઓ ગટરમાં વહી જશે એવી રિંપલની ગણતરી હતી, પરંતુ માંસના ટુકડાઓને કારણે ઘરનું બાથરૂમ ચોકઅપ થઈ ગયું હતું. રિંપલે પોતાના કથિત પ્રેમીને ડ્રેન સક્શન પંપ લાવવા કહ્યું હતું અને તેની મદદથી જ ચોકઅપ થયેલું બાથરૂમ તેણે સ્વચ્છ કર્યું હતું.
દુર્ગંધ છુપાવવા 200 જેટલી પરફ્યુમ અને રૂમ ફ્રેશનર્સ લાવી
ત્રણ મહિનાથી ઘરમાં મૃતદેહના ટૂકડા સડી રહ્યા હોવાને કારણે ચાલીમાં દુર્ગંધ ફેલાઈ રહી હતી અને આ દુર્ગંધને છુપાવવા માટે રિંપલે 200 પરફ્યુમ અને એરફ્રેશનર્સ લાવીને મૂક્યા હતા. આ બધાનો ઉપયોગ કરવા છતાં પણ મૃતદેહની ગંધ છુપાઈ નહોતી અને આખા ચાલીમાં ફેલાઈ ગઈ હતી.