ધનખડ ઉપરાષ્ટ્રપતિ, ભાજપ પાસે હોશિયાર માણસો નથી?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અંતે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએએ પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડની ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પસંદગી થઈ ગઈ. એનડીએમાં ભાજપ જ મુખ્ય છે તેથી ભાજપ જે નક્કી કરે એ માન્ય રાખ્યા વિના કોઈનો છૂટકો નથી. ભાજપે જગદીપ ધનખડનું નામ પહેલા જ નક્કી કરી નાંખેલું. શનિવારે બપોરે જગદીપ ધનખડે મોદીને મળ્યા ત્યારે જ નક્કી થઈ ગયેલું કે, ધનખડના નામ પર મંજૂરીની મહોર મરાશે પણ ઔપચારિકતા બાકી હતી.
ભાજપ સંસદીય બોર્ડની શનિવારે મળેલી બેઠકમાં એ ઔપચારિકતા પણ પૂરી કરીને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ધનખડનું નામ નક્કી કરી દેવાયું. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ધનખડના નામની જાહેરાત પણ કરી નાંખી. હવે સોમવારે ધનખડ ઉમેદવારી નોંધાવશે. ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન કરતા હોય છે. એનડીએ પાસે બંને ગૃહમાં મળીને પૂરતી તાકાત છે તેથી ધનખડ ઉમેદવારી નોંધાવે પછી તેમની જીત પાકી જ છે, ધનખડ વેંકૈયાહ નાયડુના સ્થાને દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે એ નક્કી જ છે.
ધનખડની પસંદગી કરીને ભાજપે એક સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, ભાજપ માટે સત્તાલક્ષી રાજકારણ જ મહત્ત્વનું છે. આ રાજકારણમાં ભાજપને મદદરૂપ થાય એવા લોકોને જ ભાજપમાં મહત્વ મળે છે. આ સત્તાલક્ષી રાજકારણ માટે સિદ્ધાંતોને નેવે મુકાયા કે બંધારણની પણ ઐસીતૈસી કરી દેવાઈ હોય તો ભાજપને કોઈ ફરક પડતો નથી.
ભાજપે પોતે કેડરબેઝ્ડ પાર્ટી છે અને પક્ષ માટે મહેનત કરનારા લોકોને જ મહત્ત્વ મળે છે એ ભ્રમ તો ક્યારનોય ભાંગી નાંખેલો. ધનખડની પસંદગી દ્વારા ભાજપે ફરી એ વાત સાબિત કરી છે. ધનખડ રાજસ્થાનના જાટ નેતા છે પણ ભાજપ સાથે તેમનો નાતો છેલ્લાં દોઢ દાયકાથી છે. ધનખડ ૧૯૮૯થી ૧૯૯૧ સુધી રાજસ્થાનની ઝૂંઝુનુ લોકસભાના સાંસદ રહ્યા હતા પણ ત્યારે જનતા દળની ટિકિટ પર ચૂંટાયા હતા. ૧૯૮૯થી ૧૯૯૧ સુધી વી.પી. સિંહ અને ચંદ્રશેખર સરકારમાં કેન્દ્રીય પ્રધાન પણ રહી ચૂક્યા છે પણ બંને સરકાર ભાજપની નહોતી. ધનખડ ૧૯૯૩થી ૧૯૯૮ સુધી રાજસ્થાન વિધાનસભામાં ધારાસભ્ય હતા ને એ વખતે કૉંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા હતા. મતલબ કે, ભાજપના વિકાસ કે ઉદયમાં તેમનું કોઈ યોગદાન નથી. ભાજપમાં તો છેક ૨૦૦૮મા જોડાયા ને છતાં ભાજપે તેમને પહેલાં બંગાળ જેવા મોટા રાજ્યના રાજ્યપાલ બનાવ્યા ને હવે ઉપરાષ્ટ્રપતિ બનાવશે.
ભાજપે ધનખડને રાજ્યપાલ બનાવ્યા ત્યારે સવાલ ઉઠેલો કે, ભાજપ પાસે હોંશિયાર માણસો ખૂટી પડ્યા છે કે, ધનખડ જેવા બીજા પક્ષમાંથી આવેલા લોકોને રાજ્યપાલ બનાવવા પડે છે ? હવે ભાજપે ધનખડને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યા ત્યારે પણ એ જ સવાલ થાય છે કે, ભાજપ પાસે હોંશિયાર માણસો ખૂટી પડ્યા છે કે, ધનખડ જેવા બીજા પક્ષમાંથી આવેલા નેતાને ઉપરાષ્ટ્રપતિપદ જેવા દેશના ટોચના હોદ્દાઓ પૈકી એકના ઉમેદવાર બનાવવા પડે છે ? આ સવાલ વાસ્તવમાં ભાજપના નેતાઓને થવો જોઈએ, તેમણે પોતાની ઉપર બેઠેલા નેતાઓને આ સવાલ કરવો જોઈએ પણ ભાજપ પાસે હવે કરોડરજ્જુ વિનાના કાર્યકરોની ફોજ છે તેથી એ હિંમત કોઈ નહીં કરે. ભાજપમાં સવાલ-જવાબની સિસ્ટમ જ ખતમ થઈ ગઈ છે.
ધનખડની ઉપરાષ્ટ્રપતિપદે પસંદગી ક્યાં કારણોસર થઈ છે એ જગજાહેર છે. ધનખડની રાજકીય કારકિર્દીમાં એવું કશું છે જ નહીં કે જેના જોરે તેમને ઉપરાષ્ટ્રપતિ બનાવી શકાય. બલ્કે પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવાયા એ પહેલાં તેમની કોઈ રાજકીય કારકિર્દી જ નથી પણ બંગાળના રાજ્યપાલ તરીકે તેમણે એવી કામગીરી કરી કે, દિલ્હીમાં બેઠેલા આકા ખુશખુશાલ થઈ ગયા ને એવા રીઝયા કે સીધું ઉપરાષ્ટ્રપતિપદ આપી દીધું.
ધનખડે બંગાળના રાજ્યપાલ તરીકે બજાવેલી કામગીરીની વાત કરવા બેસીએ તો પુસ્તક પણ નાનું પડે પણ કેટલીક વાતોનો ઉલ્લેખ જરૂરી છે. ધનખડે ૨૦૨૧ની બંગાળની ચૂંટણી પહેલાં પશ્ર્ચિમ બંગાળ સરકાર લૉકડાઉનનું બરાબર પાલન કરતી નથી ત્યાંથી માંડીને પશ્ર્ચિમ બંગાળમાં પોલીસને બાજુ પર મૂકીને અર્ધલશ્કરી દળોને મેદાનમાં ઉતારી દેવાં જોઈએ એ પ્રકારની કોમેન્ટ્સ કરીને વિવાદ સર્જેલો.
૨૦૨૧માં બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી શરૂ થયેલી હિંસાને મુદ્દે તેમણે ભજવેલી ભૂમિકા પણ ટીકાપાત્ર હતી. વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસની ભવ્ય જીતથી રાજાપાઠમાં આવી ગયેલા તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરોની ઘરોમાં ઘૂસીને હત્યા કરી નાંખી અને મહિલા કાર્યકરો પર પાશવી બળાત્કાર ગુજારાયા હોવાના આક્ષેપો થયા હતા. સોશિયલ મીડિયા પર તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકરોની ગુંડાગીરી અને હિંસાના વીડિયો અને તસવીરો પણ ફરતી થયેલી.
આ હિંસાના પગલે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા તાબડતોબ બંગાળ ઉપડી ગયેલા તેમણે દિલ્હી પાછા આવીને આ મુદ્દો ચગાવ્યો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે ફોન પર વાત કરીને રિપોર્ટ માગ્યો હતો. તેના કારણે ફોર્મમાં આવી ગયેલા ધનખડ અચાનક સક્રિય થઈ ગયા હતા.
બંગાળમાં કૂચ બિહાર જિલ્લામાં સિતાલકુચીમાં હિંસા થયેલી ને કેન્દ્રીય અર્ધલશ્કરી દળ સીઆઈએસએફએ કરેલા ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયેલાં. ધનખડ સિતાલકુચી ઉપડી ગયા ને હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ધનખડે મુલાકાત પછી હુંકાર કરેલો કે, બંગાળમા બંધારણની પુન:સ્થાપના કરીને જ રહીશ.
બંધારણીય નિષ્ણાતોએ ધનખડના વર્તનને બાલિશ અને રાજકીય ગણાવેલું. ધનખડ રાજ્ય સરકારને પૂછ્યા વિના એકતરફી નિર્ણય લઈને કૂચબિહાર ગયા એ દાયકાઓથી પ્રસ્થાપિત નિયમોના ભંગ હોવાનો મત તેમણે વ્યક્ત કરેલો પણ ધનખડે એ બધી વાતોને ગણકારી નહોતી. ધનખડનું વર્તન રાજ્યપાલને છાજે એવું નહોતું પણ ધનખડને તેની પરવા નહોતી. રાજ્યપાલ તરીકે વર્તવાના બદલે ધનખડ રાજકીય આગેવાન હોય એ રીતે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ગયા ને બંગાળમાં બંધારણ અસ્તિત્વમાં જ નથી એવા નિવેદનો આપીને તેમણે રાજ્યપાલના હોદ્દાને નિષ્પક્ષ રાખવાના બદલે રાજકીય બનાવી દીધો હતો.
ધનખડે એ પછી નારદ સ્ટીંગ ઓપરેશન મુદ્દે પણ વરવી ભૂમિકા ભજવેલી. બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પછી સીબીઆઈએ મમતા બેનરજી સરકારના બે મંત્રી ફિરહાદ હકીમ અને સુબ્રતા મુખરજી સામે ચાર્જશીટ દાખલ કરવા માટે મંજૂરી માગી ત્યારે ધનખડે સીબીઆઈથી પણ વધારે ઉત્સાહ બતાવીને તાત્કાલિક અરજી મંજૂર કરી નાંખેલી. આ કેસમાં શુભેન્દુ અધિકારી પણ આરોપી હતા પણ ધનખડે એ મુદ્દો ઉઠાવ્યો જ નહીં.
ધનખડના બીજા કિસ્સા પણ છે ને આ બધી હરકતોએ તેમને ભાજપ હાઈકમાન્ડના માનીતા કરી દીધા. તેના કારણે જ હવે એ દેશના ઉપરાષ્ટ્રપતિ બની જશે.

1 thought on “ધનખડ ઉપરાષ્ટ્રપતિ, ભાજપ પાસે હોશિયાર માણસો નથી?

  1. Quid pro quo is not unheard of in politics. UPI put Pratibha Patil in President’s position simply because she had helped out Gandhi family in domestic duties, it has been alleged. She was and still has been the most unqualified and unsuited for that highest position. NDA’s selection is based on political calculations to attract Jats who are farmers in many northern states to their fold. At least he has served as a governor and knows some ins and outs. Pratibha had no such pratibha!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.