Homeવીકએન્ડલયબદ્ધતા - HARMONY

લયબદ્ધતા – HARMONY

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

આમ તો લયબદ્ધતા કળાના દરેક ક્ષેત્રમાં જરૂરી છે. આ લયબદ્ધતાથી જાણે સંગીત ઊભરી આવે છે. કુદરતમાં ચારે તરફ લયબદ્ધતા જોવા મળે છે. લયબદ્ધતામાં બધું જ સહર્ષ સ્વીકૃત બનતું જાય છે. કશુંય ક્યાંય ખટકતું નથી – કશુંય ક્યાંય નડતું નથી. અહીં કશું જ આકસ્મિક નથી, જાણે બધું જ પરસ્પરની સંમતિ અને સમન્વયથી ગોઠવાયું હોય.
લય અને તાલમાં મૂળભૂત તફાવત એ છે કે તાલ એ સમયનું માપ છે, જ્યારે લય અને અનુભૂતિનું પ્રમાણ છે. તાલમાં ચોક્કસ સમયે ચોક્કસ ક્રિયા પુનરાવર્તિત થતી જાય છે, જ્યારે લય સાથે લાગણીઓ વણાતી જાય છે. તાલબદ્ધતા એ પુનરાવર્તનની પ્રક્રિયા છે, જ્યારે લયબદ્ધતા એ સમગ્રતાની સુખદ અનુભૂતિથી તાલબદ્ધતાને વિભાજિત કરી સમજી શકાય.
જ્યારે લયબદ્ધતા જો વિભાજિત કરીને જોવામાં આવે તો એનો આનંદ જાણે ખંડિત થઈ જાય. આમ તો કળામાં આ બંનેનું પોતાનું આગવું સ્થાન છે, પરંતુ સ્થાપત્યમાં તેને સમજવાની – માણવાની પ્રક્રિયા કંઈક અંશે જટીલ છે.
બધી જ કળાઓમાં આમ પણ સ્થાપત્ય વિશેષ છે. તે માત્ર કળા જ ન રહેતા વિજ્ઞાન પણ બની રહે છે. તેમાં માત્ર લાગણીઓ અને અનુભૂતિ જ વણાયેલી નથી, પણ ત્યાં ઉપયોગિયતા પણ એટલી જ મહત્ત્વની ગણાય છે. માત્ર ‘મનની મરજી’ સ્થાપત્યમાં ન ચાલે. તેથી સ્થાપત્યમાં લયબદ્ધતાની અનુભૂતિ ક્યાંય ‘સંતાઈ’ જાય છે – જેને સંવેદનશીલ બનીને ગોતવી પડે.
લયબદ્ધતા માટે ત્રણ બાબતો જરૂરી ગણાય. તેના અંગો, તેમની વચ્ચેનું પરસ્પરનું સંકલન અને તેનાથી ઉદ્ભવતી ‘સમગ્રતા’થી ઊભરતી છાપ – તેની અસર લયબદ્ધતા સ્થાપવા માટે સ્થાપત્યમાં બે પ્રકારના અંગો છે; એક તો ભૌતિક અંગો કે જે અડી શકાય જેમકે દીવાલ – છત – સ્તંભ – બારીબારણાં વગેરે; અને બીજા પ્રકારના અંગોમાં પ્રકાશ-છાયા, પવન, સ્થાન – વિરામની અનુભૂતિ જેવાં સૂક્ષ્મ અંગો. આ સૂક્ષ્મ અંગો ભૌતિક અંગોની જે તે પ્રકારની બનાવટથી આપમેળે ઉદ્ભવતા હોય છે.
આ બધાં અંગોની પરસ્પરની ગોઠવણમાં સ્થપતિના જે તે રચના પાછળનો મૂળ વિચાર કામ કરી જાય. આ અંગો રેખાકિય રચનાના સિદ્ધાંત પ્રમાણે ગોઠવાયા છે કે એક સમૂહ તરીકે. આ અંગો અગ્રતાક્રમ રજૂ કરે છે કે એક પ્રકારની સમાનતા સ્થાપિત કરે છે. સ્થપતિના મૂળ વિચાર પ્રમાણે આ મકાન એક સ્થિર અચળ પદાર્થ તરીકે આલેખવાનો પ્રયત્ન કરાયો છે કે તેનામાં એક પ્રકારની ઊર્જાની અનુભૂતિ ભરી તેનામાં સંભવિત ચલિતતા લાવવાનો પ્રયત્ન કરાયો છે. વિકલ્પો ઘણા છે અને તેથી લયબદ્ધતાના પ્રકારો પણ ઘણાં છે. આ તો સંગીતના વિવિધ રાગો જેવું છે.
સ્થાપત્યને આમ પણ ‘થીજી ગયેલું સંગીત’ કહેવાય છે. ઈલોરાના કૈલાસ મંદિરને જે શાસ્ત્રીય રાગમાં ઢાળવામાં આવે તો ક્યાંક તે શિવરંજની બનીને ઊભરી આવે. જોકે ક્યારેક સંગીત ‘માથાફાડ’ પણ હોઈ શકે. ઘણા અર્વાચીન મકાનોને જો સંગીતમાં રૂપાંતરિત કરવામાં આવે તો ‘કઢંગુ રીમીક્ષ’ પણ સંભળાય; પણ સંગીત અને સ્વરો સંભળાય ખરા.
લયબદ્ધતા ત્યારે જ અનુભવાય જ્યારે સમયની અંદર આપણે પ્રવેશ કરીએ. લયબદ્ધતા એ એક જ સ્થળે એક જ સમયે થયેલી અનુભૂતિ નથી. સંગતની લયબદ્ધતા જાણવા માટે – માણવા માટે ૫-૬ મિનિટના સમયગાળા સુધી તેના સંપર્કમાં જાગ્રતતા સાથે રહેવું પડે, તે સિવાય તેની અનુભૂતિ સંભવિત નથી. તેવી જ રીતે સ્થાપત્યની લયબદ્ધતા માણવા તેની ચોતરફ તથા અંદરના વિસ્તારમાં પણ પ્રવાસ કરવો પડે.
આ પ્રવાસ દરમિયાન થયેલી અનુભૂતિઓનો સરવાળો એટલે જ તેની પ્રતીત થયેલી લયબદ્ધતા.
આ પ્રવાસ દરમિયાન ક્યારે શું શું દેખાય છે, તે બધી પરિસ્થિતિઓની યથાર્થતા વ્યક્તિ કેટલી સમજી શકે છે, કઈ કઈ બાબતો સાથે તાદાત્મ્યતા અનુભવાય છે, કઈ કઈ બાબતો કેટલા પ્રમાણ સ્વીકૃત કે અસ્વીકૃત બની રહે છે, કઈ કઈ બાબતોનું પરસ્પરનું અવલંબન સમજી શકાય તેવું હોય છે, કઈ બાબતો દૃશ્ય-પરિપ્રેક્ષ્યમાં હાવી થઈ જાય છે અને તેમનું આ હાવીપણું કેટલા અંશે માન્ય બની રહે છે, ક્યાં ‘પચાવવા’ માટેનો અવકાશ રચાયો છે અને ક્યાં નાટકિય વૈવિધ્ય પ્રગટે છે – આ અને આવી બાબતો લયબદ્ધતાની અનુભૂતિ નિર્ધારિત કરે છે.
લયબદ્ધતાને સારી રીતે માણવા વિરોધાભાસનો અભાવ જરૂરી ગણાય છે; પરંતુ સારો કલાકાર વિરોધાભાસ સાથે પણ લયબદ્ધતા સ્થાપી શકે.
સંગીતમાં આપણે જોયું છે કે સંગીતકાર ક્યારેક આપણને ચંદ્ર સપ્તકમાંથી સીધા જ તાર સત્પકના તે સ્વર પર લઈ જાય છે, પણ પછી તે આ બંને સ્વરોનું જોડાણ સુદૃઢ બનાવે છે અને તેથી તે રચનાની મૂળ લયબદ્ધતા ખંડિત થતી નથી.
સ્થાપત્યમાં પણ આવો વિરોધાભાસ વણી લેવામાં આવે છે અને તેના ઘટકોને પરસ્પર બહુલક્ષી ‘અવકાશ’થી સાંકળી લેવાય છે.
સ્થાપત્યની આધાર માટે બનાવાયેલ માળખાકીય રચના એક રીત જોતા ‘તાલ’નો ભાવ સર્જે છે. તે તાલની અંદર દીવાલો – બારીબારણાં વગેરે થકી સ્વરો સમાવાય છે. આ ઘટકોની
ગોઠવણના પ્રકારથી બંદિશ બને છે. આ બંદિશની શરૂઆતના આલાપ તરીકે પ્રવેશ-સ્થાન ગણાય અને બંદિશમાં અંતરા પછી જે તે ગોઠવણનું પુનરાવર્તન થતું રહે
છે. આમ સમગ્રતામાં એક સંગીત – લયબદ્ધતા ઊભરે છે. જોકે આવા સંગીતનું પૂરતું જ્ઞાન ન હોય
તેવા સ્થપતિઓ ‘ગંભીર ભૂલ’ પણ કરી બેસે છે.
જીવન હોય કે કળા, લયબદ્ધતાને જ માણવા આપણી માનસિકતા ઘડાઈ હોય છે. ક્યાંક આપણે તેના જાણકાર હોઈએ છીએ તો ક્યાંક તે ધ્યાનબહાર રહી જાય છે. તેમાં પણ સ્થાપત્ય જેવી જટીલ કળામાં તેની પકડ આમ પણ અઘરી ગણાય છે. બહુ ઓછી વ્યક્તિઓને સ્થાપત્યમાં સંગીત સંભળાતું હોય છે. હવેથી પ્રયત્ન કરવામાં કંઈ મોડું નથી થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular