ભારતની વીરાંગનાઓ-ટીના દોશી
સુનીતિ ચૌધરી – શાંતિ ઘોષ
બ્રિટિશ સરકાર સામે શહીદ ભગતસિંહની ફાંસીનો બદલો લેવા નીકળી પડેલી માંડ પંદરેક વર્ષની બાળાઓ કરીકરીને શું કરી શકે?
બંગાળની વાઘણ સમી શાંતિ ઘોષ અને સુનીતિ ચૌધરીનાં જીવન પર નજર કરશો તો જવાબ મળી જશે. બન્ને ક્રાંતિકારી બાળાઓએ મળીને જિલ્લા મેજિસ્ટ્રેટ ચાર્લ્સ જેફરી વકલેન્ડ સ્ટીવન્સનને ગોળીથી ફૂંકી માર્યા. બન્નેની નાની ઉંમરને ધ્યાને લઇ અંગ્રેજ સરકારે તેમને ફાંસીની સજા ફટકારવાને બદલે કઠોર કારાવાસમાં ધકેલી દીધા.
ભારતના સ્વતંત્રતા સંગ્રામની ક્રાંતિકારી વીરાંગનાઓ એટલે શાંતિ અને સુનીતિ. શાંતિનો જન્મ ૨૨ નવેમ્બર, ૧૯૧૬ના પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં થયો. રાષ્ટ્રવાદી પિતા દેવેન્દ્રનાથ ઘોષ કોમિલ્લા કોલેજમાં પ્રાધ્યાપક. શાંતિ પર પિતાની દેશભક્તિનો ઊંડો પ્રભાવ પડેલો. નાનપણથી ભારતીય ક્રાંતિકારીઓ વિશે વાંચ્યા કરતી. ૧૯૩૧માં ફજુનિસ્સા ક્ધયાશાળામાં અભ્યાસ કર્યો. આગળ જતાં શાંતિ માત્ર પંદર વર્ષની વયે સહપાઠી પ્રફુલ્લ નલિની બ્રહ્માના માધ્યમથી યુગાંતર પાર્ટીમાં દાખલ થઇ. ક્રાંતિકારી કાર્યો માટે આવશ્યક પ્રશિક્ષણ લેવા લાગી. યુગાંતર એક ક્રાંતિકારી સંગઠન હતું, જે એ દિવસોમાં અંગ્રેજ અધિકારીઓની હત્યા કરીને બ્રિટિશરાજમાં ખળભળાટ મચાવવા માટે જાણીતું હતું.
સુનીતિ પણ યુગાંતર પાર્ટીમાં સામેલ થયેલી. એનો જન્મ ૨૨ મે, ૧૯૧૭ના કોમિલા જિલ્લાના ઇબ્રાહિમપુર ગામના એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાં થયેલો. પિતા ઉમાચરણ ચૌધરી સરકારી નોકરી કરતા. માતા સુરસુંદરી અત્યંત ધાર્મિક મહિલા હતી. તેનો સુનીતિના જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો. સુનીતિ ઉંમરના પ્રમાણમાં વધુ પરિપક્વ હતી. રાજનૈતિક વાતાવરણથી પરિચિત હતી. ક્રાંતિકારીઓ સાથેનો અંગ્રેજોનો અમાનવીય વ્યવહાર જોઇને એનું બાળમાનસ વિદ્રોહ કરી બેસતું. સુનીતિ ફજુનિસ્સા ક્ધયાશાળામાં ભણતી, ત્યારે એના બે મોટા ભાઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓના રંગમાં સંપૂર્ણપણે રંગાઈ ગયેલા. ભાઈઓને પગલે ચાલીને સુનીતિ પણ ક્રાંતિકારી બનવા થનગનવા લાગી. સુનીતિના હૈયામાં સ્વામી વિવેકાનંદના શબ્દો કોતરાઈ ગયેલાં: માતૃભૂમિની વેદી પર જીવનનું બલિદાન આપવા માટે તમારો જન્મ થયો છે એ ભૂલશો નહીં…!
દરમિયાન શાળાનું શિક્ષણ પૂરું થયું. આગળના અભ્યાસ માટે સુનીતિએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. શાંતિની જેમ જ સહપાઠી પ્રફુલ્લ નલિની બ્રહ્મા દ્વારા યુગાંતર પાર્ટીના સંપર્કમાં આવી. યુગાંતરની મહિલા પાંખ ત્રિપુરા જિલ્લા છાત્રી સંઘમાં જોડાઈ. દેશની આઝાદી માટે કંઇક કરી છૂટવાનું સ્વપ્ન જોવા લાગી. સુનીતિ કોલેજના વિદ્યાર્થીઓની સામાજિક કાર્ય કરતાં જૂથની કપ્તાન હતી. આ અરસામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ વિદ્યાર્થી સંગઠનને સંબોધન કરવા પધારેલા. સંમેલન બાદ પ્રફુલ્લ નલિની બ્રહ્માએ નેતાજીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સ્ત્રીની પ્રત્યક્ષ ભાગીદારી હોવા અંગેનો અભિપ્રાય પૂછ્યો. નેતાજીએ કહ્યું: તમને આગલી હરોળમાં જોઇને મને આનંદ થશે. શાંતિ ઘોષે નેતાજીને ઓટોગ્રાફ આપવા માટે વિનંતી કરી. નેતાજી બોઝે લખ્યું: હે માતાઓ, તમારા ગૌરવ અને ગરિમાના રક્ષણ કાજે સ્વયં શસ્ત્ર ઉઠાવો.
શાંતિ અને સુનીતિ પર આ વાક્યે ઊંડી અસર કરી. બન્ને દેશની આઝાદી માટે પ્રતિબદ્ધ થયાં. સુનીતિને શસ્ત્રસંરક્ષિકા તરીકે પસંદ કરવામાં આવી. છાત્રી સંઘની બાળાઓને લાઠી, તલવારબાજી અને કટાર ચલાવવાની તાલીમ આપવાનું કામ સોંપાયું. પ્રત્યેક પ્રવૃત્તિમાં સુનીતિ પોતાનો જીવ રેડી દેતી. એને યુવાદળમાં સામેલ કરાઈ. પહાડી વિસ્તારમાં અસ્ત્રશસ્ત્ર ચલાવવાની તાલીમ અપાવા લાગી.
હથિયાર ચલાવવાની આ તાલીમમાં શાંતિ અને સુનીતિ સાથે હતાં. શસ્ત્ર પ્રશિક્ષણ પૂરું થયા પછી સુનીતિને સહપાઠી શાંતિ સાથે એક અભિયાન પાર પાડવા માટે પસંદ કરાઈ. એમણે અસરકારક કામની માગણી કરી. એવું કામ જે પુરુષ ક્રાંતિકારીની સમકક્ષ હોય. યુવતીઓને એવું જોખમી કામ સોંપવું કે નહીં એની ચર્ચાવિચારણા થઇ ત્યારે સુનીતિએ દલીલ કરી કે, અમને પ્રત્યક્ષ કામગીરી સોંપવાની જ ન હોય તો અમારી કટાર અને લાઠી શું કામની છે?’
બન્ને બાજુની દલીલોને અંતે નિર્ણય લેવાયો કે કેટલાક અભિયાનોને સફળ બનાવવા ક્ધયાઓને મોકલવી એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આવું જ એક અભિયાન હતું: ૨૩ માર્ચ, ૧૯૩૧ના ફાંસીએ ચડાવી દેવાયેલી શહીદ ત્રિપુટી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના મોતનો બદલો લેવો!
ત્રિપુટીની શહીદી પછી નવેક મહિના થયેલા. વેરની વસૂલાત માટે કોમિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ ચાર્લ્સ જેફરી વકલેન્ડ સ્ટીવન્સનને ઠાર કરવાની યોજના ઘડવામાં આવેલી. એનું પણ કારણ હતું. ચટગાંવ શસ્ત્રભંડાર પર ક્રાંતિકારીઓએ હુમલો કર્યા પછી પ્રત્યેક નાગરિકને પરિચયપત્ર અપાવા લાગ્યો. કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ સમયે અને ક્યાંય પણ પરિચયપત્ર માગી શકાય એવો હુકમ બ્રિટિશ સરકારે આપેલો. જો કોઈ પોતાનું ઓળખપત્ર ન આપે, અથવા આપવામાં આનાકાની કરે તો તેને ગોળીએ દેવાના સરકારી આદેશ હતા. પરિણામે ક્રાંતિકારીઓને એકથી બીજે ઠેકાણે જવાનું અઘરું થઇ ગયેલું. આવા કડક બંદોબસ્ત છતાં ત્રિપુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ ચાર્લ્સ સ્ટીવન્સનને ક્રાંતિકારીઓ દ્વારા જાનથી મારવાની ધમકીઓ મળી રહેલી, કારણ કે પરિચયપત્રની વ્યવસ્થા ઊભી કરવામાં એણે મહત્ત્વની ભૂમિકા ભજવેલી. ચાર્લ્સ સ્ટીવન્સનની સુરક્ષા વ્યવસ્થા અત્યંત મજબૂત બનાવી દેવામાં આવેલી. એક રીતે તો એણે પોતાને ઘરમાં કેદ કરી લીધેલો. આવા સંજોગોમાં સ્ટીવન્સનને ઠાર કરવાની જવાબદારી ૧૪ વર્ષની સુનીતિ અને ૧૫ વર્ષની શાંતિને સોંપવામાં આવી.
૧૪ ડિસેમ્બર, ૧૯૩૧… શાંતિ અને સુનીતિ મેજિસ્ટ્રેટ સ્ટીવન્સનને બંગલે પહોંચ્યાં. દરવાજે પહેરો ભરી રહેલા દ્વારપાળે આવવાનું કારણ પૂછ્યું. બન્ને બોલી: છોકરીઓની તરણસ્પર્ધા છે, એ સમયે કોઈ સ્ટીમર કે નૌકા ત્યાંથી ન નીકળે એવા પ્રાર્થનાપત્ર પર સાહેબના હસ્તાક્ષર કરાવવા છે. બેયનાં માસૂમ ચહેરા જોઇને દ્વારપાળે દરવાજેથી ફોન પર સ્ટીવન્સન સાથે વાત કરી. સ્ટીવન્સને બન્નેને અંદર મોકલવા કહ્યું. બેય બંગલામાં ગઈ. સ્ટીવન્સન કક્ષમાંથી બહાર આવ્યો. પ્રાર્થનાપત્ર જોઇને કહ્યું કે, આ તો પોલીસનું કામ છે. હું એને પોલીસ અધિકારીને પાઠવી દઉં છું.’ આમ કહીને સ્ટીવન્સને પત્ર મેજ પર મૂક્યો. પત્ર પર લખવાનું શરૂ જ કરેલું કે ભોળી દેખાતી શાંતિ- સુનીતિએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું. શાલમાં છુપાવેલી પિસ્તોલ કાઢી અને ગોળીબાર કરવા લાગી. પાંચ પાંચ ગોળીઓથી સ્ટીવન્સન વીંધાયો. ધરતી પર ઢળી પડ્યો અને એનું પ્રાણપંખેરું ઊડી ગયું.
શાંતિ-સુનીતિએ પિસ્તોલ ફેંકી દીધી. વંદેમાતરમના નારાથી મેજિસ્ટ્રેટના બંગલાને ગજાવી દીધો. બેયને બંદી બનાવી લેવામાં આવી. બન્ને શહીદનું મૃત્યુ ઝંખતાં હતાં, પણ સગીર હોવાને લીધે એમને ફાંસી ન થઇ. ફેબ્રુઆરી, ૧૯૩૨માં બેયને આજીવન કારાવાસની સજા થઇ. બન્નેએ કવિ નઝરુલનું ગીત ગાતાં ગાતાં કારાગૃહમાં પ્રવેશ કર્યો:
ઓહ, ઇન લોહે કી સલાખોં કો તોડ દો, ઇન કારાગારોં કો જલા દો…
પાંચેક વર્ષ વીત્યાં. ૧૯૩૭નું વર્ષ… સ્વતંત્રતા સેનાનીઓએ ક્રાંતિકારીઓને છોડાવવા માટે શરૂ કરેલા પ્રયત્નો રંગ લાવ્યા. અન્ય ક્રાંતિકારીઓ સાથે શાંતિ-સુનીતિ પણ કારાવાસમાંથી બહાર આવ્યાં. એ પછી શાંતિએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો. પ્રાધ્યાપક ચિતરંજન દાસ સાથે લગ્ન કર્યા. ૧૯૫૨થી ૧૯૬૨ અને ૧૯૬૭-’૬૮ના ગાળામાં પશ્ર્ચિમ બંગાળ વિધાન પરિષદમાં કાર્યરત રહી. ‘અરુણબહની’ નામે આત્મકથા લખી. ૨૮ માર્ચ, ૧૯૮૯ના રોજ અંતિમ શ્ર્વાસ લીધા. સુનીતિએ પણ જેલમુક્તિ પછી અભ્યાસ આગળ વધાર્યો. ડૉક્ટર બની. ૧૯૪૭માં ટ્રેડ યુનિયન નેતા પ્રદ્યોતકુમાર ઘોષ સાથે વિવાહબંધનમાં બંધાઈ. ૧૯૯૪માં દુનિયામાંથી ચિરવિદાય લીધી.
શાંતિ-સુનીતિની બહાદુરી અંગે જાણીને બે પંક્તિનું સ્મરણ થાય છે:
મારગ આડે પહાડ ભલે હો હસતાં હસતાં ચડીએ
કાંટા લાખ ભલે હો રસ્તે કચરી આગળ વધીએ…