રેવડી: સ્વાદમાં ગળી, દાણાદાણ થાય તો કડવી

ઉત્સવ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

એક સુંદર મજાનો શૈશવકાળ હતો જ્યારે ગળ્યું ખાવાનું મન થાય ત્યારે પતાસાં, સુખડી કે શીંગ રેવડી ખાવા મળી જતાં. અલબત્ત પતાસાં તો ખાંડની ચાસણીથી બનતી મીઠાઈ એટલે ઝાઝી ન ખાઈ શકાતી. વળી કોઈ ઉત્સવ કે પ્રસંગ વખતે એ ખાવાનું વધુ ચલણ રહેતું. સુખડી એટલે ઘી – ગોળમાં ઘઉંનો લોટ બનાવી તૈયાર થતી વાનગી જે નિયમિત ધોરણે ખાવા ન મળે. શીંગ અને રેવડી એ એવું કોમ્બિનેશન હતું જે બારમાસી હતું, માગો ત્યારે મળી જાય અને બહાર રમવા જઈએ કે વાડીએ મસ્તી કરવા જઈએ, ખિસ્સામાં ભરીને લઈ જવાય. રમતા-કૂદતા ભૂખ લાગે તો રેવડીને કારણે ગળપણનો સ્વાદ આવે અને બંને ભેગા ખાવાથી પેટ ભરાઈ જાય અને તલ ગુણકારી હોવાથી શરીરને તાકાત આપે. વેકેશનમાં મામાના ઘરે જઈએ ત્યારે શેરીના નાકે નાથાલાલની દુકાને ક્યારેક ટોફી – ખારી બિસ્કિટ તો ક્યારેક રેવડી – શીંગ અને બપોરે બરફગોળાનો જલસો હોય જ. મંદિરમાં પ્રસાદ તરીકે રેવડી આપવાનો રિવાજ હજી પણ ક્યાંક સચવાયો છે. ગુજરાત અને યુપીમાં રેવડીનું ચલણ વધારે રહ્યું છે. જોકે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં કરેલા એક પ્રવચનમાં રેવડીનો ઉલ્લેખ કરતા તલની આ આઈટમને દેશવ્યાપી લોકપ્રિયતા મળી ગઈ છે. વોટના બદલામાં મતદારોને લલચાવી કોઈ ભેટ આપવાનો આરોપ વિરોધ પક્ષ પર લગાવી આ પ્રથાને ’રેવડી સંસ્કૃતિ’ તરીકે ઓળખાવી હતી. દરિયાપાર પણ આ નિમિત્તે ‘વ્હોટ ઈઝ રેવડી?’ એવો સવાલ પૂછાયો હોય તો નવાઈ નહીં.
મજેદાર વાત એ છે કે સ્વાદમાં ગળી લાગતી આ મીઠાઈ ભાષામાં વિરોધાભાસી સ્વરૂપ અપનાવી કડવાશ ધારણ કરે છે. શબ્દકોશમાં રેવડીનો અર્થ ફજેતી, નાલેશી, બદનામી જેવા આપ્યા છે. રેવડીનો સૌથી પ્રચલિત ભાષા પ્રયોગ છે રેવડી દાણાદાણ કરવી. આબરૂના કાંકરા કરવા, ફજેતી કરવી કે બેહાલ કરી નાખવા એવો એનો ભાવાર્થ છે. ૧૯૮૩ના વર્લ્ડ કપમાં કપિલ દેવની ધૂંઆધાર રમતને કારણે ઝિમ્બાબ્વે સામે ભારતની રેવડી દાણાદાણ થતી બચી ગઈ. મશ્કરી કરવી કે હાંસી ઉડાડવી એવા પણ એના અર્થ છે. કર્મચારીની અણઆવડત ક્યારેક બોસની રેવડી દાણાદાણ કરી નાખે છે. બિઝનેસમાં પાયમાલી થાય ત્યારે પણ રેવડી દાણાદાણ થઈ ગઈ એમ કહેવાતું હોય છે. રેવડી થવી રૂઢિપ્રયોગમાં પણ આવો જ અર્થ અભિપ્રેત છે. ભોંઠા પડવું કે આબરૂ ગુમાવવી એવો પણ મતલબ અહીં જોવા મળે છે. કોઈની મશ્કરી કરવામાં આવે કે પછી કોઈને હાંસીપાત્ર ઠેરવવાનો પ્રયાસ થાય, આબરૂ ધૂળધાણી કરવામાં આવે ત્યારે રેવડી કરવી એમ કહેવાય છે. સાકર કે ગોળ સાથે બનતી તલની આ મીઠાઈનો એક ઓછો
જાણીતો પ્રયોગ છે રેવડીના પેચમાં લેવું. કોઈને ફસાવવું , સપડાવી દેવું કે આંટામાં લેવું એવો એનો ભાવાર્થ છે. અન્ય એક પ્રયોગ છે રેવડીના ફેરમાં પડવું જેનો અર્થ મુશ્કેલીમાં મુકાઈ જવું એવો થાય છે. પતાસાંની બહુ જ મજેદાર કહેવત છે બગાસું ખાતાં મોઢામાં પતાસું આવી પડ્યું. જહેમત કે કોશિશ કર્યા વિના અણધાર્યો મોટો લાભ
થાય ત્યારે આ કહેવતનો ઉલ્લેખ કરવામાં
આવે છે. કોઈ ઘરમાં ગેરકાયદે દારૂની બોટલ સંતાડેલી હોવાની બાતમી મળતા ગુજરાતની પોલીસે છાપો તો માર્યો પણ દારૂ હાથ લાગવાને બદલે કરોડો રૂપિયાનું કાળું નાણું હાથ લાગ્યું. આમ પોલીસના મોંમાં બગાસું ખાતાં પતાસું
આવી પડ્યું.

———-
कहावत में सिख

દરેક ભાષાની કહેવતોમાં ભાષા લાલિત્યની સાથે કંઈક નવી જાણકારી મળવાની સાથે નવું શીખવા પણ મળે છે. રૂઢિપ્રયોગો અને કહેવતો ઓછા શબ્દોમાં ઘણો મોટો પાઠ ભણાવી દેવાની ક્ષમતા ધરાવતા હોય છે. આજે આપણે આવા જ એક ઉદાહરણની વાત કરીએ. એક રૂઢિપ્રયોગ છેआग से पीछे भला.. કોઈ વાતથી અસંતોષ હોય ત્યારે આ પ્રયોગ મનનું સમાધાન કરે છે. આ પ્રયોગ પાછળ એક નાનકડી પણ મજેદાર કથા છે. વાત એક ગામની છે. ગામની એક મહિલા સતત ચિંતામાં રહેતી. એના ચહેરા પરનું હાસ્ય જાણે કે વિલાઈ ગયું હતું. આડોશ પાડોશમાં રહેતી સન્નારીઓ કાયમ એની મજાક ઉડાવતી રહેતી હતી, કારણ કે એના પતિનું નામ લટૂરા હતું. આ નામનો કોઈ અર્થ નહોતો અને સાંભળવામાં વિચિત્ર પણ લાગતું હતું. લગ્ન પછી નામ બદલાવી કંઈક સારું પાડવું જોઈતું હતું એવો કટાક્ષ પણ કરવામાં આવતો હતો. એક દિવસ એવું બન્યું કે એક જણનું અવસાન થયું. બધા પૂછવા લાગ્યા કે કોણ ગુજરી ગયું તો જવાબ મળ્યો અમર સિંહ. નામ અમર સિંહ હોય એ કદી મૃત્યુ પામે ખરો? એવી ગુસપુસ થવા લાગી. થોડા દિવસ પછી વાત જાણવા મળી કે ગામમાં કેટલાક લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ. એ લડાઈમાં પાંચેક જણે ભેગા થઈ એકને ધીબેડી રહ્યા હતા અને એ ડરીને ભાગ્યો. તપાસ કરતા ખબર પડી કે એનું નામ શૂરવીર સિંહ હતું. આ બે ઘટના પછી લટૂરાની પત્નીએ મજાક ઉડાવનાર સન્નારીઓને એક દુહો કહ્યો કે अमरा जी को मरता देख्या, भागत देख्या शूरा, आगे से पाछा भला, कसम भला लटूरा.. મતલબ કે ‘અમર સિંહને મરતો જોયો, શૂરવીરને ડરીને ભાગતા જોયો, આગળ હોવા કરતા પાછળ હોવું બહેતર અને આ બધું જાણ્યા પછી ભટૂરા નામ સાથે મને કોઈ વાંધો નથી.’ ટૂંકમાં નામ પ્રમાણે ગુણ હોય એ જરૂરી નથી. બુદ્ધિસાગર નામની વ્યક્તિ બેવકૂફ હોઈ શકે છે અને અમથાલાલ અત્યંત ઉદ્યમી હોઈ શકે છે.
———-
पाण्याचे म्हणी

लाथ मारीन तिथे पाणी काढेन असा आत्मविश्वास असला तरी परिस्थितीचं पाणी नीट जोखलं नाही तर मात्र प्रतिस्पध्र्याकडून पाणी पाजले जाण्याची शक्यता असते.. પથ્થર ફોડીને પાણી કાઢી શકવાનો આત્મવિશ્ર્વાસ હોવા છતાં જો પરિસ્થિતિ પારખી સામી વ્યક્તિનું કૌવત ઓળખવામાં થાપ ખાઈ જઈએ તો પ્રતિસ્પર્ધીને હાથે પરાજિત થવાનો વારો આવે એમ આ એક વાક્યમાં અત્યંત માર્મિક રીતે કહેવાયું છે. જાણવા જેવી વાત એ છે કે આ એક જ વાક્યમાં પાણી શબ્દના જુદા જુદા અર્થ સમજવા મળે છે. જ્યારે અચાનક મનમાં શંકા – કુશંકા ઘેરી વળે ત્યારે ખોટા – ખરાબ વિચાર મગજ પર કબજો જમાવી દેતા હોય છે. એને માટે મરાઠીમાં काळजाचे पाणी पाणी होणे રૂઢિપ્રયોગ વપરાય છે.. परदेशात आपल्या मुलीला जमणार का या कल्पनेने काही पालकांच्या काळजाचे पाणी पाणी होउन जाते. વિદેશમાં પોતાની દીકરીને ફાવશે કે કેમ એ વિચારે કેટલાક માતા – પિતાના મનમાં શંકા -કુશંકા ઘેરી વળતા હોય છે. પાણીના અન્ય એક પ્રચલિત રૂઢિપ્રયોગ છે पालथ्या घडयावर पाणी..કોઈ વાત વારંવાર સમજાવ્યા પછી પણ સામી વ્યક્તિ એ જ ભૂલનું પુનરાવર્તન કર્યા કરે ત્યારે આ કહેવતનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતીમાં આ પ્રયોગ પથ્થર પર પાણી એ રીતે જાણીતો છે. પથ્થર પર પાણી રેડીએ પણ એ પાણી પથ્થર પર જરાય ટકતું નથી. એ જ પ્રમાણે આપેલી સલાહ કે શિખામણ એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવામાં આવે ત્યારે પથ્થર પર પાણી એમ કહેવાય છે.


WEET IDIOMS

ગળ્યું એટલું ગળ્યું, બાકી બીજું બળ્યું એવું ગુજરાતીઓ ભલે માનતા હોય, અંગ્રેજો મીઠાઈથી દૂર રહેવામાં શાણપણ માને છે.Sweetmeat – Sweet Dish તરીકે ઓળખાતી મીઠાઈ Idioms – Proverbs જેવા ભાષા પ્રયોગમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મીઠાશ ધરાવતી કેટલીક અંગ્રેજી રૂઢિપ્રયોગો – કહેવતોથી મોં મીઠું કરીએ. એક મજેદાર કહેવત છે કે A Rose By Any Other Name Would Smell Sweet. ગુલાબને તમે કોઈ પણ નામ આપો તો પણ એની મહેક તો મધુર જ રહેવાની. મતલબ કે નામ બદલવાથી ગુણ નથી બદલાઈ જતા. આ પ્રયોગનો સર્વ પ્રથમ ઉપયોગ વિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે કર્યો હતો. આને સમાંતર અર્થ ધરાવતી ગુજરાતી કહેવત છે ‘ગોરિયા સાથે કાળિયો રહે, વાન ન આવે પણ સાન તો આવે.Changing the name of the company won’t clean its bad image due to scandal. A rose by any other name and all that. કંપનીનું નામ બદલી નાખવાથી કૌભાંડમાં બગડેલી ઈમેજ કંઈ સ્વચ્છ નહીં થઈ જાય. છાંટા ઉડ્યા છે તો ડાઘ દેખાયા વિના નહીં રહે. હવે એક એવા રૂઢિપ્રયોગની વાત કરીએ જે જાણવો જરૂરી છે. Forbidden Fruit (Apple) is the Sweetest. પ્રતિબંધિત ફળ સૌથી વધુ સ્વાદિષ્ટ હોય છે એ એનો શબ્દાર્થ છે. મતલબ કે જેની ના પાડવામાં આવી હોય એના માટે સૌથી વધુ આકર્ષણ થાય, જાણવાની તાલાવેલી વધી જાય. એડલ્ટ્સ ઓન્લી – માત્ર પુખ્ત વયના લોકો માટેની ફિલ્મ જોવાની તાલાવેલી કિશોર વર્ગમાં સૌથી વધુ જોવા મળે છે એ Forbidden Fruit is the Sweetest પ્રયોગનું જ્વલંત ઉદાહરણ છે. ઘણી વાર એવું બને છે કે આસપાસના વાતાવરણથી એટલું બધું રોમાંચિત થઈ જવાય કે મોટી ઉંમરની વ્યક્તિ પણ બાળક જેવું વર્તન કરવા લાગે. એ માટે જાણીતો પ્રયોગ છે Like a Child in the Sweet Shop. મીઠાઈની દુકાનમાં બાળક કેવું બાવરું – ઘેલું બની જાય, બસ એવી જ વાત.Mahesh loves cricket so much that he is like a child in the sweet shop whenever he enters a stadium.. મહેશ ક્રિકેટ પાછળ એ હદે ઘેલો છે કે જ્યારે પણ સ્ટેડિયમમાં પ્રવેશે એટલે મીઠાઈની દુકાનમાં બાળક જેવું વર્તન કરવા લાગે. As Sweet as Honey એટલે મીઠા કે મૈત્રીપૂર્ણ અથવા દયાળુ સ્વભાવનું.


 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.