ટીન, કોપર અને બ્રાસમાં જળવાતી પીછેહઠ, નિકલમાં ₹ ૨૦ની તેજી

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે લંડન મેટલ એક્સચેન્જ ખાતે નિકલના ભાવમાં પાંચ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓના ભાવ દબાણ હેઠળ રહ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૨૦ની તેજી આવી હતી, જ્યારે કોપર અને બ્રાસની વેરાઈટીઓ અને ટીનમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૧૨ની પીછેહઠ જળવાઈ રહી હતી. આ સિવાયની અન્ય ધાતુઓમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત શુક્રવારે લંડન મેટલ એક્સચેન્જ ખાતે નિકલના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધથી ૪.૯ ટકા વધીને ટનદીઠ ૨૨,૯૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય કોપર સહિતની અન્ય ધાતુઓના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
આમ વૈશ્ર્વિક અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ધાતુ બજારમાં ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૦ વધીને રૂ. ૨૦૭૦ના મથાળે રહ્યા હતા.
આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું તેમાં મુખ્યત્વે ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૧૨ ઘટીને રૂ. ૨૭૮૮, કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટીને રૂ. ૬૮૫, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૬ ઘટીને રૂ. ૫૨૧, કોપર સ્ક્રેપ હેવી અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૬૭૦ અને રૂ. ૬૦૦, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૬૭૯ અને રૂ. ૬૬૧ અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૪૬૩ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગની ખપપૂરતી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૮, રૂ. ૨૧૭, રૂ. ૨૮૭ અને રૂ. ૧૮૫ના મથાળે ટકેલા રહ્યાના અહેવાલ હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.