(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના મંદીના સંકેત સાથે સ્થાનિક બજારમાં સતત ચોથા દિવસે પીછેહઠ નોંધાઇ હતી. બેન્કિંગ અને આઇટી શેરોની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતા સેન્સેક્સ ૫૩,૪૫૦ પોઇન્ટની સપાટી તોડીને નેગેટીવ ઝોનમાં ગબડ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૬,૦૦૦ની ઓર નીચે સરક્યો હતો.
સત્ર દરમિયાન સેન્સેક્સ ૫૪,૮૬૧.૨૮ પોઇન્ટની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, પાછળથી વેચવાલીનું દબાણ વધી જવાને કારણે ૫૩,૧૬૩.૭૭ પોઇન્ટ સુધી નીચે ગબડ્યો હતો.
એકંદરે ડહોળાયેલા હવામાન વચ્ચે બીએસઇનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક સેન્સેક્સ સત્રને અંતે વધુ ૯૮ પોઇન્ટ અથવા તો ૦.૧૮ ટકાના ઘટાડા સાથે ૫૩,૪૧૬.૧૫ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો ૫૦ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી ૨૮ પોઇન્ટ અથવા તો ૦.૧૮ ટકાના ઘટાડા સાથે ૧૫,૯૩૮.૬૫ પોઇન્ટની સપાટીએ સ્થિર રહ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં ૧.૭૪ ટકાના કડાકા સાથે એક્સિસ બેન્ક ટોપ લૂઝર શેર બન્યો હતો. અન્ય ઘટનારા અગ્રણી શેરોમાં એચસીએલ ટેકનોલોજી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઇટીસીનો સમાવેશ હતો. જ્યારે સન ફાર્મા, ડો. રેડ્ડૂીઝ લેબ, મારુતિ સુઝુકી ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક, ટાઇટન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર ટોપ ગેઇનર્સની યાદીમાં હતા.
સારા આર્થિક ડેટાને કારણે પ્રારંભમાં સુધારાનો માહોલ રહ્યો હતો. જથ્થાબંદ ફુગાવો જૂન મહિનામા નીચી સપાટીએ ઉતર્યો હોવાથી સેન્ટિમેન્ટને સહેજ ટેકો મળ્યો હતો. ખનીજના ભાવના ઘટાડાને કારણે જૂન મહિનાનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ૧૫.૧૮ ટકાની ત્રણ મહિનાની નીચી સપાટીએ ગબડ્યો હતો, જોકે, ખાદ્ય પદાથો૪ના ભાવ ઊંચા રહ્યાં હતાં. એ પણ નોંધવું રહ્યું કે સતત પંદરમા મહિને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ બે આંકડામાં રહ્યો હતો.
માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે અમેરિકાના ઇન્ફ્લેશનના અપેક્ષાથી ઊંચા ડેટાની જાહેરાતને પગલે વિશ્ર્વબજારમાં જોવા મળેલી પીછેહઠને કારણે સેન્સેક્સ પણ પ્રારંભિક સુધારો ખંખેરીને નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો. યુરોપના બજારોની સતત ત્રીજા દિવસની પીછેહઠને કારણે સેન્ટિમેન્ટ ખોરવાઇ ગયું હતું.
વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં મંદીના માહોલ વચ્ચે ફરી વ્યાજદરના વધારાના ભણકારા વાગવા માંડ્યા છે. અમરિકાના મજબૂત જોબ ડેટા અને ઇન્ફ્લેશનના વધતા દબાણને જોતા ફેડરલ વધુ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરશે એવો ભય ફરી જાગ્યો છે. ફેડરલ આ મહિને અંદાજે ૭૫ બેસિસ પોઇન્ટનો વ્યાજદર વધારો જાહેર કરશે એવી અટકળો છે. મંગળવારના સત્તાવાર ડેટા અનુસાર રીટેલ ઇન્ફ્લેશન સહેજ ઘટીને ૭.૦૧ ટકાના સ્તરે રહ્યું છે, જોકે તે મધ્યસ્થ બેન્કના ટોલરન્સ બેન્ડથી નીચી સપાટીએ રહ્યું હોવાથી વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે. ચીનમાં ફરી કોરોનાનાન વના વેરિએન્ટના વધી રહેલા કેસને કારણે માગમાં ઘટાડો થવાથી ક્રૂડ ઓઇલના ભાવ દબાણ હેટળ રહ્યાં છે.
એશિયાઇ બજારોમાં શાંઘાઇ, હોંગકોંગ અને સિઓલ શેરબજારમાં પીછેહઠ નોંધાઇ હતી. જ્યારે ટોકિયો સ્ટોક એક્સચેન્જમાં સુધારો જોવા મળ્યો હતો. યુરોપના મહત્ત્વના શેરબજારોમાં મધ્યસત્ર સુધી નરમાઇ રહી હોવાના અહેવાલો હતો. અમેરિકાના શેરબજારોમાં બુધવારે સતત ત્રીજા દિવસે નરમાઇનું વલણ જોવા મળ્યું હતું.
દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૧.૯૭ ટકાના ઘટાડા સાથે ૯૭.૬૧ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) નેટ સેલર્સ જ રહ્યાં હતા અને પાછલા સત્રમાં એક્સચેન્જની પ્રારંભિક માહિતી અનુસાર વિદેશી ફંડોએ રૂ. ૨,૮૩૯.૫૨ કરોડની વેચવાલી નોંધાવી હતી.
