નવી દિલ્હીઃ રિટેલ ફુગાવાનો સૂચકાંક જાન્યુઆરી મહિનામાં 6.52 ટકાની ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો છે તેની સાથે સામાન્ય જનતાની સાથે સરકારની ચિંતામાં વધારો કર્યો છે. કન્ઝ્યુમર પ્રાઈઝ ઈન્ડેક્સ આધારિત ફુગાવાનો દર ડિસેમ્બરમાં 5.72 ટકા અને જાન્યુઆરી, 2022માં 6.01 ટકા હતો. અલબત્ત, આરબીઆઈ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અંદાજ કરતા પણ ફુગાવાનો દર છ ટકાની ઊંચી સપાટી પણ પાર થઈ છે.
ફૂડના ભાવમાં ઘટાડા પછી છેલ્લા બે મહિનાથી ફુગાવાના વલણમાં ઘટાડો થયો હતો, પરંતુ જાન્યુઆરી મહિનામાં ફૂડના ભાવમાં જોરદાર વધારો થયો છે. ફૂડ ઈન્ફ્લેશન જાન્યુઆરીમાં વધીને 5.94 ટકાની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે અગાઉના મહિના દરમિયાન 4.19 ટકા હતો. કેન્દ્રીય રિઝર્વ બેંકની નાણાકીય પોલિસીમાં ખાસ કરીને ફુગાવાના સૂચંકાકને ધ્યાનમાં રાખે છે અને કેન્દ્રીય બેંકે ફુગાવાની વધઘટને ધ્યાનમાં રાખીને ચાર ટકા રાખવાની અપેક્ષા વ્યક્ત કરી છે. અપેક્ષા કરતા ફૂડના ભાવમાં થયેલા વધારાને કારણે ખાદ્ય પદાર્થ આધારિત ફુગાવાના દરમાં વધારો થયો છે.
સરકારી એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર શહેરી વિસ્તારોમાં મોંઘવારીનો દર વધીને છ ટકાની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે ડિસેમ્બરમાં 5.39 ટકા હતો, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ડિસેમ્બરમાં મોંઘવારીનો દર 6.05 ટકા હતો, જ્યારે જાન્યુઆરીમાં 6.85 ટકાએ પહોંચ્યો છે. આ માહિતી ગ્રામીણ વિસ્તારના 1,181 માર્કેટ અને શહેરી ક્ષેત્રના 1,114 માર્કેટમાંથી એકત્ર કરવામાં આવી હતી. અગાઉ આઈએમએફ (ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ)એ પણ ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 6.8 ટકાથી ઘટીને પાંચ ટકાએ રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી, પરંતુ આજના આંકડાથી મોંઘવારીમાં વધારો થવાના સંકેત આપે છે. વધતા મોંઘવારી દરની વચ્ચે મોંઘવારી દર ઘટીને ચાર ટકા રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.