કોમોડિટી – રમેશ ગોહિલ
આંતરરાષ્ટ્રીય સ્તરે બૅન્કિગ ક્ષેત્રે નાણાકીય કટોકટી સપાટી પર આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની પ્રબળ માગ રહેતાં એક તબક્કે ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ વધીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. એકંદરે સોનાના ભાવમાં આગઝરતી તેજી આવતા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ તળિયે બેસી ગઈ હતી અને માત્ર રોકાણકારોની છૂટીછવાઈ સલામતી માટેની માગ જોવા મળી હતી. તેમ જ ગત સપ્તાહે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ગૂડી પડવા અને ઉગાડી જેવાં પરંપરાગત તહેવારમાં પણ અપેક્ષિત માગનો વસવસો રહ્યો હતો. વધુમાં ગ્રાહકોને આકર્ષવા માટે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૫૭ ડૉલર જેવાં ઊંચા ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૨૭ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય મહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા ૧૭ માર્ચનાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮,૨૨૦ના બંધ ભાવ સામે ઉછાળા સાથે રૂ. ૫૯,૬૭૧ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૮,૬૩૭ અને ઉપરમાં રૂ. ૫૯,૬૭૧ની રેન્જમાં અથડાઈને અંતે રૂ. ૫૯,૬૫૩ના મથાળે બંધ રહ્યા હતા. આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૨.૪૭ ટકા અથવા તો રૂ. ૧૪૩૩નો ઉછાળો આવ્યો હતો. તેમ જ ગત સપ્તાહે ઓનલાઈન વાયદામાં એક તબક્કે ભાવ વધીને ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૪૫૫ની સપાટી સુધી પહોંચ્યા હતા.
પ્રવર્તમાન બૅન્કિંગ કટોકટીની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહી હતી, પરંતુ રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હોવાનું ગ્રેટર ચાઈના સ્થિતિ એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવતાં ઉમેર્યું હતું કે ચીન ખાતે ગત સપ્તાહે ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૧૯થી ૨૫ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ક્વૉટ કરી રહ્યા હતા, જ્યારે આગલા સપ્તાહે પ્રીમિયમ ૨૦થી ૨૬ ડૉલર આસપાસની સપાટીએ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાનો અંત નજીક આવી રહ્યો હોવાના સંકેતો મળતાં ગત સપ્તાહે વ્યાજની ઊપજ ન આપતા સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યો હતો. તેમ જ વર્ષ ૨૦૨૩ સુધી ફેડરલ વ્યાજદરમાં કપાત કરે તેવી શક્યતા ન હોવાથી સોનાના વૈશ્ર્વિક ભાવ પુન: ૨૦૦૦ ડૉલરની સપાટી પાર કરે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વે નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. તેમ જ આ મહિનાના આરંભે બે ધિરાણકર્તા બૅન્ક પડી ભાંગતા ઉદ્ભવેલી બૅન્કિંગ ક્ષેત્રની કટોકટી અને વધી રહેલા ફુગાવાને અંકુશમાં રાખવા હજુ એક વખત વ્યાજદરમાં વધારો કરવાની આવશ્યકતા હોવાના સંકેત આપ્યા હતા. વધુમાં ગત સપ્તાહે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ સતત ૧૧મી વખત વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. આમ એકંદરે પ્રવર્તમાન આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૮૯૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૦૧૦ ડૉલરની ભાવસપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે અને જો ૨૦૧૦ ડૉલરની સપાટી પાર થાય તો ભાવ વધીને ૨૦૭૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે આગામી સપ્તાહે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદા માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮,૦૦૦ની સપાટી ટેકાની અને રૂ. ૬૨,૦૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન ગત સપ્તાહેના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૭૫ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, તે પૂર્વે પ્રવર્તમાન બૅન્કિંગ ક્ષેત્રની કટોકટી અને ફેડરલ દ્વારા વ્યાજદર વધારો સ્થગિત કરવા સંકેત આપ્યો હોવાથી એક તબક્કે ભાવ વધીને ફરી ઔંસદીઠ ૨૦૦૨.૮૯ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. તેમ જ વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૬ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૯૮૩.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ઈક્વિટી માર્કેટમાં બાઉન્સબૅક જોવા મળતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા, તેમ છતાં આગામી સમયગાળામાં સોનામાં સલામતી માટેની માગનો ટેકો મળતો રહેશે, એમ ટીડી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી માર્કેટ સ્ટ્રેટેજી વિભાગના હેડ બાર્ટ મેલેકે જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વે તેની છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે નાણાકીય ક્ષેત્ર દબાણ હેઠળ હોવાના કોઈ સંકેત નહોતા આપ્યા અને તેઓ વધુ એક વ્યાજ વધારા સાથે ફુગાવો ઘટાડવા પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ઉ