વૈશ્ર્વિક રોકાણકારોની નજર અમેરિકાના ફુગાવાના ડેટા અને ફેડરલની બેઠક પર
કોમોડિટી -રમેશ ગોહિલ
અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૧૩-૧૪ ડિસેમ્બરની નીતિવિષયક બેઠક પૂર્વે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં સોનાના ભાવમાં ચમકારો આવતાં સ્થાનિક સોના-ચાંદી બજારમાં પણ હાજર અને વાયદામાં સોનાના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી. જોકે, સપ્તાહ દરમિયાન ડૉલર સામે રૂપિયામાં પણ ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળી રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં ભાવ વધારો મર્યાદિત રહ્યો હતો.
ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત બીજી ડિસેમ્બરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩,૬૫૬ના બંધ સામે સપ્તાહની ઊંચી ૫૩,૯૭૨ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૫૩,૪૬૧ રહ્યા બાદ અંતે રૂ. ૫૩,૯૩૭ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ સપ્તાહ ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૮૧ વધી આવ્યા હતા. તેમ જ વાયદામાં પણ ભાવ એક તબક્કે વધીને નવ મહિનાની ઊંચી ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪,૩૪૮ની સપાટીએ પહોંચ્યા હતા. આમ ભાવમાં તેજીનું વલણ રહેતાં દેશભરમાં જ્વેલરોએ નવી ખરીદી મોકૂફ રાખી હતી. તેમ જ રિટેલ સ્તરની લેવાલીમાં પણ ઘટાડો જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે જ્યાં સુધી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦૦ સુધીનો ઘટાડો નોંધાશે નહીં ત્યાં સુધી માગ દબાણ હેઠળ જ રહે તેવી શક્યતા જણાય છે. હાલને તબક્કે લગ્નસરાની મોસમ હોવા છતાં મોટા ભાગના લોકો નવાં આભૂષણો લેવાને બદલે જૂનાનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરી રહ્યા હોવાથી લગ્નસરાની અપેક્ષિત માગનો પણ વસવસો જોવા મળી રહ્યો હોવાનું એક ડીલરે જણાવતા ઉમેર્યું હતું કે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વિશ્ર્વ બજારની સરખામણીમાં ઔંસદીઠ ૨૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. આ પૂર્વેના સપ્તાહે ડીલરો ભાવ ઔંસદીઠ ૧૮ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.
સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ગત સપ્તાહે કોવિડ-૧૯ને લગતાં નિયંત્રણો હળવા કરવામાં આવતાં માગમાં ચમકારો આવ્યો હતો અને માગ ખૂલવાની સાથે ચીનમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૦થી ૨૫ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. સામાન્યપણે ચીનની સોનાની આયાત તેની કેન્દ્રવર્તી બૅન્ક પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાના નિયંત્રણ હેઠળ છે અને તેના ક્વૉટાની ફાળવણી અનુસાર વાણિજ્ય બૅન્કો દ્વારા સોનાની આયાત થતી હોય છે. જોકે, હજુ સુધી ક્વૉટાની જાહેરાતના કોઈ અહેવાલ નથી, પરંતુ કેન્દ્રવર્તી બૅન્કે સોનાની અનામતમાં ૩૨ ટનનો વધારો કર્યો હોવાનું ગત બુધવારે જણાવ્યું હતું.
સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. રોકાણકારોની નજર આગામી સપ્તાહે ૧૩ ડિસેમ્બરના રોજ જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર તેમ જ ફેડરલ રિઝર્વની ૧૩-૧૪ ડિસેમ્બરના રોજ યોજાનારી નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પર હોવાથી વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં સુધારાની ગતિ ધીમી રહી હતી. અમેરિકાના આર્થિક ડેટાઓ સારા આવી રહ્યા હોવાથી ૯૩ ટકા બજાર વર્તુળોનું માનવું છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કરશે. જો ફેડરલ રિઝર્વ બજારની અપેક્ષાનુસાર વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડશે અને ફુગાવામાં પણ હળવાશ જોવા મળશે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હવે ચીને પણ કોવિડ-૧૯ના નિયંત્રણો હળવા કર્યાં હોવાથી આગામી વર્ષથી અર્થતંત્રની ગાડી પણ પાટે ચડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૭૯૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૧૮૨૫ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે. જોકે, સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં સપ્તાહ દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૩,૦૦૦થી ૫૫,૨૦૦ની રેન્જમાં અથડાતા જોવા મળે તેવી શક્યતા છે.
અંતે અમેરિકાના નવેમ્બર મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં અનપેક્ષિતપણે વધારો થયો હોવાના અહેવાલ વહેતાં થતાં પુન: ફેડરલના નીતિવિષયક નિર્ણય અંગે અનિશ્ર્ચિતતા પ્રસરતા ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવવાની સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સત્રના અંત પૂર્વે સોનાના ભાવમાં પણ વધ્યા મથાળેથી સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો. હાજરમાં ભાવ આગલા બંધથી સાધારણ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭૯૬.૬૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.