ટોય ટ્રેન બની લોકપ્રિય: નવ દિવસમાં ૩,૭૯૮ પ્રવાસીનો પ્રવાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના લોકપ્રિય હિલસ્ટેશન માથેરાન માટે નેરલથી ડાયરેક્ટ માથેરાનની ટોય ટ્રેન ચાલુ કરવામાં આવ્યા પછી નવેક દિવસમાં પ્રવાસીઓ તરફથી નોંધપાત્ર સંખ્યામાં પ્રવાસીએ પ્રવાસ કર્યો છે. મુંબઈના સૌથી લોકપ્રિય હિલસ્ટેશન માથેરાનની કાયાપલટ કરવાની સાથે સાથે જૂના કોચને આધુનિક બનાવીને રેસ્ટોરાં ચાલુ કરવાની યોજના છે, જેના ગયા અઠવાડિયા દરમિયાન નેરલથી માથેરાન વચ્ચે ડાયરેક્ટ ટોય ટ્રેન ચાલુ કરવામાં આવી છે, જેમાં પ્રવાસીઓનો નોંધપાત્ર ફીડબેક મળ્યો છે. નવ દિવસમાં ૩,૭૯૦થી વધુ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
વર્ષ ૨૦૧૯માં ભયાનક પૂરને કારણે માથેરાનમાં ટોય ટ્રેનના ટ્રેકનું ધોવાણ થયું હતું, પરિણામે ત્રણ વર્ષ સુધી ૨૦ કિલોમીટરના સેક્શનમાં ટોય ટ્રેન દોડાવી શક્યા નહોતા. પૂરને કારણે નુકસાન થયા પછી નેરલથી માથેરાનની વચ્ચે ફરી ટોય ટ્રેન દોડાવવાનું યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. અગાઉ ફક્ત અમન લોજથી માથેરાનની વચ્ચે શટલ સર્વિસીસ દોડાવવામાં આવતી હતી, પરંતુ હવે રોજની અપ એન્ડ ડાઉન એમ ચાર સર્વિસીસ દોડાવાય છે. ૨૨મી ઑક્ટોબરથી નેરલથી માથેરાનની વચ્ચે ટોય ટ્રેન ચાલુ કરવામાં આવી હતી. ૨૨થી ૩૦મી ઑક્ટોબરના નવ દિવસમાં ટોય ટ્રેનમાં ૩,૭૯૮ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો છે, જેમાં સેક્ધડ ક્લાસ કોચમાં ૩,૦૯૧ તથા ફર્સ્ટ ક્લાસમાં ૩૭૮ અને વિસ્ટાડોમ કોચમાં ૨૨૯ પ્રવાસીએ પ્રવાસ કર્યો હતો.
વિસ્ટાડોમ કોચમાં નોંધપાત્ર સંખ્યામાં પ્રવાસીએ કર્યો પ્રવાસ
મુંબઈની વિવિધ લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં વિસ્ટાડોમ (ટ્રાન્સપરન્ટ ગ્લાસ સહિત ફુલ્લી એસી કોચની મૂવિંગ ચેરકાર) કોચને સફળતા મળી છે, તેથી ટોય ટ્રેનમાં પણ વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો છે. રેગ્યુલર ટ્રેનની સાથે સાથે વિસ્ટાડોમ કોચમાં પ્રવાસીની સંખ્યા વધી રહી છે. નવ દિવસમાં ટોય ટ્રેનમાં ૩,૭૯૮ પ્રવાસીએ પ્રવાસ કર્યો હતો, જેથી રેલવેને કુલ ૪.૮૪ લાખ રૂપિયાની આવક થઈ છે. સામાન્ય કોચની તુલનામાં કુલ આવકમાં વિસ્ટાડોમ કોચ (૧.૪૯ લાખ રૂપિયા)નો ૩૧ ટકા હિસ્સો છે. ટોય ટ્રેન જેટલી લોકપ્રિય બની રહી છે તેની સાથે વિસ્ટાડોમ કોચ લોકપ્રિય બન્યો છે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.