CSMTમાં ‘ રેસ્ટોરાં ઓન વ્હિલ’ સુપરહિટ! 

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનના જૂના કોચને રેસ્ટોરાંમાં ફેરવવાના સર્જનાત્મક વિચારને અમલમાં મૂકવાનો કીમિયો મધ્ય રેલવેને ફળ્યો છે. સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) ખાતે રેસ્ટોરાં ઓન વ્હિલમાં નવ મહિનામાં લગભગ 60,000થી વધુ લોકોએ તેની મુલાકાત લીધી છે, તેથી આ રેસ્ટોરાંને પ્રવાસીઓ તરફથી અત્યાર સુધીમાં નોંધપાત્ર પ્રતિભાવ મળ્યો હોવાનું જણાવાયું હતું.

CSMT ના પ્લૅટફૉર્મ નંબર અઢાર પરની હેરિટેજ ગેલેરીની સામે અઢારમી ઑક્ટોબર, 2021ના રોજ વ્હિલ ઓન રેસ્ટોરાં ચાલુ કરાઈ હતી. અહીંની હેરિટેજ ગેલેરીમાં જૂના લોકોમોટિવ, પ્રિન્ટિંગ પ્રેસ સહિત રેલ કૃતિઓ રાખવાની સાથે અહીંની રેસ્ટોરાં ઓન વ્હિલમાં 10 ટેબલની સાથે લગભગ 40 જેટલા લોકો આરામથી બેસીને જમી શકે છે. દક્ષિણ મુંબઈની જાણીતી રેસ્ટોરાં પૈકી વ્હિલ ઓન રેસ્ટોરાં લોકો માટે લોકપ્રિય બની રહ્યું છે. નવ મહિનામાં લગભગ 60,000થી વધુ પ્રવાસીએ રેસ્ટોરાંની મુલાકાત લીધી છે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

અહીંયા લોકોને જમવાની સાથે જૂના કોચ, લોકોમોટિવ સહિત અન્ય વસ્તુઓને જોવાનું પણ ઘેલું લાગેલું છે, તેથી 60,000ની સંખ્યા તો મર્યાદિત છે, કારણ કે અમુક લોકો સીધા જોઈને જતા રહે છે, પરંતુ આ વિચાર લોકોને બહુ ગમ્યો છે, જેમાં વીકએન્ડમાં તો 400થી 500 લોકો મુલાકાત લે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

સીએસએમટી ખાતે રેસ્ટોરાં ઓન વ્હિલને લોકપ્રિયતા મળ્યા પછી મધ્ય રેલવેમાં નાગપુર ખાતે આવી જ રેસ્ટોરાંને ચાલુ કરવામાં આવી હતી. ત્રીજી ફેબ્રુઆરી, 2022ના નાગપુરમાં રેસ્ટોરાં ચાલુ કરવામાં આવ્યા પછી અત્યાર સુધીમાં (પાંચ મહિનામાં) 30,000થી વધુ લોકોએ મુલાકાત લીધી છે. નાગપુરમાં વ્હિલ ઓન રેસ્ટારોમાં પણ 10 ટેબલ સાથે 40 જણ બેસીને જમવાની ક્ષમતા ધરાવે છે, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

વધુ આઠ સ્ટેશનમાં રેસ્ટોરાં ઓન વ્હિલ ચાલુ કરાશે

ભારતના તમામ ઝોનલ રેલવેમાંથી મધ્ય રેલવેએ રેસ્ટોરાં ઓન વ્હિલને લોકપ્રિયતા મળી છે, જે પ્રવાસીઓ માટે જ નહીં, પરંતુ સ્થાનિકો-આગંતુકો માટે જોવાનું કેન્દ્ર બન્યું છે. સીએસએમટી પછી મુંબઈમાં લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)માં પણ વ્હિલ ઓન રેસ્ટોરાં ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત, મુંબઈ ડિવિઝનના અન્ય રેલવે સ્ટેશનમાં નેરળ, લોનાવલા, ઇગતપુરી તથા પુણે ડિવિઝનમાં આકુરડી, બારામતી, ચિંચવડ અને મીરજ સ્ટેશનમાં ચાલુ કરવાની યોજના છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.