અપ્પાપાડામાં આગ બાદ ઘરવિહોણા થયેલા રહેવાસીઓ પાછા ફર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બે અઠવાડિયા પહેલા મલાડ(પૂર્વ)માં અપ્પાપાડામાં લાગેલી ભીષણ આગનું હજી સુધી ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ આગમાં લગભગ બે હજાર લોકો ઘર વિહોણા થયા હતા, તેઓ ફરી આ જગ્યાએ આવી રહ્યા છે અને પોતાના ઘર ઊભા કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. મલાડમાં આનંદ નગરમાં અપ્પાપાડામાં બે અઠવાડિયા પહેલા ૧૩ માર્ચના સરકારી જમીન પર ઊભા થયેલા ઝૂંપડામાં આગ ફાટી નીકળી હતી. આગનું સ્વરૂપ ભીષણ હોવાથી સરકારે આગના બનાવની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) બનાવી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડે પણ આગની તપાસ ચાલુ કરી હતી, જેનો હજી સુધી રિપોર્ટ સબમીટ કર્યો નથી. ફાયરબિગ્રેડના અધિકારીના કહેવા મુજબ ફાયરબ્રિગેડે પૂરા વિસ્તારની મુલાકાત લઈને તપાસ કરી હતી પણ અહીં એવી કોઈ જ્વલનશીલ વસ્તુ મળી નહોતી. પ્રાથમિક તપાસમાં આગ સિગરેટને કારણે લાગી હોવાનું માનવું છે. કદાચ અન્ય કોઈ કારણ પણ હોઈ શકે. અંતિમ રિપોર્ટ જોકે હજી આવવાનો બાકી છે. સ્થાનિક ભૂતપૂર્વ નગરસેવકના કહેવા મુજબ મલાડના અપ્પાપાડાની ઝૂંપડપટ્ટીમાં જાન્યુઆરીથી અત્યાર સુધી આ ત્રીજી વખત આગ લાગી હતી. રાજ્ય સરકારે સીટને તપાસ માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે.