ગુજરાતમાં મળ્યું ભારતનું પ્રથમ અને વિશ્વનું 11મું EMM નેગેટિવ બ્લડ ગ્રૂપનું સેમ્પલ

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાતમાં અતિ દુર્લભ એવા EMM નેગેટિવ બ્લડ ગ્રૂપનું સેમ્પલ મળી આવ્યું છે. EMM નેગેટિવ બ્લડ ગ્રૂપ મળવાનો આ ભારતનો પ્રથમ કિસ્સો છે જયારે વિશ્વભરમાં આના 11 જ સેમ્પલ મળ્યા છે. મૂળ રાજકોટના રહેવાસી 65 વર્ષીય હૃદય રોગના દર્દીના બ્લડ સેમ્પલની તપાસ કરતા આ વાત બહાર આવી છે. આ બ્લડને A, B, O અથવા AB ના જૂથોમાં વર્ગીકૃત કરી શકાતું નથી.
મળતી માહિતી મુજબ રાજકોટના 65 વર્ષીય હૃદય રોગના દર્દીને હુમલો આવતા સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. ત્યારે તેમને લોહીની જરૂર પડી હતી. તેથી દર્દીના લોહીનું સેમ્પલ અમદાવાદની પ્રથમા બ્લડ બેંકમાં મોકલાયું હતું ત્યાં સેમ્પલને મેચ થાય એવું બ્લડ ન મળતા સેમ્પલ સુરતના બ્લડ ડોનેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યું હતું. ત્યાં પણ સેમ્પલને મેચ થાય એવું બ્લડ મળ્યું નહતું, જેના પગલે દર્દીના સંબંધીઓએ બ્લડ સેમ્પલ તપાસ માટે અમેરિકા મોકલાવ્યું હતું. ત્યારબાદ એવું જાણવા મળ્યું કે આ દુર્લભ બ્લડ ગ્રુપ EMM નેગેટિવ છે.
લોહીમાં EMMની અછતને કારણે ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ બ્લડ ટ્રાન્સફ્યુઝન (ISBT) એ તેને EMM નેગેટિવ નામ આપ્યું છે.
આ પ્રકારનું દુર્લભ બ્લડ ગ્રુપ વિશ્વભરમાં માત્ર 10 વ્યક્તિઓમાં જ મળી આવ્યું છે. EMM નેગેટિવ બ્લડ ગ્રુપના મડાગાસ્કરમાં 1, આફ્રિકામાં 1, પાકિસ્તાનમાં 1, કેનેડામાં 2, ઉત્તર આફ્રિકામાં 2, USAમાં 2 અને જાપાનમાં 1 સેમ્પલ મળ્યા છે. જયારે ભારતનું આ પ્રથમ અને વિશ્વનું 11મુ સેમ્પલ છે. આવા બ્લડ ગ્રુપ ધરાવતા લોકો ન તો તેમનું લોહી કોઈને દાન કરી શકે છે અને ન તો તેઓ કોઈની પાસેથી મેળવી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.