પરણેલાઓનું સ્વાસ્થ્ય વધુ સારું એવું રિસર્ચ કહે છે
તન-દુરસ્તી મન-દુરસ્તી-સોનલ કારિયા
પરણેલાઓનું સ્વાસ્થ્ય વધુ સારું એવું રિસર્ચ કહે છે
હમણાં જ મકરસંક્રાંતિ નિમિત્તે એક વાહિયાત જોક બહુ જ વાઇરલ થયો હતો કે પત્નીને તલનો લાડુ આપવો એ શ્રદ્ધા છે પણ એ ખાઈને તે મીઠું બોલશે એ અંધશ્રદ્ધા છે. જોકે એક બહેને આનો સરસ જવાબ આપતા લખ્યું હતું કે પતિને બદામ આપવી એ શ્રદ્ધા છે પણ એને કારણે તેનામાં બુદ્ધિ આવશે એવી આશા રાખવી અંધશ્રદ્ધા છે.
સ્ત્રીને અને ખાસ કરીને પત્નીને ઉતારી પાડતા જોક્સની આપણે ત્યાં નવાઈ નથી. લગ્ન કરીને બધા પુરુષો પસ્તાય જ છે એવા મતલબનાં વાક્યો અને જોક્સ પણ ફરતા રહે છે, પરંતુ સંશોધન કહે છે કે જો આરોગ્ય સારું રાખવું હોય તો પરણવું જોઈએ.
તાજેતરમાં એક અભ્યાસ થયો હતો જેમાં સંબંધોની સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે, એકબીજા સાથેના સામાજિક સંબંધો પરથી વ્યક્તિના શરીર પર કેવી અસર થાય છે, દંપતીના સંબંધોમાં તનાવ હોય તો એની આરોગ્ય પર કેવી અસર થાય છે વગેરે બાબત પર સંશોધન થયું હતું આ અભ્યાસમાં જીવનસાથી એકબીજાની તબિયત પર કેટલી અસર કરે છે અને ખાસ કરીને મહિલા અને પુરુષ પર એની શું અસર થાય છે એના પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
આ અભ્યાસ પરથી એવું તારણ નીકળ્યું હતું કે લગ્ન કરવાથી આપણું કોઈક છે એવી લાગણી રહે છે, સામાજિક સંબંધો વિકસે છે અને એકલતાની લાગણી ઓછા પ્રમાણમાં થાય છે. આ સિવાય આ અભ્યાસ કહે છે કે જેઓ પૈસેટકે સુખી હોય અને જેમનું સ્વાસ્થ્ય સારું હોય તે લોકો પરણવાનું પસંદ કરે છે પણ જેમની તબિયત સારી ન રહેતી હોય તેવા લોકો લગ્ન કરવાનું ટાળે છે. લગ્ન કરવા સેહત માટે ફાયદાકારક છે. પરણેલા લોકોના સામાજિક સંબંધો બહેતર હોય છે અને એને કારણે તેમનામાં હાઇ બ્લડપ્રેશર, હૃદયના રોગ અને અકાળ મૃત્યુ કે આત્મહત્યાના કિસ્સાઓ ઓછા બને છે.
લગ્ન કરનાર વ્યક્તિઓમાં ઇન્ફ્લેમેટરી પ્રોસેસ બરાબર રીતે કાર્ય કરે છે. રિસર્ચ કહે છે કે એકલતા અને સ્નેહિલ સંબંધો ન હોવાથી શરીરમાં બીમારી, ઈજા અને રોગ હોવાની સંભાવના વધી જાય છે. જેને કારણે હૃદયરોગ, સંધિવા, કૅન્સર કે ઓટોઇમ્યુન ડિસિઝ પણ વધુ માત્રામાં જોવા મળે છે.
એ હકીકત છે કે ઘણાં અપરિણીતોને પણ અન્ય વ્યક્તિઓ સાથે ગાઢ સંબંધો હોય છે પણ જો પરિણીત દંપતી વચ્ચે સારા સંબંધ હોય તો સંબંધોમાં હૂંફાળાપણું અને સામાજિક મળતાવડાપણું વધારે હોય છે. આમ લગ્ન અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે એવું આ રિસર્ચનું તારણ આવ્યું છે.
આ રિસર્ચ પ્રમાણે તો જો તમે પરિણીત છો તો તમારી જ ઉંમરની અપરિણીત વ્યક્તિ કરતાં તમારું આયુષ્ય લાંબું હોવાની સંભાવના વધુ છે. એટલે આવરદા વધારવા માટે પણ પરણવું ઉચિત છે. એક કરતાં વધુ અભ્યાસમાં એવું તારણ નીકળ્યું છે કે પરિણીત વ્યક્તિઓનો ખોરાક વધુ પોષણયુક્ત હોય છે અને તેઓ વધુ પડતું ધૂમ્રપાન કે દારૂનું સેવન નથી કરતા. આવી સ્વાસ્થ્યપ્રદ વર્તણૂકને કારણે સ્વાભાવિક રીતે જ તેમની આવરદા વધે છે.
પુરુષો ભલે પત્ની કે લગ્ન સંબંધોની ગમે તેટલી મજાક ઉડાવે રિસર્ચ કહે છે કે લગ્ન કરવાથી પુરુષોના સ્વાસ્થ્ય પર સ્ત્રીઓ કરતાં વધુ વિધેયાત્મક અસર જોવા મળે છે. આનું એક કારણ એ પણ છે કે પત્નીઓ તેમના પતિના સ્વાસ્થ્યની વધુ દરકાર કરે છે અને તેમનામાં સ્વાસ્થ્યપ્રદ આદતો જેમ કે કસરત, યોગ્ય આહાર વગેરેનો સમાવેશ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. જ્યારે પતિઓ આ બાબતે સામાન્ય રીતે પોતાની પત્ની વિશે બેદરકાર હોય છે.
મોટા ભાગના સમાજમાં સ્ત્રીઓ જ ઘરનું કામકાજ સંભાળતી હોય છે અને પરિવારના સ્વાસ્થ્ય માટે કાર્યરત હોય છે. આમ પરણેલી વ્યક્તિઓને પોતાની પત્નીનો આ બાબતમાં સહજ સાથ-સહકાર મળતો રહે છે. જેને કારણે સ્ત્રીઓના સ્વાસ્થ્યનો તેમાં ભોગ લેવાતો હોય છે, કારણ કે પતિ ઉપરાંત બાળકોના સ્વાસ્થ્યની કાળજી લેવાની જવાબદારી તેમના પર આવતી
હોય છે.
હિંદુસ્તાન હોય કે અન્ય દેશ મોટા ભાગે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લેવી, ડૉક્ટરોની સલાહનો અમલ કરવો, સમયસર દવા આપવી, ડૉક્ટરો સાથે કોર્ડિનેટ કરવું આ બધું જ કાર્ય પત્નીઓ સંભાળતી હોય છે. જેની સીધી અસર પતિઓના સ્વાસ્થ્ય પર વિધેયાત્મક પડે છે.
રિસર્ચ કહે છે કે દંપતીઓ વચ્ચે સંબંધ સાચવવાની બાબતમાં પણ સ્ત્રીઓની ભૂમિકા વધુ હોય છે. સંબંધો સાચવવાનો મોટા ભાગનો બોજ સ્ત્રીઓ પોતાના માથા પર લે છે જ્યારે આ બાબતમાં પણ પુરુષો વધુ બેદરકાર જોવા મળે છે.
ઘણાં અપરિણીત પુરુષો અને સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્યની કાળજી લેતા હોય છે પણ સર્વસામાન્યપણે આ રિસર્ચ કહે છે કે સ્વાસ્થ્યપ્રદ જીવન જીવવું હોય તો લગ્નનો લાડુ ખાસ કરીને પુરુષોએ તો ખાવા જેવો છે જ. ઉ