માટીની નિરાકાર મૂર્તિઓનો ભંડાર શ્રીપદ્મનાભવાડી: પાટણ

ઇન્ટરવલ

તસવીરની આરપાર -ભાટી એન.

પાટણનું શું વિખ્યાત છે…!? અરે…! રાણકી વાવ જે વિશ્ર્વ વિખ્યાત છે. વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન પણ પામી છે અને પાટણના કલાત્મક પટોળા પણ વખણાય છે. યસ તે તો વખણાય જ છે. આપણે આજે પાટણની તદ્દન ભીન ફોટોસ્ટોરી કેવા માગું છું…! ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ હતું. વિ.સં. ૧૪૫૮ને ચૈત્ર સુદ પાંચમે પ્રજાપતિ જ્ઞાતિમાં પ.પૂ.શ્રી પદ્મનાથ (પદ્મનાભ)નો જન્મ થયેલ તે પદ્મનાભને વિશ્ર્ણુનો ૨૪મો અવતાર માને છે. તેને મુસ્લિમ સુબાખાન બાદશાહે ભજન માટે જમીન અર્પણ કરેલી. અહીં માટી સ્વરૂપે શ્રીહરિનું સ્થાપન સંવત ૧૪૭૦માં વાડીની રચના કરીને અહીં શ્રીપદ્મનાભવાડીમાં ૩૩ કોટી દેવતા, ૮૮ હજાર ઋષિમુનિઓ, ૫૬ કોટી યાદવનો વાસ છે.
પાટણ સિટીમાં પ્રવેશતા જ વિશાળ ભવ્ય લીલીછમ વાડી આવે છે. તેમાં તમામ દેવતાઓ નિરાકાર છે…! તેની પ્રતીતિ કરાવે છે. તમામ પ્રતિમાઓ અહીંની ભૂખરી માટીની જ છે. જેમ લીપણ થાય તેમ મૂર્તિઓને માટીમાંથી બનાવે છે. પદ્મવાડીમાં મુખ્ય મંદિર પદ્મનાભજી સ્વામીનું છે. તે નિરાકાર મૂર્તિ ચોરસ માટીમાંથી બનાવેલ છે. તેના પર લાલ અને સફેદ, ગુલાબી, લીલો રંગને સફેદ લાઈનિંગથી મુખાકૃતિનો ભવ્ય આભા ઊભી કરેલ છે. તેની ઉપર સાત સર્પની ફેણો જે વિશ્ર્ણુ ભગવાનની યાદ અપાવે છે. ગોલ્ડન વસ્ત્રને ચાંદીની સ્ટીકોથી આપણને જરા હટકે મૂર્તિ એક્સ્ટ્રા ઓડિનરી લાગે છે…! કલાનયન મંદિર પણ સુનયન છે.
પાંચ પાંડવોની ત્રિકોણાકાર પાંચ ટીબા સળંગ સાથે જ ક્રમશ: છે. આ મૂર્તિઓમાં ગુલાબી સફેદ લાઈનિંગોથી સુશોભિત કરેલ છે. પદ્મવાડીની માટી એટલી મજબૂત છે કે જાણે સિમેન્ટ હોય ગમે તેટલો વરસાદ પડે તો પણ આ માટીની મૂર્તિઓ ધોવાતી નથી…! ખુલ્લામાં જ ત્રિકોણ કૃતિ જેવી ઝૂંપડી માટીની બનાવેલ છે. તેમાં માટીની જ દીવાલ બનાવેલ છે. તે જ દીવાલમાં સામે નિરાકાર મૂર્તિ ચિતરવામાં આવેલ છે. આ પદ્મવાડીમાં પ્રજાપતિભાઈઓ બુદ્ધિપૂર્વક ત્રિકોણ અને ઉપરના ભાગે પાતળીને નીચેના ભાગે તોતિંગ જાડી માટીની દીવાલો બનાવે છે જેથી ગેમ તેટલા વરસાદમાં પાણી લસરીને દડી પડેને દીવાલ સુરક્ષિત રહે તેવી કારીગરી કારગત થતી હોય તેવું અનુમાન લગાવી શકાય છે…!
આ પ્રજાપતિ જ્ઞાતિના લોકો સંતશ્રી કબીરસાહેબને માને છે. આ નિરાકાર ત્રિકોણાકાર મૂર્તિ તોતિંગ જાડી માટીની બનાવેલ છે. જે તસવીરમાં નિહાળતા ખ્યાલ આવે છે. આ મૂર્તિની આગળના ભાગે ગુલાબી, શ્ર્વેત લીટીઓ દોરેલ છે અને ગોલ્ડનમાં લાલ-લીલા ટપકાં લાઈનિંગવાળું વસ્ત્ર છે. આમ આ પદ્મવાડીમાં દેવ-દેવીઓ ઋષિ-મુનિઓના ક્યારા ૧૭૩ છે. આ વાડીમાં પ્રવેશતાં વણઝારો અને વણઝારણની ખાંભી છે. બન્નેનું એક જ સમયે મૃત્યુ થયું હતું. આ ખાંભી સમયાંતરે નજીક આવતી જાય છે. રસ્તા પર વચ્ચોવચ્ચ આવેલ આ ખાંભીનો કાયદેસર કયાંય ઉલ્લેખ નથી.
પ્રતિવર્ષ પ્રજાપતિ લોકો દિવાળીના શુભ દિવસો બાદ કારતક સુદ ચૌદશથી કારતક માસના અમુક દિવસો સુધી ભવ્ય મેળો યોજાય છે ત્યારે પોતપોતાના માટીના ક્યારાઓને પુન: રિપેરિંગ કરે છે. લીપણ કરે છે. ધારદાર કલાત્મક ક્યારાઓને સુશોભિત કરે છે અને અબિલ, ગુલાલ, ફૂલની માળા અને તલની રેવડીનો પ્રસાદ લઈને મેળામાં જાય છે દૂર… દૂર…થી સંઘ પગપાળા આવે છે. મંદિરના પાછળના ભાગે શ્રીહરિને વહાલી દાળી-રોટલીની ઉજાણી અહીં અવારનવાર ભક્તો સેવા સ્વરૂપે કરે છે અને શ્રી પદ્મનાભજી ભજન કરતાં કરતાં જ બ્રહ્મલીન બની ગયેલા એટલે મુખ્ય દીવો જેને પવિત્ર જ્યોત (રવાડી) કહે છે…! પદ્મવાડીએ દર્શનાર્થે આવીને પ્રદક્ષિણા કરે છે. આખી રાતમાં છફેરા પૂરા કરીને બીજા દિવસે પૂનમે ખાન સરોવરે ભરાતા ચંદ્રના મેળામાં જઈને સાતમો ફેરો પૂરો કરે છે. પદ્મનાભની વાડીએ ચિત્ર-વિચિત્ર નિરાકાર મૂર્તિઓ માટીની નિહાળીજો આપ પાટણ રાણીની વાવકે પટોળા જોવા આવો તો અચૂક પદ્મવાડીની મુલાકાત લેજો. આપના માટે વાડીનો ડ્રોન કેમેરાથી લેવાયલ એરિયલ વ્યૂ. જય પદ્મનાભ. “ધન્ય વાડી પદ્માતણી દર્શન જાય થોડે થોક, એક મને પરિક્રમા કરે વૈકુંઠ પામે કોક…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.