ફરી એક વાર RBIએ રેપો રેટમાં વધારો કર્યો, લોન લેવી મોંઘી થશે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સેન્ટ્રલ રિઝર્વ બેન્કે બુધવારે એટલે કે 8 જૂન, 2022ના રોજ બેન્ચમાર્ક પોલિસી રેપો રેટમાં  50 બેસિસ પોઈન્ટ અથવા 0.5%નો વધારો કર્યો હતો. હવે રેપો રેટ વધીને 4.90% થઈ ગયો છે. દેશમાં વધતી જતી મોંઘવારી રોકવા માટે, આરબીઆઈએ અર્થતંત્રમાં ધિરાણ પ્રવાહને નિયંત્રિત કરવા માટે પોલિસી રેપો રેટ – (આ દર પર આરબીઆઈ બેંકોને ધિરાણ પ્રદાન કરે છે) માં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી બેંકો પાસેથી લોન લેવી મોંઘી થઈ જશે. આ પહેલા 4 મેના રોજ આરબીઆઈ ગવર્નરે અર્થતંત્રમાં ક્રેડિટ ફ્લો નિયંત્રિત કરવા માટે પોલિસી રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ્સ વધારીને 4.40% કરવાની જાહેરાત કરી હતી.
રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાના અનુમાનને વધારીને 6.7 ટકા કર્યો છે. અગાઉ ફુગાવો 5.7 ટકા રહેવાનો અંદાજ હતો. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે આરબીઆઈ ફુગાવાને નિયંત્રિત કરવા માટે પગલાં લઈ રહી છે.  ટામેટા અને ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરના ઉછાળાને કારણે મોંઘવારી વધી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ત્રિમાસિક ગાળામાં ફુગાવો 6 ટકાથી ઉપર રહેવાની ધારણા છે. જોકે, સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાથી મોંઘવારી ઘટશે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય નીતિ પર વિચાર કરતી વખતે, આરબીઆઈ મુખ્યત્વે રિટેલ ફુગાવાના દરને ધ્યાનમાં લે છે. એપ્રિલમાં છૂટક ફુગાવો 7.79 ટકાની આઠ વર્ષની ઊંચી સપાટીએ હતો, જે સેન્ટ્રલ બેંકના સંતોષકારક સ્તર કરતાં ઘણો વધારે હતો. રિટેલ ફુગાવાને 2 થી 6%ની રેન્જમાં રાખવાની જવાબદારી RBIને સોંપવામાં આવી છે.
આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ 2022-23 માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન 7.2 ટકા પર જાળવી રાખ્યું છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિશ્વભરના દેશોમાં આર્થિક વ્યવસ્થા નબળી હોવા છતાં ભારતીય અર્થવ્યવસ્થાએ મજબૂતી બતાવી છે. તેમણે કહ્યું કે રેપો રેટ હજુ પણ પૂર્વ રોગચાળાના સ્તરથી નીચે છે, શહેરી માંગ સુધરી રહી છે અને ગ્રામીણ માંગ પણ ધીમે ધીમે સુધરી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.