વરસાદના પાણીના સંચયથી બોરવેલ રિચાર્જ કરીને પાણીની સમસ્યા દૂર કરી

પુરુષ

ફોકસ-પ્રથમેશ મહેતા

પાણીની અછત એ માત્ર ગામડાંની સમસ્યા નથી. ભારતનાં મોટાં મોટાં શહેરોમાં પણ પાણીની અછત વકરી રહેલી સમસ્યા છે. વધતી વસ્તી, વધતું શહેરીકરણ, જળવાયુ પરિવર્તન, વગેરેને કારણે પાણીની અછત દિવસે દિવસે કારમી બની રહી છે. તે ઉપરાંત શહેરોમાં જે વિસ્તારમાં પાણીની અછત નથી, ત્યાં પાણીનો બગાડ પણ મોટે પાયે થતો હોય છે. પાણીના સ્રોતને પણ ગેરકાયદે કેમિકલ યુક્ત પાણી છોડવા દ્વારા પ્રદૂષિત કરીને વાપરવા લાયક રહેવા દેવાતું નથી.
આજથી દસ વર્ષ પહેલાં ચેતન સુરેંજીના વિસ્તારમાં ઉનાળાના સમયમાં બોરવેલ સુકાઈ જતા હતા, પણ દૂરંદેશી વાપરીને વરસાદના પાણીનો સંગ્રહ કરવાના પ્રયાસોથી તેમની સાથે તેમના પાડોશીઓની સમસ્યા પણ દૂર થઈ.
મુંબઈમાં એક કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા ચેતન સુરેંજીને ગાર્ડનિંગનો શોખ હોવાથી પર્યાવરણ પ્રત્યે ખાસ પ્રેમ છે. મેટ્રો શહેરમાં રહેવા છતાં તેમણે પોતાની આસપાસ એક સુંદર ઇકો-સિસ્ટમ તૈયાર કરી છે. તેમના ઘર પર અનેક ફળ-શાકભાજીઓ ઊગે છે અને સાથે છેલ્લાં દસ વર્ષોથી વરસાદનું પાણી બચાવીને વર્ષા જળ સંચયના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે વરસાદી પાણીના સંગ્રહ માટે નાનાં નાનાં અનેક પગલાં લીધાં છે, જેનો ફાયદો તેમની સાથે તેમના પાડોશીઓને પણ મળી રહ્યો છે. કઈ રીતે તેઓ ચોમાસામાં લાખો લિટર પાણી ગટરમાં જતું અટકાવે છે તેની વાત કરતાં તેઓ કહે છે, ‘અહીં મુંબઈમાં જો પાણીને ગટરમાં જવા દઈએ તો છેલ્લે તે સમુદ્રમાં જાય છે. તેનાથી સમુદ્રનો જળસ્તર વધે છે. ખારું થઈ ગયેલું આ પાણી અમારાં ઘરો અને જમીનમાં અંદર સુધી આવે છે, તેથી મારી કોશિશ એ છે કે ખારા પાણીને બદલે સીધું મીઠું પાણી જમીનની અંદર જાય.’
ઉનાળામાં પાણીની સમસ્યાથી કંટાળીને લીધાં પગલાં
ચેમ્બુરના જે વિસ્તારમાં ચેતન રહે છે, ત્યાં ત્રણ ઘર વચ્ચે એક બોરવેલ બનાવેલો છે. આ બોરવેલ વર્ષો જૂનો હોવાથી માત્ર ત્રીસ ફૂટ ઊંડો છે. સમય વીતતાં આસપાસ અનેક ઘરો અને એપાર્ટમેન્ટ બની ગયાં. લગભગ બધાં જ નવાં ક્ધસ્ટ્રક્શનમાં બોરવેલ હોવાથી, તેમના બોરવેલમાં પાણી ઓછું થઈ ગયું. ‘નવા બોરવેલ ૮૦થી ૯૦ ફૂટ ઊંડા હોય છે, તેથી અમારે ૧૦૦ ફૂટ ઊંડો બોરવેલ બનાવવો પડ્યો,’ તેઓ જણાવે છે. આ બોરવેલમાં પાણી તો હતું, પણ તેની ગુણવત્તા પહેલાં જેવી નહોતી. જૂના બોરવેલનું પાણી મીઠું હતું, જ્યારે આ બોરવેલનું પાણી ખારું હતું. આ ખારા પાણીથી ઘરના નળ અને પ્લમ્બિંગ સિસ્ટમ પણ જલદી ખરાબ થઈ જતાં હતાં. ત્યાર બાદ ચેતને આ સમસ્યા વિષે જાણવાનું શરૂ કર્યું. તેમને જાણવા મળ્યું કે વર્ષા જળ સંચયથી પાણીની ખારાશ ઓછી કરી શકાય છે. તેનાથી ઉત્સાહિત થઈને તેમણે વર્ષા જળ સંચય દ્વારા જળ સ્તર વધારવાના પ્રયત્નો શરૂ કર્યા.
વર્ષા જળ સંચય માટે કર્યા પ્રયોગો
તેમનું ઘર વર્ષો જૂનું હોવાથી તેમાં મોટો ફેરફાર કર્યા વિના રેઇન વોટર હાર્વેસ્ટિંગની સિસ્ટમ તૈયાર કરવાની હતી. નાના-મોટા જુગાડ કરીને તેમણે પોતાના ઘરની છતને એક પાઇપ દ્વારા જૂના ત્રીસ ફૂટના બોરવેલ સાથે જોડી દીધી, જેથી વરસાદનું પાણી છત પરથી વહીને સીધું બોરવેલમાં ઊતરી જાય. તેમણે એક સ્રાવ ખાડો (પેરકોલેશન પીટ) તૈયાર કર્યો. છતનું પાણી પાઇપ દ્વારા આ ખાડામાં જમા થઈને જમીનમાં ઊતરી જાય અને જમીનનો જળસ્તર વધારવામાં મદદ કરે. ગરમીના સમયે એસીમાંથી નીકળતા પાણીના પાઇપને પણ તેમણે આ પાઇપ સાથે જોડી દીધો, જેથી તેનું પાણી પણ આ ખાડા દ્વારા જમીનમાં ઊતરી જાય.
ચેતનના જણાવ્યા મુજબ જો તમે આખી રાત એસી ચાલુ રાખો તો લગભગ ૨૫થી ૩૦ લિટર જેટલું પાણી નીકળે છે, જેને બરબાદ કરવાને બદલે ખાડા સુધી પહોંચાડીએ છીએ. ફિલ્ટર થઈને આ પાણી બોરવેલ રિચાર્જમાં કામ આવે છે. તેમના ત્રીજા પ્રયાસમાં જમીનના ઉપરના સ્તર પર પણ પાણી પહોંચાડી રહ્યા છે. તેના માટે માત્ર બે પાઇપ ઘર પાસેની ખાલી જમીન પર છોડી દીધા છે, જેથી પાણી નાળાને બદલે સીધું જમીનમાં ઊતરી જાય. ખાડો બનાવવા સિવાય તેમણે આ બધા માટે કોઈ મોટો ખર્ચ કર્યો નથી, પણ તેમના પ્રયાસોએ આટલાં વર્ષોમાં ખૂબ ફાયદો આપ્યો છે.
ચેતન કહે છે, ‘હવે અમારા ૩૦ ફૂટના બોરવેલમાં પણ આખું વર્ષ પાણી રહે છે. તે ઉપરાંત પાણીની ખરાશની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે.’ તેમની સાથે સાથે તેમના પાડોશીઓને પણ પાણીની અછત નથી રહી. માત્ર પીવાના પાણી માટે તેઓ નગરપાલિકા પર નિર્ભર છે, બાકી બધી જરૂરિયાત આ પાણીથી જ પૂરી થાય છે.
ચેતનના ઘરમાં મોટો બગીચો છે, જેના માટે પણ તેમને પાણીની ખૂબ જરૂર પડે છે, પણ વર્ષા જળ સંચયના પ્રયોગને કારણે હવે પાણીની ચિંતા રહી નથી. ચેતનનું માનવું છે કે વરસાદ એ જળનો ઉત્તમ સ્રોત છે, એટલે આપણે સહુએ પાણી તો બચાવવું જ જોઈએ. વધુ ખર્ચ ન કરવો હોય તો પણ એક નાનકડી ટાંકીમાં પાણીનો સંગ્રહ કરી શકો છો. આશા છે આમાંથી પ્રેરણા લઈને તમે પણ પોતાના માટે વર્ષા જળ સંચય કરવા પ્રેરણા મેળવશો અને પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવશો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.