Homeઉત્સવભીષ્મ પિતામહનું સ્મરણ અને શુભ દિવસોની શરૂઆત

ભીષ્મ પિતામહનું સ્મરણ અને શુભ દિવસોની શરૂઆત

આજે આટલું જ -શોભિત દેસાઈ

આજની વાત પણ એક મેળવેલા વોટ્સેપ પર જ આધારિત છે પણ એ પહેલાં એક અદ્ભુત કવિતા એક મહાન સંગીતજ્ઞની…
વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરનાં વૃંદ,
મલય ત્યજી લાવે રવિ શીતલતાનો અંત,
અરૂણે વાળ્યાં અશ્ર્વને અલકાપુરીને પંથ,
દક્ષિણથી ઉત્તર ફર્યા ભાનુદેવ ભગવંત
સચરાચર ચેતનનું મોતી, એક પ્રગટી સનાતન જ્યોતિ
ચઢ્યા મેઘ વિના મેઘધનુ રંગો દોડી આવી ગગનમાં પતંગો
પેલા ગેબનું રહસ્ય જઈ ખોલે, કોઈ બાંકી છબીલી ડોલે
કોઈ સંદેશો લઈ ધરતીનો, શોધે પ્રીતમ પ્રણય રંગભીનો
કોઈ રૂપેરી ફૂમતાંવાળી તો કોઈ અંતરના રૂપથી રૂપાળી
જાણે ઊડે અનંતના ઉમંગો દોડી આવી ગગનમાં પતંગો
ફૂટી અંબરને લીલી પીળી પાંખો, ખૂલી મસ્તીની લાલ લાલ આંખો
અહીં જામ્યો છે જંગી મેળો, એને બાંધે અખંડ દોર ભેળો
કોઈ ખેંચેને કોઈ ઢીલ છોડે, તો કોઈ ખેલે પવનને ઘોડે
જાણે જીવનનાં જીતવા જંગો દોડી આવી ગગનમાં પતંગો
કોઈ ઉત્તરે ને કોઈ દખ્ખણની કોઈ પૂરવ ને કોઈ પચ્છમની
મળી કોઈ ચતુર કોઈ ભોળી પૂરા આભમાં છવાઈ રંગટોળી
દીધી ઢાંકી સૂરજની જ્વાળા રચે દિનમાં નક્ષત્રની માળા
જાણે બ્રહ્માનાં મનનાં તરંગો દોડી આવી ગગનમાં પતંગો
– નિનુ મઝુમદાર
નાતાલના દિવસે ચાર ખીલા સાથે જડાયેલા જિસસ યાદ આવે છે…પણ ઉત્તરાયણના દિવસે ૪૯ દિવસ સુધી બાણ શય્યા ઉપર સૂતેલા ગંગા પુત્ર ભીષ્મ પિતામહને કોઇ યાદ કરતું નથી..!
તારીખ ૧૪ જાન્યુઆરીના મકરસંક્રાંતિના પાવન તહેવારે જ ભીષ્મપિતામહે પ્રાણત્યાગ કર્યા હતા. મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજી આ પ્રસંગ દ્વારા બહુ મોટો સંદેશો આપે છે.
ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતીક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણ રૂપે પોતાના પર લઇ લીધી જેથી કૌરવોને તકલીફ ના પડે. જ્યાં સુધી પિતામહએ બાણ ઝીલ્યા ત્યાં સુધી કૌરવો ટકી શક્યા, પછી ખતમ થઈ ગયા.
આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે , જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે અને એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકી શક્યો હોય તે પરિવારમાં કોઈને કોઈ સ્વરૂપે ભીષ્મ હાજર હોય જ છે. એ દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન, પતિ, પત્ની, દીકરો કે દીકરી કોઈપણ સ્વરૂપે હોય પણ એમના અસ્તિત્વથી જ પરિવાર ટકી રહેતો હોય. પરિવારના બાકીના સભ્યોને એમ હોય કે આપણા કુટુંબમાં કોઈ મુશ્કેલી જ નથી આપણે સુખી છીએ જ્યારે વાસ્તવિકતા એ હોય કે આવા ભીષ્મ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય ,એટલે આપણને મુશ્કેલી અનુભવાતી જ ના હોય.
ભીષ્મ તો ઉત્તારાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા , નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે. આ ઉત્તરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો : તમારી સમસ્યાઓને તમારા સુધી ના પહોંચવા દેનાર એ કોણ છે ? વિચારો કે તમારી ભૂલોને પોતાના માથે ઓઢી લેનાર એ કોણ છે ? વિચારો કે એવું કોણ છે જેના કારણે તમને સુરક્ષાનો અનુભવ થાય છે ? એવું કોણ છે જેની ગેરહાજરી આખા પરિવારને પારાવાર મુશ્કેલીમાં મૂકી દે ? એવું કોણ છે જેનો સાથ તમને સદાય હળવાફૂલ રાખે છે ?
બસ આ જ તમારા ભીષ્મ છે. આજના મકરસંક્રાંતિના પાવન પર્વએ આ ભીષ્મને ઓળખીને એનું જતન કરીએ, જાળવીએ, સાચવીએ કારણકે એ છે તો આપણે છીએ.
આપને અને આપના પરિવારને, મકરસંક્રાંતિ અને આજની વાસી ઉતરાણની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ.
આજે આટલું જ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular