થ્રી ઇડિયટ્સના વાઈરસની પેન યાદ છે?

ઉત્સવ

કેન્વાસ-અભિમન્યુ મોદી

તમારા મનમાં એક ધાસુ આઈડિયા આવ્યો છે. તમે તેને ભૂલી ન જાઓ એટલે તુરંત કલમના માધ્યમથી કાગળ પર વિચારોને ટપકાવી દેવાની શરૂઆત કરો છો.. પણ તમે તો સ્પેસમાં છો..જ્યાં ઝીરો ગ્રેવિટી છે અર્થાત્ ગુરુત્વાકર્ષણ બળ તો છે જ નથી.. તમારી સાથે બધું હવામાં ઊડે છે..આમાં તમે લખશો કઈ રીતે..? જે ચિંતા તમે આ લેખ વાંચતા વાંચતા સતાવે છે, એવી જ ચિંતા આજથી ૬૨ વર્ષ પૂર્વે નાસાના વૈજ્ઞાનિકોને સતાવતી હતી. વાત છે વર્ષ ૧૯૬૦ની જયારે અમેરિકા અને રશિયા વચ્ચે સ્પેસમાં પ્રથમ પહોંચવાની હોડ લાગી હતી. બન્ને દેશો તેમના વૈજ્ઞાનિકો પાસે ઉત્તમ સંસાધનો વસાવીને આકાશગંગા પર આધિપત્ય જમાવવા માંગતા હતા. સ્પેસ રેસ માટેના બેસ્ટ સાધનો નાસા ઇન્વેન્ટ કરી રહી હતી પણ હવે સ્પેસમાં જઈને લખવું કઈ રીતે..એ સમસ્યા સામે નાસાએ હથિયાર હેઠા મૂકી દીધા હતા. તમને પેલો ૩ ઇડિઅટ્સનું દૃશ્ય યાદ છે. જ્યાં બોમન ઈરાની એક પેનની વાત કરે છે જેની શોધ લાખો રૂપિયાના ખર્ચે થઈ હતી. એ સમયે આમિર ખાન એવો સવાલ કરે છે કે લાખો રૂપિયાનો ખર્ચો કેમ કર્યો ? પેન્સિલ લઈ જવાઈ ને..
આમિરનો સંવાદ તો સારો છે પણ અધૂરી માહિતીવાળો છે. ૧૯૬૦મા જયારે અમેરિકા અને રશિયાના એસ્ટ્રોનોટ સ્પેસની સફરે જતા ત્યારે પેન્સિલનો જ ઉપયોગ કરતા પણ પેન્સિલની બનાવટમાં ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. જે સ્પેસમાં પીગળી જાય છે, ઝીરો ગ્રેવિટીના કારણે પેન્સિલથી લખી શકાતું નથી અને ગ્રેફાઇટથી બનેલી પેન્સિલને વારે વારે છોલવી પડે છે. હવે સ્પેસમાં તો તેનો કચરો હવામાં તર્યા કરે છે. ગ્રેફાઇટમાં રહેલા સૂક્ષ્મ કણો વીજવાહક છે. જો તેનો કચરો સ્પેસ ક્રાફટબી માઇક્રોગ્રેવિટીમાં તરતા તરતા કોઈ પણ જગ્યાએ સ્પર્શી જાય તો શોર્ટસર્કિટ થવાની સંભાવના રહેલી છે અને જો શોર્ટસર્કિટ થાય તો તો આખું સ્પેસ ક્રાફટ ભડકે બળે.., આવી એક ઘટના ‘એપોલો ૧’ નામના મિશનમાં બની હતી. એક સ્પેસ ક્રાફટ માટે અમેરિકા અને રશિયાના વૈજ્ઞાનિકો અબજો રૂપિયા પાણીની જેમ વેડફતા હતા. એમાં જો એક પેન્સિલનો છોલ તેમના મિશનને ફૂંકી મારે તો તો બન્ને દેશોની દશા બેસી જાય.. આ બીકને પગલે નાસાએ હ્યુસ્ટનના ટાયકેમ એન્જિનિયરિંગ પાસેથી ૩૪ મિકેનિકલ પેન્સિલની આયાત કરી હતી. જ્યાં એક પેન્સિલની કિંમત ૧૨૮.૩૯ ડોલર હતી. એટલે આજના રૂપિયા મુજબ ૧૦,૨૭૯ રૂપિયા થાય. છતાં નાસા પોતાના મિશનને પાર પાડવા આવી કેમિકલ પેન મંગાવતું રહ્યું.
ભારત હોય કે અમેરિકા…પત્રકારો હંમેશાં બ્રેકિંગ ન્યૂઝ માટે મથતા હોય છે ત્યારે આ કેમિકલ પેન્સિલના સમાચારે તો સનસની મચાવી દીધી હતી. અમેરિકાની જનતાનો લોકજુવાળ જોઈને નાસાએ અંતે કેમિકલ પેનની ખરીદી બંધ કરવી પડી. આવા સમયે આકાશગંગામાં જઈને અવકાશયાત્રીએ લખવું કઈ રીતે..? તમને થશે કે ભાઈ સ્પેસમાં જઈને શું લખવું છે ? સ્પેસમાં જઈને મોજ કરો..! હરો ફરો.. અવકાશી નજારો જુઓ.. ખરું ને! પણ સ્પેસની સફર એટલી સહેલી નથી હોતી. સ્પેસમાં પહોંચ્યા બાદ, ત્યાં થતી દરેક માહિતીને અવકાશયાત્રીએ પોતાની લોગ બુકમાં નોંધવાની હોય છે. ત્યાંનો એમનો સ્વાનુભવ જ ભવિષ્યમાં લેખિત દસ્તાવેજ બને છે.
હવે નાસા એક એવી પેનની શોધ કરવા લાગ્યું જે કોઈ પણ તાપમાનમાં કામ આવે.. અત્યારે જે પેનથી તમે લખો છો, તેમાં રહેલી ઇન્ક ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચેની તરફ વહે છે અને તમારા વિચારોને શબ્દોનો આકાર આપે છે. સ્પેસમાં તો ગ્રેવિટી છે જ નથી એમાં તમે લખવા બેસો તો આ ઇન્ક હવામાં ઊડવા લાગે.. નાસા વાળા મુંજાયા.. સાલું કરવું તો કરવું શું?
વિજ્ઞાન એ વાસ્તવમાં તો આપણા અને આપણી આસપાસના જગત બાબતે જ્ઞાનની તલાશનું તપ છે. આવું એક તપ પોલ સી. ફિશર નામનો વ્યક્તિ તેની કંપનીમાં કરી રહ્યો હતો. ૫ વર્ષના અંતે તેણે એવી દુર્લભ પેન બનાવી કે વાત જ ન પૂછો. તેની પેન હવામાં લખી શકે છે, પાણીમાં લખી શકે છે, સુતા, ઊઠતા, હરતા-ફરતા, ઠંડી, ગરમી કે વરસાદ જેવા કોઈ પણ તાપમાનમાં લખી શકે છે. તેમાંય અત્યારે બ્રિટનમાં પડતી ગરમી જેવું આગ ઝરતું વાતાવરણ હોય તો પણ, શાહી તેના સામાન્ય વાદળી રંગને બદલે લીલી થઈ જાય છે…પણ લખવાના ગુણધર્મને છોડતી નથી. આ પેન પાછળ ફિશરે ૧ મિલિયન ડોલર એટલે રૂ.૧૦ લાખનું રોકાણ કર્યું હતું. તેણે આ પેનને ફિશર પેનના નામે પેટન્ટ કરાવી નાસાને આપીને કહ્યું કે, ‘ઈચ્છા પડે એટલા પ્રયોગો કરો, મારી પેન હવે અવકાશમાં નવો ઇતિહાસ લખશે.’
જેમ તમને ભરોસો નથી થતો તેમ નાસાને પણ ભરોસો ન થયો કે, સાલું આપણે આટલા વર્ષોથી આવી પેન બનાવીએ છીએ છતાં મેળ નથી પડ્યો તો આ ફિશરભાઈએ એવી તો શું કમાલ કરી કે આટલી ફિશયારી મારે છે. ખાલી ફિશરને ખોટા સાબિત કરવા માટે નાસાએ એક વર્ષ સુધી જાત-જાતના પ્રયોગ કર્યા પણ ‘ફિશર પેન’ દરેક પ્રયોગમાં સારા માર્ક્સ મેળવી પહેલા ક્રમે ઉત્તીર્ણ થઈ. નાસાએ એવું તારણ કાઢ્યું કે,આ પેન ૧૦૦ વર્ષ સુધી અકબંધ રહેશે. તેમાં રહેલી ઇન્ક સેમીસોલિડ ફોર્મમાં છે. અને ઇન્કને નાઇટ્રોજનની મદદથી ભરવામાં આવે છે. જેથી ગ્રેવિટી વિના પણ લખી શકાય છે. બસ પછી તો શું હોય.. અમેરિકાએ ધડાધડ ઓર્ડર આપવાનું શરુ કરી દીધું. અમેરિકાએ એપોલો પ્રોગ્રામ માટે ફિશરની ૪૦૦ પેનનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ રશિયાએ તેના સોયુઝ સ્પેસ મિશન પર ઉપયોગ કરવા માટે ૧૦૦ પેનનો ઓર્ડર આપ્યો હતો. અમેરિકા અને રશિયાના જથ્થાબંધ ઓર્ડરને લીધે ફિશરે બન્નેને ૪૦ ટકા ડિસ્કાઉન્ટ પણ આપ્યું હતું. જેથી એક પેન બન્ને દેશોને ૨.૩૯ ડોલરમાં પડી હતી.
પણ સાચે આ પેન લખવા ઉપરાંત અન્ય ઇતિહાસ માટે જન્મી હતી. ૧૬ જુલાઇ ૧૯૬૯ના રોજ એપોલો -૧૧ મિશન અંતર્ગત અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સ્થાનિક સમય અનુસાર બપોરે ૧ વાગ્યા ને ૩૨ મિનિટે એપોલો-૧૧નું પ્રક્ષેપણ કર્યું હતું. જે ૧૨ મિનિટ પછી પોતાની કક્ષામાં પહોંચ્યું હતું. ચાર દિવસ પછી ૫ લાખ કિમી.નું અંતર કાપીને અવકાશયાત્રીઓ ચંદ્ર પર પહોંચ્યા હતા. એપોલો -૧૧ મિશને એસ્ટ્રોનટસ અને અંતરિક્ષ વિજ્ઞાનના રસિકોમાં જીજ્ઞાસા જગાવી હતી. ૧૯ જુલાઇના રોજ યાને ચંદ્રમાંની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
યાન ૪૪૦ મીટર વ્યાસ ધરાવતા સ્વેસ્ટ ક્રેટરશના પૂર્વોતર તરફ ૨૫ સેક્ધડનું બળતણ બાકી રહ્યું હતું ત્યારે ઉતર્યા હતા. પહેલા કમાંડર નીલ આર્મસ્ટ્રોંગે ઉતર્યા ત્યાર પછી તેમના સાથી ઑલ્ડ્રિને પગ મૂક્યો હતો. બંને ચંદ્રની સપાટી પર ૩ કલાક સુધી રોકાયા હતા. જ્યારે ત્રીજો સાથી કોલિન્સ યાનમાં ભ્રમણકક્ષામાં ફરતો રહ્યો હતો. યાન ૨૧ કલાક અને ૩૧ મિનિટ સુધી ચંદ્રની સપાટી પર રહ્યું હતું. આ દરમિયાન બે અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ અને ઑલ્ડ્રિને ચંદ્રની સપાટી પર પગ મૂકીને ટહેલ્યા હતા. નીલે ચંદ્રની સપાટી પાવડર જેવી હોવાનો અનુભવ કર્યો હતો.
આ મિશન દરમિયાન સ્પેસ શૂટના વજનના કારણે યાનની સ્વીચ તૂટી ગઇ હતી. આ સ્વીચ, યાનને ચંદ્રથી પૃથ્વી તરફ પાછા લાવવા માટે ખૂબ જ મહત્ત્વની હતી. જો કે એ જ સમયે ઓલ્ડ્રિને બુદ્ધિ વાપરીને યાનમાં જયાં સ્વીચ ખરી પડી હતી તેના કાણામાં પેન ભરાવી હતી. આ જુગાડ સફળ થતા યાન ચંદ્રની સપાટી પરથી ઉડાણ ભરી શકયું હતું. જો આ શકય બન્યું ન હોત તો અંતરિક્ષયાત્રીઓ ચંદ્ર પર જ રોકાઇને મોતને ભેટયા હોત અથવા તો અંતરિક્ષમાં જ વિલિન થવું પડયું હોત. આવો જોરદાર ઇતિહાસ ધરાવતી આ ફિશર પેન આજે પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. પણ ભારતમાં નહીં…
૧૯૪૫મા પહેલી વખત ભારતમાં ફાઉન્ટેન પેન બજારમાં મુકાઈ હતી. જેનો શ્રેય કેમલ કંપનીના ફાળે જાય છે. ત્યાર પછી તો રેનોલ્ડ, પાર્કર, મોન્ટ બ્લાન્ક જેવી અનેક દેશી-વિદેશી કંપનીઓ આવતી રહી. ભારતમાં પાર્કર ૫૧નો પણ એક જમાનો હતો. આજે પણ ભારતમાં પચાસેક જેટલી બ્રાન્ડ્સ પેન માર્કેટમાં એકમેકની તંદુરસ્ત સ્પર્ધા કરી રહી છે. જેમાં સીઅફેર, ક્રોસ, પાર્કર, વોટરમેન, લેમી, યુનીબોલ, મર્સિડીસ, ફીશર, લક્સર, ગોલ્ડમેટ, જીએમ પેન, હીરો, રોટોમેક, સ્ટીક, ફ્લેર જેવી અનેક બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. ભારતમાં મોંઘામાં મોંઘી ઇન્ક પેનની કિંમત રૂ.૨ હજાર છે.. પણ આ લેખ વાંચ્યા બાદ તમને ફિશર પેન ખરીદવાની ઈચ્છા થતી હોય તો તમે અમેઝોન પર તેને ખરીદી શકો છો પણ તેની કિંમત જાણીને અચંબિત નહીં થતા કારણ કે આ પેન રૂ.૧૬,૫૦૦ની કિંમતે ઓનલાઇન મળે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.