ઈસ્લામમાં દીની અને દુન્યવી ઈલ્મ: સ્ત્રી-પુરુષ બંને સમાન

વાદ પ્રતિવાદ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

ઈસ્લામમાં અનેક સૂફી, સંતો, આલિમો, પીર અને ઓલિયાઓ થઈ ગયા. આપણા ભારત દેશમાં ભાગ્યે જ કોઈ એવું રાજ્ય, શહેર કે વિસ્તાર હશે જ્યાં અલ્લાહના વલીઓની દરગાહ, મઝાર મુબારક નહીં હોય. આ આલિમો, જ્ઞાનીઓના સમયમાં રેલ, હવાઈ જહાજ અથવા એવા બીજા કોઈ સફર માટેનાં સાધનો નહોતાં, પરંતુ તેમને કુરાનમજીદ અને હદીસશરીફના આદેશો, ઉપદેશો પર અમલ કરવાની લગન હતી. એવા સંજોગોમાં અસંખ્ય સંકટો, મુશ્કેલીઓ વેઠી પગપાળા અને ઊંટ દ્વારા પ્રવાસ ખેડી ઈલ્મ (જ્ઞાન, શિક્ષણ) પ્રાપ્ત કરતા અને એ તાલીમ-શિક્ષણની રોશની તેઓ લોકો સુધી પહોંચાડતા.
આલમે ઈસ્લામ માટે રહેમતુલિલ્લ આલેમીન એટલે કે પ્રજાજનો માટે કૃપા બનીને અરબની ભૂમિ પર પધારેલા સૌથી છેલ્લા પયગંબર (ઈશ્ર્વરના દૂત) હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમે કેળવણીના ઈલ્મોજ્ઞાન વિશે એક યાચનાભરી દુઆ દર્શાવી છે. રબ સમક્ષ આજીજીપૂર્વક માગવા માટેની આ દુઆ આ મુજબ છે: ‘રબ્બે ઝીદની ઈલ્મા.’ અર્થાત્ ‘હે મારા પરવરદિગાર! તું મારા ઈલ્મમાં વૃદ્ધિ ફરમાવ.’
ઈલ્મ-વિદ્યા એ કામધેનુ છે અને એના માટે ઈસ્લામે ઉમ્મતિઓને વારંવાર તાકીદ પણ કરી છે, છતાં બીજા સમાજોની સરખામણીમાં મુસ્લિમ કોમના લોકો અજ્ઞાન-અશિક્ષિત અને દુ:ખી હાલતમાં વધુ જોવા મળે છે અને એમાંય મહિલાઓની સ્થિતિ ઘણી જ દયાજનક હાલતમાં છે. સ્ત્રી કે જે એક માતા પણ છે અને જેને કુટુંબના બાળકોની ‘શાળા’ તરીકે ઓળખવામાં આવી છે, કે જ્યાંથી સંતાનોને ઉત્તમ સંસ્કાર મળી શકે છે. કહેવામાં આવે છે કે, ‘એક સ્ત્રી સો શિક્ષકોની ગરજ સારે છે’, એવી આ સ્ત્રી કેળવણીના અભાવે સાપના ભારા સમાન નીવડતી હોય છે. પરિણામે કુટુંબ, કોમ અને એ દ્વારા દેશને નુકસાન પહોંચતું હોય છે. જો કે શિક્ષણ ક્ષેત્રે પછાત રહેવાનું એક સ્પષ્ટ કારણ એ છે કે આજના તરક્કીભર્યા જમાનાની રફતારને નજરઅંદાજ કરવામાં ખુદ મુસલમાન માતા-પિતા અને સમાજના મોવડીઓ વધુ જવાબદાર છે.
ઇતિહાસ સાક્ષી છે કે ઈલ્મ માટે મુસલમાનોએ આપેલી સેવા અને યોગદાન અજોડ છે અને એક એવો પણ સમય હતો કે મુસલમાનોની જીભને ટેરવે ચારસો જેટલાં પુસ્તકો રહેતાં. જેમને દીની એટલે કે મઝહબી કેળવણી હાંસલ કરી હોય છે તેઓને આપણા આમિલ, ફકીહ, આલિમ (જ્ઞાની, વિદ્વાન, જાણકાર) કહેવામાં આવે છે; પરંતુ આજે આવી આલિમા મહિલાઓની સંખ્યા નહીં બરાબર છે. ફરમાવવામાં આવ્યું છે કે ઈલ્મ (જ્ઞાન, શિક્ષણ) મેળવવો એ દરેક મુસલમાન સ્ત્રી અને પુરુષ પર ફરજ છે…!’ અરબી ભાષામાં આવેલ વાક્યો આ મુજબ છે- અલ્લાકુલ્લે ઈલ્મે ફરીદતુન અલ્લાકુલ્લે મુસ્લેમિન વ મુસ્લેહમ.’ આ કથન અંગે કેટલાક આલિમો-વિદ્વાનો અને ધર્મ વિશે સાચી જાણકારી, સાચું અર્થઘટન કરવાનો દાવો કરનારા કહેવાતા ‘જ્ઞાનીઓ’નું કહેવું છે કે આ હદીસે નબવી (પયગંબર હઝરત મુહંમ્મદ (સલ.)ના સુકૃત્ય-વક્તવ્ય) ફક્ત દીની (ધાર્મિક) કેળવણી માટે જ છે; જ્યારે કેટલાક આલિમો-જાણકાર વિદ્વાનોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે આ હદીસ શરીફનો અર્થ દરેક લાભદાયક કેળવણી હાંસલ કરવા માટેનો થાય છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ! ચાલો, માની પણ લઈએ કે આ કથન માત્ર ધાર્મિક શિક્ષણ માટે જ છે તો ત્યાં પણ એ જ સામે આવીને ઊભો રહે છે કે, કોમમાં કેટલી ક્ધયાઓ દીની કેળવણી પ્રાપ્ત કરીને આલિમા બની છે? જે ‘જાણકારો’ એક તરફી અર્થઘટન કરે છે તેઓએ આ બાબત સમાજની બહેન-બેટીઓને શા માટે મહેરૂમ (વંચિત) રાખી છે?
ઈસ્લામના પ્રારંભ કાળમાં મઝહબી ઈલ્મ, શિક્ષણ મેળવવામાં જે પાકિઝા ખાતુનો, માનવંત મહિલાઓ હતી તેમાં હુઝૂરે અનવર (સલ.)નાં પત્ની હઝરત આયશા સિદ્કિી રદ્યિતઆલા અન્હો પણ એક હતાં. આપની પાસેથી ઘણી હદીસો ભેગી કરવામાં આવી છે, એટલું જ નહીં નબીએ કરીમ (સલ.)ની રહેલત પછી ઘણી બાબતોના કોયડા આપને પૂછવામાં આવતા અને આપ તેનો હલ બતાવતા. તે ત્યાં સુધી કે પુરુષ આલિમો પણ આપની પાસેથી જાણકારી મેળવતા. ઉપરાંત હઝરત હફસા (રદ્)િ, હઝરત શફા બિન્તે અબ્દુલ્લાહ (રદ્.િ) એટલા ઉચ્ચ દરજ્જાના આલિમા માનવંત જ્ઞાની મહિલાઓ હતાં કે જેમની પાસેથી પુરુષ આલિમો શિક્ષણના પાઠ ભણ્યા હતા. હઝરત આયશા સિદ્કિી તો એટલાં ઉચ્ચ કક્ષાનાં આલિમા હતાં કે એ જમાનાના સાત મહાન જ્ઞાની-વિદ્વાનોમાં આપની ગણના થતી હતી અને ખલીફા (રાજ્યકર્તા) રાશેદ્દીન સુધ્ધાં આપની સલાહ લેતા.
વહાલા જિજ્ઞાસુ વાચક મિત્રો! ઈલ્મ (કેળવણી) પછી તે દીની હોય કે દુન્યવી! ઈલાહી કલામ કુરાન શરીફમાં ‘અલ્લમલ ઈન્સાનના માલમ્ મઅલમ….’ અને એવી બીજી ઘણી આયત (કથનો) ઉતારવામાં આવેલ છે. આપ પયગંબરે ઈસ્લામ હુઝૂરે અનવર (સલ.) એ તો ઈલ્મ ધરાવનારને પોતાના જાંનશીન (પ્રાણ) કહ્યા છે; એ અંગે પણ પુરુષ કે સ્ત્રી વચ્ચે કોઈ જ ભેદભાવ રાખવામાં આવ્યો નથી. ઈસ્લામે તેની ઉમ્મત્ (પ્રજા; અનુયાયીઓ)ને ઈલ્મ માટે જે ભારપૂર્વક સૂચનાઓ આપી છે તેનો ત્વારિખમાં જોટો જડવો મુશ્કેલ છે અને તેમાંય સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ફરક રાખ્યો નથી બલકે ત્યાં સુધી માતા-પિતા, વાલીઓને હિદાયત આપી છે કે જો આર્થિક તંગીના કારણે દીકરા કે દીકરી બંનેમાંથી કોઈ એકને ઈલ્મ આપી શકાય તેમ હોય તો પ્રથમ દીકરીને શિક્ષિત કરવામાં આવે.
જ્ઞાન-વિજ્ઞાન, સાહિત્ય, વકતૃત્વ કળા જેવા ક્ષેત્રે અનુમાન કરી પણ શકાય નહીં તેવી મોહતરમાં (માનવંત મહિલા)ઓ દીને ઈસ્લામના ખોળામાં જન્મ પામી છે અને ઈલ્મ થકી ઉમ્મતને રોશન કર્યું છે.
પુરુષોની જમાતમાં પણ ઉચ્ચ કક્ષાના આલિમો થઈ ગયા છે અને ઈસ્લામના નામને રોશન કર્યા છે. યાદ રહેવું ઘટે કે એ સમયની ખાતુનો માત્ર ઈલ્મ-જ્ઞાન હાંસલ કરવા પૂરતી જ સીમિત રહેતી નહોતી, પરંતુ ધર્મના નિયમો, પાકિઝગી, નમાઝ, રોજા જેવા ફરજરૂપ અરકાનોની પણ એટલી જ પાબંદ રહેતી. આના ફળસ્વરૂપ માનવ માત્રની સેવા તેમનો ઉદ્દેશ બની રહેવા પામતો. તેઓ તેમનાં સંતાનોને મહાન આલિમ-જ્ઞાની વિજેતા જોવા માગતી હતી. માનવતાના ગુણ, જીવમાત્ર સાથે પ્રેમમોહબ્બત અને કબીલા, કબીલા વચ્ચે અમન (શાંતિ) સ્થાપવી જેવા કાર્યમાં પોતાના શિક્ષણનો ઉપયોગ કરતી.
સ્ત્રી શિક્ષણના આદેશોનું સાચા અર્થમાં પુરુષવર્ગ અર્થઘટન કરવાનું જો પણ લઈ લે તો આજે જે ઈસ્લામની દયનીય સ્થિતિ છે તેમાં નોંધપાત્ર સુધારો આવી શકે.
– અમર અલ્લાહવાલા
લોકોનાં પાપોનું પરિણામ
હદીસ (પયગંબર (સલ.)નાં સુકૃત્યો, આદેશો)માં ફરમાવવામાં આવ્યું છે કે, ‘જ્યારે ઉમ્મત (પ્રજાજનો) તબ્લીગ એટલે કે લોકોને નેકી (ભલાઈ)ઓ કરવા તરફ પેરવે નહીં અને ગુનાઓ કરવાથી રોકે નહીં અને પોતે પણ આવું જ કરતો રહે ત્યારે તેમના પર રબની રહેમ (કૃપા) ઊઠી જાય છે અને તેમના માથે એવા જાલીમ (અત્યાચાર) શાસકને બેસાડી દે છે કે તે ત્રાહીમામ્ પુકારી દે છે અને તેવાઓ ગમે તેટલી યાચના કરે, દુઆઓ ગુજારે રબ સાંભળતો નથી, કબૂલ પણ કરતો નથી…’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.