Homeઆમચી મુંબઈવિપક્ષની ટીકાનો સામનો કરી રહેલી મહારાષ્ટ્ર સરકારને રાહત, કેન્દ્રએ કરી મોટી જાહેરાત,...

વિપક્ષની ટીકાનો સામનો કરી રહેલી મહારાષ્ટ્ર સરકારને રાહત, કેન્દ્રએ કરી મોટી જાહેરાત, ફડણવીસે કહ્યું- ‘આભાર’

પડોશી રાજ્ય ગુજરાત સામે ઘણી કંપનીના રોકાણની તક ગુમાવ્યા બાદ આલોચનાનો સામનો કરી રહેલી મહારાષ્ટ્ર સરકારે આજે જાહેરાત કરી છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય નીતિના ભાગરૂપે પુણેમાં એક વિશાળ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 32 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે ટ્વિટ કર્યું, “કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય નીતિના ભાગ રૂપે પૂણેના રંજનગાંવ ખાતે એક વિશાળ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરને મંજૂરી આપવા બદલ હું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો ખૂબ આભારી છું.”

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, ‘આ રોકાણને કારણે મહારાષ્ટ્રમાં મજબૂત ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનશે. ઔદ્યોગિક ઈલેક્ટ્રોનિક્સ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, સોલાર ફોટોવોલ્ટેઈક મેન્યુફેક્ચરિંગ, ઈ-મોબિલિટી યુનિટને આ પ્રોજેક્ટનો લાભ મળશે. રંજનગાંવમાં આ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર 297.11 એકરમાં રૂ. 492.85 કરોડમાં સ્થાપવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકારનો ફાળો 207.98 કરોડ રહેશે. તેનાથી લગભગ 5000 લોકોને રોજગાર મળશે.
ફોક્સકોન-વેદાંતા અને ટાટા ગ્રૂપના એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી ગુજરાતમાં જતા રહેવાને કારણે વિપક્ષોની આલોચનાનો સામનો કરી રહેલી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકાર માટે આ ઘણા રાહતના સમાચાર છે. આ બંને રોકાણ ગુજરાતમાં જતા રહેવાથી મહારાષ્ટ્રને રૂ. 1.5 લાખ કરોડના રોકાણનો ફટકો પડ્યો છે. જોકે, મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કહ્યું હતું કે વિપક્ષ આ પ્રોજેક્ટને લઈને ભ્રમ પેદા કરી રહ્યો છે. ટાટા એરબસ સી-295 પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હસ્તાક્ષર કર્યા હતા. તે સમયે મહા વિકાસ આઘાડીની સરકાર હતી.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ તાજેતરમાં જ શિંદેની સરકારને દેશદ્રોહી અને રાજ્યનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગણાવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અને ભાજપ સાથેની નવી ગઠબંધન સરકાર સત્તામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ચાર મોટા પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી નીકળી ગયા છે.

RELATED ARTICLES

Most Popular