નવી દિલ્હી: ભારતમાં વાર્ષિક જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવા (ડબલ્યુપીઆઈ)નો દર ઘટીને ૮.૩૯ ટકા રહ્યો છે, જે ઘટીને માર્ચ, ૨૦૨૧ના સ્તરે રહ્યો છે. મોંઘવારીના દરમાં ઘટાડો થયો છે, જેમાં ઑક્ટોબરમાં ઘટીને ૮.૩૯ ટકાનો દર રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં ૧૦.૭૦ ટકા રહ્યો હતો. મોંઘવારીના દરમાં અઢાર મહિના પછી ઘટાડો થયો છે, જે આમ આદમી માટે રાહતના સમાચાર છે. ઑક્ટોબર, ૨૦૨૨ દરમિયાન જથ્થાબંધ આધારિત ફુગાવાના દરમાં ઘટાડા માટે ખાસ કરીને મિનરલ ઓઈલ્સ, બેઝિક મેટલ્સ, ફેબ્રિકેટેડ મેટલ પ્રોડક્ટસ સિવાય મશીનરી અને ઈક્વિપમેન્ટ, ટેક્સસ્ટાઈલ્સ સહિત અન્ય નોન-મેટલિક મિનરલ પ્રોડક્ટ્સના ભાવ જવાબદાર છે. મોંઘવારીના ઘટાડાને કારણે ફુગાવાના વાર્ષિક દરમાં ઘટાડો થયો છે, એમ વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના અહેવાલમાં જણાવ્યું હતું.
ખાદ્ય ફુગાવાનો દર ઘટીને ઑક્ટોબરમાં ૬.૪૮ ટકા રહ્યો છે, જે સપ્ટેમ્બરમાં ૮.૦૮ ટકા હતો. મેન્યુફેકચરિંગ પ્રોડ્કટનો દર ઘટીને ૪.૪૨ ટકા નોંધાયો છે, જે સપ્ટેમ્બર મહિનામાં ૬.૩૪ ટકા હતો, જ્યારે ફ્યુઅલ એન્ડ પાવર સેગમેન્ટના દરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જે ૩૨.૬૧ ટકાથી ઘટીને ૨૩.૧૭ ટકાના સ્તરે આવ્યો છે. જથ્થાબંધ આધારિત ફુગાવાનો દર ઘટીને સિંગલ ડિજિટમાં રહ્યો છે, જે માર્ચ, ૨૦૨૧ પછી સૌથી પહેલી વખત નીચી સપાટીએ રહ્યો છે. માર્ચ, ૨૦૨૧માં ફુગાવાનો દર ૭.૮૯ ટકા હતો.