ઊડતી વાત -ભરત વૈષ્ણવ
કોઈ પ્રસંગે સરસ મજાના કલરફુલ રંગીન કાગળમાં રેપ કરેલી નાની કે મોટી ભેટ, તોહફા, ઉપહાર, ગિફ્ટ મળે એટલે કાયદાના લાંબા હાથ કરીને હરખભેર તેને સ્વીકારીને પાછો ખોટો ખોટો વિવેક કરીએ કે આની ક્યાં જરૂર હતી? આપણો તો ઘરનો સંબંધ છે, આવા ખોટા ખર્ચા ન કરાય!!! તારી ભલી થાય રાજુ રદીડા! ભેટ લેવા હાથ કેમ લંબાવ્યો!!
આપણને ગિફ્ટ મળે એટલે ચટપટી થાય. આપણે ભવિષ્યના ગર્ભમાં શું પડ્યું છે? આપણું ભવિષ્ય કેવું રહેશે?? પ્રમોશન ક્યારે મળશે? શ્રદ્ધા કોને વરશે, આપણને બહારનાં મૂડીરોકાણ ફળશે કે ડુબાડશે વગેરે અગમનિગમ જાણવા જ્યોતિષી, નજૂમી, ટેરોકાર્ડ રીડર, એસ્ટ્રોલોજર, એસિટ્રો વેબસાઈટ, બાબા, તાંત્રિક, વગેરે પાસે જઈએ છીએ. બોસ, ગરજે ગધેડાને બાપ તો શું, દાદા કે નાના કહેવું પડે!! એક વાર જ્યોતિષના એક મેગેઝિનની સવાલ-જવાબ કોલમમાં એક ભાઈએ સરકારી ક્વાર્ટર (જોયું? ક્વાર્ટર શબ્દ સાંભળતાં કાન ચમકી ગયા અને તરસ વધી ગઈ!!! અહીં શરાબના ક્વાર્ટરિયાની વાત નથી. સરકારી મકાનની વાત છે!!) ક્યારે મળશે તેવો સવાલ કર્યો હતો!! અલ્યા ભૈ, માર્ગ અને મકાન ખાતાની કચેરીમાં જઈને પૂછ!! એ તને સાચી માહિતી આપશે!! બાકી જ્યોતિષી કોઈ દિવસ પ્રશ્ર્ન કુંડળી તો સમજ્યા, પણ જવાબ કુંડળી કાઢીને સાચો જવાબ પૈસા લઈને પણ આપશે નહીં.
તમે સાચું કહો કે કોઈએ કોઈ કારણસર તમને ગિફ્ટ આપી ત્યારે સાતમા આસમાને વિહરતા હો તેવી ફીલિંગ થયેલી?? પહેલા ધડાકે આલિયાએ રણબીર કપૂરના પ્રેમનો એકરાર કરતાં જે રોમાંચ થયેલો તેવો સુંદર અહેસાસ થયેલો??? ગિફ્ટ મળ્યા પછી રેપરની અંદર શું છે તે જાણવાની ચટપટી થાય છે. સેઇમ ટુ સેઇમ ચોલી કે પીછે ક્યા હૈ?? ટાઇપનું કુતૂહલ!!
ગિફ્ટનું રેપર ખોલવું તે પણ એક કળા છે અને વિજ્ઞાન પણ! (આવું લખો એટલે લેખક તરીકે રોલો પડે. બહુઆયામી, બહુશ્રૂત વિદ્વાન હોવાની છાપ સુદૃઢ થાય છે!!) કેટલાક જણ તો દુ:શાસન દ્રૌપદીનાં ચિર હરતો હોય તે સ્ટાઇલમાં આડેધડ રેપર ખોલવા માંડે છે! જેમાં કોઇ રોમાંચ કે થ્રિલ ક્યાં અનુભવાય?? કેટલાક તો ખુદ સ્ટ્રિપર (અત્રે સ્ટ્રિપર એટલે નાચતાં નાચતાં શરીર, અફ કોર્સ ખુદના શરીરનાં વસ્ત્રો એક પછી એક ઉતારીને અનાવૃત શરીર દર્શન માટે ખુલ્લું મૂકવું !!)ની માફક રેપર ખોલે છે. અમુક શાણપટ્ટી ભાઈલોગ તલવારથી ગિફ્ટનું રેપર ખોલે છે!! કેટલાક ગણતરીબાજ બ્લેડ કે ચપ્પુ લઈ રેપર લગાવેલી સેલો ટેપ ઋજુતા અને આર્જવથી કાગળ ફાટે નહીં તે રીતે ખોલે છે. જેમ પાર્ટીમાંથી પરત ફરેલી રૂપસમ્રાજ્ઞી ડ્રેસિંગ ટેબલ પરની ચેર કે સ્ટૂલ પર નજાકતપૂર્વક બેસી હળવા હૈયે અને હળવા હાથે એક પછી એક પહેરેલાં આભૂષણો નાક, કાન, ગળા, કમર પરથી ઉતારતી ન હોય!! કેમ કે આ રીતે સાચવીને ખોલેલા કાગળનો ઉપયોગ બીજા કોઈને ગિફ્ટ આપતી વખતે રેપર તરીકે કરવાનો હોય છે!! આને કરકસર કહેવાય!! સાત રૂપિયાનું કેશબેક લેવા દોઢસો રૂપિયા ખર્ચી નાખે. ભીખના હાંલ્લા શીકે ન ચડે એ કહેવતને ખોટી પાડે તેવી ફાટેલી નોટો આપણી આજુબાજુ હોય છે!! તેને શોધી કાઢવાની જરૂર છે!!
ગિફ્ટનું રેપર ખોલનારી વ્યક્તિની આંખની ચમક રાત્રિના સમયે ગાય કે કૂતરાની આંખમાં પ્રકાશ પડે અને આંખ તગતગતી હોય તેવી હોય છે. ડુંગળીનાં પડ જેવાં પડ ગિફ્ટ પર હોય છે. ગિફ્ટ પરનો કાગળ હટે એટલે મુંગેરીલાલ કે હસીન સપને ખોટા પડે!! લગભગ ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર પ્રકારની છેતરાયાની લાગણી હોય છે. અલબત્ત, ક્યારેક ફટા પોસ્ટર નિકલા હીરો જેવું સાનંદાશ્ર્ચર્ય દેખાય!!
ગિફ્ટ જોઈને તમે આનંદથી ઝૂમી ઊઠો. નહીંતર વિષાદથી છળી મરો. આ રીતે પુસ્તકો, ટેડીબેર, ટોયા વગેરે મળે છે. ક્યારેક તે ઉપયોગી ન હોય! લગ્નમાં દસ હેન્ડ બિલ્ડર ગિફ્ટમાં મળે. દસેક ઇસ્ત્રી, ત્રીસ થર્મોસ, અઢાર લોપેલના ડિનર સેટ, આઠેક રાઇસ કૂકર, ચાલીસ ડિનર સેટ વગેરે મળે. આ બધાનું ડિસ્પોઝલ કેમ કરવાનું?? અમારાં લગ્નને લગભગ ઓગણત્રીસ વરસ થયાં. (દુખદ પ્રસંગ કેમ ભુલાય, ભલાદમી??) લગ્ન નિમિત્તે મળેલી ગિફ્ટ આજે પણ વાપરી નથી. કોઈને આપવાનો જીવ ચાલે નહીં એટલે આ ગિફ્ટ માળિયાની શોભા બની રહી છે!!)
એક પ્રાચીન વાર્તા છે. ‘રાજા ભરથરી’ જનશ્રુતિ અને પરંપરા અનુસાર ભર્તૃહરિ વિક્રમ સંવતના પ્રવર્તક સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના અગ્રજ માનવામાં આવે છે. એક બ્રાહ્મણે તેનું દળદર મિટાવવા ભગવાન શંકરનું ધ્યાન ધરી ઘોર તપ કર્યું. અન્ય દેવતાની તુલનાએ મહાદેવજી મેગી ટૂ મિનિટ જેવા ઇન્સ્ટન્ટ છે. ફટાક દઈને પ્રસન્ન થાય અને ભક્તને વરદાન માગવા કહે. શિવ પ્રસન્ન થયા અને શિવે બ્રાહ્મણને અમર ફળ આપ્યું. અમર ફળ લઈને બ્રાહ્મણ ઘરે આવ્યો. એની પત્નીને બધી વાત કરી. પત્નીએ કહ્યું કે તમે કે હું અમર ફળ ખાઈને અમર થઈને ગરીબી જ ભોગવ્યા કરવાની? માટે આ ફળ તમે મહારાજને આપો અને એ આપણને દ્રવ્ય આપે કે જેથી કરી આપણું દારિદ્રય દૂર થાય. બ્રાહ્મણે અમરફળ મહારાજા ભર્તૃહરિને આપ્યું. ભરથરીએ પોતાની પત્ની રાણી પીંગળાને આપ્યું એવા વિચારથી કે હું અમર થઈ જાઉં અને પિંગળા મરી જાય તો હું દુ:ખી થઈ જાઉં. પિંગળાએ એના પ્રેમી કે જે ભરથરીના ઘોડારમાં અશ્ર્વપાલનું કામ કરનારને આપ્યું એ એના માટે કે એ જીવે તો હું જીવું ત્યાં સુધી એની સાથે રંગરેલિયાં મનાવ્યા કરું.
પિંગળાના પ્રેમીને એવો વિચાર આવ્યો કે હું અમર થઈ જાઉં તો મારે કાયમ ઘોડાની સફાઈ કરવાની થશે.
એણે આ અમર ફળ રાજા ભરથરીને આપ્યું. રાજા ભરથરી વિચાર કરતો થઈ ગયો કે આ અમર ફળ આની પાસે ક્યાંથી આવ્યું? ભરથરીએ અશ્ર્વપાલને પૂછ્યું કે તારી પાસે આ ફળ ક્યાંથી આવ્યું? હું તને અભય વચન આપું છું, તું સાચેસાચું કહી દે. એણે પોતાને પિંગળાએ આપ્યું છે એમ કહી દીધું. પછી તીવ્ર આઘાત પામેલ ભર્તૃહરિએ સંસારનો ત્યાગ કરી દીધો અને ભરથરી બની ગયા!! જોકે અમર ફળનું શું થયું એ અલગ સંશોધનનો વિષય છે!!!
ગિફ્ટનું પણ એવું જ છે. ફરતી ફરતી વરસે, બે વરસે કે પચીસ વરસે અક્ષત યૌવનાની માફક વર્જિન સ્વરૂપે આપણી પાસે આવે છે. કોઈ રેપર ખોલવાની પણ તસદી લેતું નથી!!!
કુદરતી આફત કે માનવ સર્જિત (વિચારોના ઝૂલે ઝૂલવા માંડ્યાને? પેલો ઝૂલતો પુલ યાદ આવ્યો કે નહીં??) આપત્તિ સમયે પણ આવું બંને છે!! ભૂકંપ કે પૂર કે વાવાઝોડા સમયે દેશ-પરદેશમાંથી રાહતનો નાયગ્રા ધોધ વહે છે. રાહતસામગ્રી જરૂરતમંદ સુધી સમયસર પહોંચે તેનું પ્રબંધન પણ સૂઝબૂઝ માગી લે છે. રાહતસામગ્રી જરૂરિયાતમંદને મળવાને બદલે લેભાગુ સગેવગે ન કરી જાય તે પણ સુનિશ્ર્ચિત કરવું આવશ્યક છે. કોઈનું મીંઢળ કોઈના હાથે ન બંધાય તે પણ જોવું પડે, કેમ કે લેભાગુઓ સબ ભૂમિ લેભાગુની માની રાહતસામગ્રી હડપી લે છે. કચ્છના ભૂકંપ સમયે વિદેશોમાંથી ઉત્તમ તંબુ આવેલા, જે કેટલાક રાજકારણી અધિકારીના ઘરની શોભા બનેલા. જોકે તેના પર ભૂકંપ સહાયની ઉઠાંતરી તેવું સૌજન્ય પ્રદર્શિત કરવામાં આવેલ નહીં!! વિદેશીઓ પણ ઘેલાના સરદાર હતા. રાહતસામગ્રી તરીકે બિકિની, સ્વિમિંગ સૂટ, ગાઉન, ટ્યુબ ટોપ વગેરે મોકલેલાં!! કચ્છની કઈ ગરવી નારી આવાં કપડાં પહેરે?? કેટલીક પ્રસિદ્ધિપ્રિય પાર્ટીઓએ વિદેશોમાંથી આવેલી રાહતસામગ્રી પર એકપણ પૈસા (જોકે પોસ્ટર છપાવવાનો ખર્ચ કરેલ!!)નો ખર્ચ કર્યા વગર પાર્ટીનાં લેબલ લગાવી કીર્તિના કોટડા કમાયેલા.
હમણાં આવી જ કાંઈક ચીટિંગ પાકિસ્તાને (પાકિસ્તાન સંજ્ઞા જ ચીટિંગનો પર્યાય છે. એટલે ચીટિંગ શબ્દ ન લખીએ તો પણ ચાલે!!) કરેલ. ગયા વર્ષે પાકિસ્તાનમાં વિનાશકારી પૂર આવેલ. તે સમયે તુર્કીએ માનવતાના ધોરણે પાકિસ્તાનને રાહતસામગ્રી મોકલાવી હતી. તાજેતરમાં જ પાકિસ્તાને તુર્કીના ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહતસામગ્રી અને બચાવ તથા રાહત કર્મચારીઓ સાથે વિમાન મોકલ્યું હતું. હવે પાકિસ્તાન સ્થિત પત્રકારે દાવો કર્યો છે કે તુર્કીને પાકિસ્તાન તરફથી જે સહાયતા મળી છે તે પૂરના વિકટ સમયે ઈસ્લામાબાદને મોકલવામાં આવી હતી તે છે. પાકિસ્તાને પણ વાટકી વ્યવહાર નિભાવ્યો. તુર્કી પર આવેલા ભૂકંપ સમયે તુર્કીએ પાકિસ્તાનના પૂર વખતે મોકલેલ રાહતસામગ્રી રિટર્ન કરી. પાકિસ્તાને તુર્કિસ્તાન સરકારે મોકલાવેલ રાહતસામગ્રી પર તુર્કી સરકારે લગાવેલ રેપર પણ રિપ્લેસ કર્યું નહીં. પાકિસ્તાને બારોબાર કરેલા કારોબારનો ભાંડો ફૂટી જતાં પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બેઇજ્જતી થઈ. જોકે પાકિસ્તાન માટે તેની નવાઈ નથી. પાક ઇજ્જતનો ફાલુદો નિયમિતરૂપે થતો જ રહે છે. જમ્બુરે બજાવો તાલી. નાતનું છે અને નાત ખાય છે, મૂસાભાઈનાં વા ને પાણી જેવો તાશેરો થયો!