વર્ષ ૨૦૨૨ના પહેલા ૬ મહિનામાં રજૂ થયેલી ટોપ ફાઇવ ફિલ્મો: ડબ ફિલ્મોનો દબદબો રહ્યો

મેટિની

૨૦૨૨ અડધું વીતી ચૂક્યું છે. શરૂઆતના બે મહિના બાદ ફેબ્રુઆરીના અંતથી ફિલ્મો થિયેટરમાં રજૂ થવા લાગી. ત્યારથી માંડીને જૂનના અંત સુધી જે પાંચ ફિલ્મો ટોપ પર રહી તેમાંથી બે ફિલ્મો દક્ષિણ ભારતની ડબ ફિલ્મો આરઆરઆર અને કેજીએફ ટુ રહી છે. બાકીની ફિલ્મોમાં ગંગુબાઇ કાઠિયાવાડી, ધ કાશ્મીર ફાઇલ્સ અને ભૂલ-ભૂલૈયાનો સમાવેશ
થાય છે.
બૉક્સ ઓફિસની સફળતા પ્રમાણે ટોપ ફાઇવ રહેલી ફિલ્મોને નીચે પ્રમાણે ગોઠવી શકાય.
કેજીએફ-૨ (ડબ): આ ફિલ્મના હિન્દી વર્ઝને ૪૩૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. ફિલ્મ રજૂ થાય એ પહેલાં જ તેના માટે પ્રેક્ષકોમાં ગજબ ઉત્સાહ હતો. એક્શનથી ભરપૂર અને યશના સ્ટારડમવાળી આ ફિલ્મની ઓલટાઇમ કલેક્શનની વાત કરવામાં આવે તો બાહુબલી-૨ પછી એ બીજા નંબર પર આવે.
આરઆરઆર: બીજા નંબર પર પણ દક્ષિણ ભારતીય ફિલ્મ આરઆરઆરનો જ દબદબો રહ્યો. એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મના હિન્દી વર્ઝને ૨૭૭ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી. આ ફિલ્મમા વિદેશમાં પણ ખૂબ વખાણ થયા હતા અને ઓટીટી પ્લેટફોર્મ પર પણ તેણે ખૂબ સફળતા હાંસલ કરી હતી.
ધ કાશ્મીર ફાઇલ્સ: માર્ચ મહિનામાં રજૂ થયેલી આ ફિલ્મમાં ન આઇટમ સોંગ છે કે ન ફાઇટ સીન છે, પરંતુ કાશ્મીરના પંડિતો પર થયેલા અત્યાચાર પર આધારિત આ ફિલ્મે ૨૫૨.૨ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવતી સહિત બોલીવૂડના અનેક નામી કલાકારોએ કામ કર્યું છે. આ ફિલ્મ જોવી ભારતીય દર્શકો માટે એક મિશન બની ગયું હતું.
ભૂલભૂલૈયા ૨: ૧૮૬ કરોડના કલેક્શન સાથે ચોથા નંબર પર રહેલી આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં છે અને દિગ્દર્શન અનીસ બઝમીનું છે. કોઇને પણ આશા ન હતી કે આ ફિલ્મ આટલી બધી હિટ થશે. સિનેમાઘરોમાં ધૂમ મચાવનાર આ ફિલ્મની સફળતા ચોંકાવનારી રહી.
ગંગુબાઇ કાઠિયાવાડી: કોવિડની ત્રીજી લહેર પછી પ્રદર્શિત થયેલી સંજય લીલા ભણશાલી દિગ્દર્શિત આ ફિલ્મની સફળતાથી નિર્માતાઓનો ખોવાયેલો વિશ્ર્વાસ પાછો આવ્યો. આ ફિલ્મથી દર્શકોની સિનેમાઘરો તરફ પાછા વળવાની શરૂઆત થઇ. આલિયા ભટ્ટ અભિનિત આ ફિલ્મ નાયિકા પ્રધાન હોવા છતાં બૉક્સ ઓફિસ પર સવાસો કરોડથી વધુ કલેક્શન કરવામાં સફળ રહી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.