સંબંધોની પરીક્ષા ન લેવી જોઈએ, સામેવાળા જો નાપાસ થાય તો આપણે દુ:ખી થઈએ

મેટિની

અરવિંદ વેકરિયા

આમ ‘તિરાડ’ નાટકનો પ્રથમ પ્રયોગ રામલીલા મેદાન જેવા ઓપન-એર થિયેટર, મલાડ-પૂર્વમાં યોજાઈ ગયો. હવે જાહેર પ્રયોગ હતો, બિરલા ક્રીડા કેન્દ્ર-ચોપાટીમાં. દુ:ખ એક જ વાતનું થયું કે તરુણ નાયક પોતાનું કૌવત બતાવી મારો ભરોસો સાચવી ન શક્યો. એની વાત તો જરા વિચિત્ર હતી કે ‘એક વાર મેક-અપ મોઢા પર ચડશે કે મારું પાત્ર દાદુ, તારી ઈચ્છા મુજબનું અવતરશે!’ મેં એ માટે પ્રથમ શો સુધી ધીરજ ધરી પણ… ખબર નહિ, જોઈતું હું ન મેળવી શક્યો કે એ મને જોઈતું કામ આપી ન શક્યો, પરિણામ… ત્યારે દુ:ખ થાય જ, જ્યારે આપણે સારું ઈચ્છતા હોઈએ અને એને આ વાતનું જ્ઞાન જ ન હોય અથવા અજાણ હોય. એવું જ થયું. શો તો આગળ કરવાના જ હતા એટલે રિપ્લેસમેન્ટ કરવાનું જ હતું.
જોગાનુજોગ જુઓ… આગળના લેખોમાં મેં મારા છગનમામાનો ઉલ્લેખ કરેલો, જેમની નોકરી હતી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર-ભાવનગરમાં. ત્યાંથી એમની બદલી મુંબઈની ફોર્ટ બ્રાન્ચમાં થયેલી. ત્યારે તેઓ પાર્લા-ઇસ્ટમાં રહેતા હતા. એક રવિવારે હું સહજ એમને મળવા પાર્લા ગયેલો. ત્યાં એમનો સહ-કર્મચારી, જે ભાવનગરમાં સાથે હતો અને અહીં પણ એમની સાથે હતો. એની બદલી ભાવનગરથી મુંબઈ વહેલી થઈ ગયેલી. અહીં આવી એણે નોકરી સાથે નાટકોમાં પણ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એણે ઘણાં નાટકો કર્યાં. એમાં ખાસ નાટકનો ઉલ્લેખ કરું તો બહુરૂપી સંસ્થાના, મૂળરાજ રાજડા લિખિત ‘ચકડોળ’ નાટકમાં એણે ભજવેલી ‘ચંપક ભૂમિયા’ની ભૂમિકા યાદગાર બની ગયેલી. એમ કહો કે એ નામની એક એની ઓળખ જ બની ગયેલી, એ મારા મામાને ત્યાં હાજર હતો. નામ એનું, હર્ષદ ગાંધી.
મારા મામાએ મારી સાથે એની ઓળખાણ કરાવી. હું નાટકો ડિરેક્ટ કરું છું એનો પણ ઉલ્લેખ કર્યો. હું એને ઓળખી ગયો હતો, કારણ કે ‘ચકડોળ’ નાટક મેં બે રૂપિયામાં તેજપાલ થિયેટરમાં અને ચાર રૂપિયાની ટિકિટમાં ભવન્સ થિયેટર-ચોપાટીમાં જોયેલું.
બીજી અલપ-ઝલપ વાતો થઈ. મેં મારા નાટક ‘તિરાડ’માં આવેલી તરુણ નાયકના પાત્રની અડચણની વાત કરી. હર્ષદ ગાંધીએ તરત કહ્યું કે મને વાંધો ન હોય તો એ રોલ તે કરી આપશે. આમ પણ એ વખતે એની પાસે કોઈ નાટક હતું નહિ. મનને શાંતિ થઈ. આ પાત્રની વરણીમાં મારે પાછી પાની નહિ કરવી પડે એની મને ગળા સુધી ખાતરી હતી, ‘ચકડોળ’ નાટક અને એમાં હર્ષદ ગાંધીનો અભિનય મને ખૂબ ગમેલો. ‘ચકડોળ’ નાટક પરથી કિરણ કુમારને મુખ્ય પાત્રમાં રજૂ કરતી ‘આજ કી તાઝા ખબર’ ફિલ્મ પણ બનેલી, જે ઠીક ઠીક સફળ રહેલી.
મારે તો મામાને ત્યાં માત્ર ઔપચારિક મળવા જવાનું હતું, ત્યાં મને મારી ચિંતાનું નિવારણ જ મળી ગયું. ત્યારે મને થયું કે આપણા એ હોય છે જેમને આપણી પડી હોય છે, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા-જતા લોકો પણ પૂછી લેતા હોય છે. મારા મામાના હાથ નીચે કામ કરતા આ હર્ષદ ગાંધીએ મને તરત જ રોલ માટે હા પાડી દીધી.
સ્ક્રિપ્ટ ક્યાં અને કેવી રીતે પહોંચાડવી અને રિહર્સલ ક્યાં અને ક્યારે કરવાં એની પણ વાત થઈ. મહેનતાણાની વાત મામા સામે કરતાં કદાચ એને સંકોચ થતો હશે એટલે મને બીજા દિવસે ફોન કરવા કહ્યું. મારો નંબર પણ એણે લઈ લીધો. મામા સાથે ચોખ્ખી વાત અને મામા સાથેનો એનો સંબંધ જોઈને મને કોઈ સંશય ન રહ્યો. સંબંધોની પરીક્ષા ન લેવી જોઈએ, સામેવાળા જો નાપાસ થાય તો આપણે દુ:ખી થઈએ અને મારે દુ:ખી થવું નહોતું.
હર્ષદ ગાંધી તો મામા સાથે ગપાટા મારતા બેઠા રહ્યા, પણ હું તમારા ફોનની રાહ જોઈશ કહી આવજો કરી નીકળી ગયો.
નીકળતાં મેં વિચાર્યું કે મારા જેવી કાઠિયાવાડી લઢણ ધરાવતા આ કલાકારમાં જરા પણ અહંકાર અડ્યો નહોતો. સફળતાની ઊંચાઈ સર કરો ત્યારે ધીરજ રાખવી પડે, જુઓને પક્ષીઓ પણ એ વાત જાણે છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી. આ હર્ષદ ગાંધી માટે કદાચ સાચું હતું તો મારે પણ આવતી કાલે ફોન આવે ત્યાં સુધી ધીરજ ધરવાની હતી.
બીજે દિવસે ક્યારે ફોન કરશે એ સમય નક્કી નહોતો થયો. નિર્માતા અને લેખક-મિત્ર રાજેન્દ્ર શુક્લ સાથે આ બાબત વાત થઈ. રિહર્સલનું તો નક્કી કર્યું, પણ કોસ્ચ્યુમ નવા લેવા પડશે એ વાત પણ થઈ. એક લેંઘો, એક પહેરણ અને એક સીન માટે પેન્ટ અને શર્ટ. નાટકના બજેટ પ્રમાણે એ વખતે તરુણ માટે રૂ. ૪૩૦/-માં લીધેલાં. તરુણનાં કપડાં હર્ષદને આવી શકે એમ નહોતાં એટલે ફરી ખર્ચ કરવો પડશે એ પણ નક્કી કરી લીધું. નિર્માતાએ એક જ શો પછી આ નાનો બોજ ઉપાડવો પડશે એનો વસવસો તો હતો પણ… ત્યાં હર્ષદ ગાંધીનો ફોન આવ્યો…
‘કોણ? અરવિંદ?’ સામેથી પુછાયું.
‘હા,’ મેં કહ્યું.
‘હું હર્ષદ ગાંધી બોલું છું.’
‘હા… હા… બોલો.’
‘બોલવાનું શું? મારા તરફથી બધું નક્કી સમજ. રિહર્સલ ક્યારથી છે એ નક્કી છે એ કહી દે એટલે મામા પાસેથી એ પ્રમાણે રજા
લઈ લઉં.’
એ પછી શોદીઠ નાઈટ નક્કી કરી લીધી. તરુણ નાયકથી રૂપિયા ૨૫/- વધુ હતા, પણ સાથે કલાકાર પણ સારો મળી રહ્યો હતો. મેં કપડાંની વાત કરી તો મને કહે, ‘કપડાંની ચિંતા તું છોડી દે. બે જોડી તો કપડાં છે. હું દરેક શોમાં લેતો આવીશ, બસ.’ મેં વિવેક કર્યો, પણ મામાના સંબંધને આગળ કરી મારી વાત દબાવી દીધી. રિહર્સલનું નક્કી કરી મને ફોન કર કહી એણે ફોન મૂકી દીધો.
કપડાં હું જ લઈ આવીશ એ વાત મને કેટલી મોંઘી પડી એની વાત હવે પછી… (ક્રમશ:)ઉ
***
આંખમાં આવીને પાછાં જાય એનું મૂલ્ય છે,
આંસુઓનું આ રીતે વહેવું નથી ગમતું મને.
આમ તો કૂદી પડું છું હું પરાઈ આગમાં,
મારું પોતાનું દુ:ખ સહેવું નથી ગમતું મને.
***
————
ગામના મોટા શેઠ નરકમાં મળ્યા. નવાઈ લાગી. જેમણે કોઈનું ખોટું કર્યું નથી, સારાં કર્યો જ કર્યાં છે, સત્કર્મોને કારણે ચારે બાજુ ખ્યાતિ હતી… એટલે પૂછ્યું, ‘તમે તો સ્વર્ગમાં હોવા જોઈએ, અહીં નરકમાં કેમ?’
શેઠ: ‘શેઠાણીને કારણે… હું ક્યારે’ય ખોટું બોલ્યો નથી, પણ એક શેઠાણી સામે ખોટું બોલવું પડતું હતું. શેઠાણી રોજ સવારે તૈયાર થઈને પૂછે કે ‘હું કેવી લાગું છું?’ બસ, આ એને આપેલા જવાબનું પરિણામ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.