મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
બિલ ગેટ્સ અને વોરેન બફેટ દુનિયાના ટોચના દસ ધનવાન લોકોની યાદીમાં ચોથા અને છઠ્ઠા ક્રમે આવે છે. તેમણે બે સફળ કંપનીઓનું નિર્માણ કર્યું છે; માઈક્રોસોફ્ટ અને બર્કશાયર હેથવે. બંને વચ્ચે ઉંમરમાં ૨૫ વર્ષનો તફાવત છે. વકીલ અને બેન્કર માતા-પિતાને ત્યાં જન્મેલા બિલ ગેટ્સ વકીલ જ બની ગયા હોત, પરંતુ ૧૩ વર્ષની ઉંમરે એક ખાનગી પ્રેપ-સ્કૂલમાં તેમણે પહેલીવાર સોફ્ટવેર પ્રોગ્રામ લખ્યો હતો અને તેમાંથી તેમનું તકદીર બદલાઈ ગયું હતું. ૧૭ વર્ષની વયે તેમણે ભાગીદારીમાં ટ્રાફ-ઓ-ડેટા નામની સોફટવેર કંપની સ્થાપી હતી, જેનું કામ ટ્રાફિકનો ડેટા એકઠો કરીને ટ્રાફિક એન્જિનિયરો માટે રિપોર્ટ તૈયાર કરવાનું હતું.
બફેટ જ્યારે યુવાનીમાં હતા ત્યારે ધનવાન થવા માટે ચુઇન્ગ ગમ, કોકા-કોલા અને એક સાપ્તાહિક પત્રિકાને ઘરે-ઘરે વેચવાનું કામ કરતા હતા. એ તેમના દાદાના કરિયાણાના સ્ટોરમાં કામ પણ કરતા હતા. ૧૧ વર્ષની વયે તેમણે ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાંથી પહેલીવાર શેર ખરીદ્યા હતા. એમાં તેમની હથોટી આવતી ગઈ હતી અને ઉત્તરોતર તે એક સ્માર્ટ ઇન્વેસ્ટર તરીકે સ્થાપિત થયા હતા. વર્ષો પછી તેમની ઇન્વેસ્ટિંગ કંપની પૈસે-ટકે તગડી બની ત્યારે બિલ ગેટ્સ ૧૫ વર્ષ સુધી તેના બોર્ડમાં હતા.
બંને વચ્ચે પૈસા સિવાય આમ કશું સામ્ય નથી. એક ઇન્વેસ્ટર છે, જે લાખના બાર લાખ કેમ કરવા તે સારી રીતે જાણે છે. બિલ ગેટ્સ એવાં સોફ્ટવેર બનાવવામાં માહેર છે, જેણે કોમ્પ્યુટરની આખી દુનિયા બદલી નાખી છે. ૩૦ વર્ષ પહેલાં તેમને એક બીજાના નામનો પરિચય થયો હતો. બફેટની ત્યારે ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફર તરીકે નામના થઇ હતી અને બિલ ગેટ્સ સોફ્ટવેરનું ‘ભેજું’ કહેવાતા હતા.
આજે તો બંને પાક્કા ભાઈબંધ છે, પરંતુ ત્યારે તેમને ભાઈબંધી તો ઠીક, એકબીજાને મળવામાંય રસ નહોતો. ૧૯૯૧માં, ગેટ્સની બિઝનેસવુમન માતા મેરીએ, વોશિંગ્ટન ડી.સી.માં ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ની એડિટર મેગ ગ્રીનફિલ્ડના માનમાં એક ડીનર ગોઠવ્યું હતું. એ એડિટર અને વોરેન બફેટને સારું બનતું હતું અને તેણે સામે ચાલીને કહ્યું હતું કે તેની સાથે બફેટ પણ ડીનરમાં સામેલ થશે. માતાએ દીકરા બિલ ગેટ્સને આગ્રહ કર્યો હતું કે કામમાંથી છુટ્ટી લઈને તું પણ હાજર રહેજે.
બિલને બફેટને મળવામાં જરાય રસ નહોતો. તેમણે માતા પાસે બહાનું પણ કાઢ્યું હતું, “મોમ, આઇ એમ બીઝી. ગેટ્સને ત્યારે થયું હતું કે ટેકનોલોજીના જમાનામાં જે માણસ ઇમેલ પણ વાપરતો ન હોય અને જે કાગળો (શેર્સ) વેચીને પૈસા બનાવતો હોય તેની સાથે શું વાતો થાય! બિલ એક જ વાતથી ડીનરમાં સામેલ થવા તૈયાર થયા; પોસ્ટન એડિટર તેની સાથે તેની માલકણ કેથરિન ગ્રેહામને પણ લાવવાની હતી અને બિલને અમેરિકાના સૌથી શક્તિશાળી સમાચારપત્રનો ઈતિહાસ જાણવામાં દિલચસ્પી હતી.
એમ તો બફેટને પણ બિલ ગેટ્સને મળવામાં ખાસ રસ નહોતો. તેમણે વર્ષો એ દિવસને યાદ કરીને લખ્યું હતું, અમે લોકો કારમાં તેમને ત્યાં જતા હતા ત્યારે રસ્તામાં મને થયું હતું, કે આ લોકો સાથે આખો દિવસ કેમ કરીને પસાર થશે? ક્યાં સુધી મોઢા પર હાસ્ય ચિટકાડી રાખવાનું?
પણ જ્યારે બંને મળ્યા અને વાતોએ એવા વળગ્યા કે છ કલાક નીકળી ગયા. બફેટે ગેટ્સને એવા સવાલો પૂછ્યા હતા કે તેમને એ કુતૂહલવૃતિ માટે માન થઇ ગયું. જેમ કે બફેટે ગેટ્સને પૂછ્યું હતું, તમારે જો (સોફ્ટવેર-હાર્ડવેરની માંઘાતા કંપની) આઈબીએમનું નવેસરથી નિર્માણ કરવાનું આવે તો તે કઈ રીતે જુદી પડે? વળતામાં ગેટ્સે બફેટને ઇન્ટેલ અને માઈક્રોસોફ્ટના શેર ખરીદવાની સલાહ આપી હતી.
એ પછી બંને પાક્કા દોસ્ત બની ગયા. બિઝનેસની દુનિયામાં આ “છ કલાકનો સંવાદ દંતકથા બની ગયો છે. ૨૦૧૬માં, એક બ્લોગ પોસ્ટમાં તેને યાદ કરીને ગેટ્સે લખ્યું હતું, “બફેટે મને એવા જિજ્ઞાસાપૂર્ણ સવાલો પૂછ્યા હતા કે હું આશ્ર્ચર્યચકિત થઈ ગયો હતો. એ દિવસે બફેટે મને બે ચીજ શીખવાડી હતી; બને એટલી જાણકારી એકઠી કરવી અને બને એટલું હસવું.
આ આખી વાતનો સાર એટલો કે કોઇપણ સંવાદને રોચક બનાવવા માટે જિજ્ઞાસા અનિવાર્ય છે. તમને જો કશું જાણવા-સમજવામાં રસ ન હોય, તો એ સંવાદ બહુ જલ્દી ખતમ થઈ જાય. તમારી વચ્ચે જો બોલવા-વિચારવા માટે વિષયો ન હોય તો તમે શું વાત કરો અને કેટલી કરો? સંબંધો પ્રેમના આધારે નહીં, સંવાદોના આધારે જીવતા
રહે છે.
બૌદ્ધિક વ્યક્તિ એને કહેવાય જેનામાં દુનિયા કેવી રીતે કામ કરે છે તે જાણવાની જિજ્ઞાસા અને તે સમજણને વધુ બહેતર બનાવવાની વૃતિ હોય. બૌદ્ધિક એ નથી જેને બહુ આવડે છે, બૌદ્ધિક એ છે જેનામાં બહુ જાણવાની જિજ્ઞાસા છે. બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે બોલ-બોલ કરવાની મજબૂરીને બદલે સાંભળવાની ધીરજનો સંબંધ હોય, ત્યારે તેમની વચ્ચે ઉત્તમ સંવાદ સધાય. ખાલી બોલવાનું હોય ત્યારે તેના કેન્દ્રમાં માત્ર આપણે જ હોઈએ છીએ, સાંભળવાની તૈયારી હોય ત્યારે સામેની વ્યક્તિ કેન્દ્રમાં હોય છે. ઈગો બોલે, વિનય સાંભળે.
જ્યારે બે વ્યક્તિ બોલતી હોય, ત્યારે કોઈ સાંભળતું નથી. જ્યારે બે વ્યક્તિ સાંભળતી હોય, ત્યારે બધું જ સંભળાય અને સમજાય છે. જેનામાં સાંભળવાની તૈયારી હોય તેનામાં જ સમજવાની ક્ષમતા હોય છે. કોઈને સાંભળવું એ મનનું પોઝ બટન છે. મન ત્યારે સક્રિય રહીને સાંભળવામાં ખલેલ નથી પાડતું. સમજવા માટેની આ પૂર્વશરત છે. આપણે કોઈની વાતને ત્યારે જ સમજી શકીએ, જ્યારે આપણે તેને વિના અવરોધે ગ્રહણ કરીએ. એટલા માટે શ્રવણશક્તિ પણ ગ્રહણશક્તિ કહેવાય છે.
જો બે વ્યક્તિ સાંભળવાને બદલે બોલ-બોલ કરે, તો તેમાં માત્ર પોતાના વિશે જ કહેવાનું હોય છે. જ્યારે બંને બાજુ ઉત્તમ શ્રોતા હોય, ત્યારે તેઓ એકબીજાને બહેતર ઢંગથી સમજી શકે છે, અને કલાકો સુધી વાતોનો પ્રવાહ ખળખળ વહેતો રહે છે. જે સંવાદમાં થાકી જવાતું હોય, તેમાં મન સતત સ્પીડ ડાયલ પર હોય છે. જે સંવાદમાં સાંભળવાની મજા આવતી હોય, તેમાં મન શાંત થઈ જાય છે. ડાહ્યા લોકોથી અજ્ઞાની ઈમ્પ્રેસ ના થાય, જાણકાર હોય તે જ થાય. અજ્ઞાની તો જીજાનથી અજ્ઞાનનો બચાવ કરે. જાણકારો સવાલો વધુ પૂછે, જ્યારે અજ્ઞાની પાસે દરેક બાબતના જવાબો હોય.
એવા લોકો સાથે ટાઈમ ના બગાડવો, જેમનામાં ભિન્ન દૃષ્ટિકોણ સ્વીકારવા માટે જરૂરી કલ્પનાશક્તિનો અભાવ હોય. તમે તેમની સાથે ગમે તેટલી ચર્ચા કરો, એ કાયમ ‘સાચા’ જ રહેવાના. તેમને તમારી વાતમાં ત્યાં સુધી જ રસ પડે, જ્યાં સુધી તે તેમને તેમની ‘સચ્ચાઈ’ કહેવાનો (અને તમને જુઠા સાબિત કરવાનો) મોકો પૂરો પાડે. બુદ્ધિશાળી વ્યક્તિની અસલી કસોટી એ પોતાની ભૂલ કે ગેરમાન્યતા સ્વીકારવા માટે કેટલી સક્ષમ છે, તેમાં છે. પોતાના વિચારો પ્રત્યે ઈમોશનલ ઓબ્સેસન ના હોય, તેવા લોકો સાથે સંવાદ કરવો એ જીવનનો સૌથી સુખદ અનુભવ છે. ઓપન માઈન્ડ એટલે કોઈપણ વિચાર કરવાની ક્ષમતા નહીં, બલ્કે કોઇપણ પ્રતિવિચારને સ્વીકારવાની તૈયારી.
“બિલ ગેટ્સ લખે છે, એ દિવસે અમે વાતોમાં એવા ગરકાવ થઇ ગયા હતા કે કલાકો નીકળી ગયા. બફેટે પોતે કેટલો મોટો ઇન્વેસ્ટર છે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો ન હતો. તેમણે બહુ નમ્રતાથી પોતાની વાત કરી હતી. એ હસમુખા હતા, પણ મને જે વાત અસર કરી ગઈ તે એ હતી કે તેમને દુનિયા વિશેની એકદમ સ્પષ્ટ સમજ હતી. મને નવું નવું જાણવા-સમજવામાં બહુ રસ છે અને હું પહેલીવાર એક એવા માણસને મળ્યો હતો જેનામાં બિઝનેસને લઇને સાફ દ્રષ્ટિકોણ હતો.