સ્ટ્રીમિંગ કોન્ટેન્ટ અને સોન્ગ્સના સંબંધનું સરવૈયું

મેટિની

ઓટીટી પ્લેટફોર્મ્સ પર લોકો ગીતો જુએ છે કે નહીં?

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

વેબ શૉ ‘ગ્રહણ’માં ૧૯૮૪ના સમયગાળાની વાત છે. તેના એક દૃશ્યમાં સુભાષ ઘાઈ દિગ્દર્શિત ફિલ્મ ‘હીરો’ થિયેટરમાં ચાલી રહી છે. ફિલ્મમાં ‘તું મેરા જાનુ હૈ’ ગીત વાગી રહ્યું છે અને વેબ શૉની નાયિકા એ ગીતની મજા માણી રહી છે. નાયક તેને દૂરથી જોઈ રહ્યો છે, પણ ત્યાં જ ગીત પૂરું થાય છે અને તેને નાયિકાના ચહેરા પર નિરાશા જોવા મળે છે. નાયક થિયેટરની બહાર નીકળી જાય છે અને થોડીવારે પાછો પ્રવેશે છે. તે જુએ છે તો સ્ક્રીન પર પેલું ગીત ફરી દર્શાવાઈ રહ્યું છે. નાયક નાયિકાને પાછો ગીતની મજા માણતા જોઈને ખુશ થાય છે કેમ કે તેણે પોતે જ પ્રોજેક્શન રૂમમાં જઈને પાછું પેલું ગીત દર્શાવવા માટે કહ્યું હોય છે.
ભારતીય સિનેમાના ગીતો આવી અનેક રીતે દર્શકોના મધમીઠા પ્રસંગોમાં સ્થાન ધરાવતા હોય છે, પણ આપણે જે દૃશ્યની વાત કરી એમાં બે અલગ-અલગ માધ્યમ અને ફોર્મેટના મનોરંજનની વાત છે કે જેમાં ગીતોની હાજરી એક અલગ જ પડાવ પર ઊભી છે. છેલ્લા ઘણાં વર્ષોથી અને ખાસ કરીને કોરોનાકાળથી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ લોકોના મનોરંજનનું એક નવું અને મજબૂત સરનામું બન્યું છે, પણ વર્ષોથી ચાલતા આ માધ્યમ અને દાયકાઓથી ચાલતા થિયેટરના માધ્યમના મનોરંજનના પ્રકારમાં અનેક તફાવત છે. એમાંથી એક તફાવત એટલે કે ગીતો.
સીધી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી પવન કૃપલાણી દિગ્દર્શિત ફિલ્મ ‘ભૂતપોલીસ’ (૨૦૨૧)માં એકપણ ગીત નહોતું. જયારે એ ફિલ્મ તો કમર્શિયલ કૉમેડી ડ્રામા ફિલ્મ હતી, જે જોનર વર્ષોથી થિયેટરમાં ગીતો સાથે જ ચાલે છે. પણ ગીતો ન હોવાનું કારણ? કારણ ફક્ત એક- ઓટીટી રિલીઝ! (હા, તેમાં એક પ્રમોશનલ ગીત હતું જે ફક્ત ઍન્ડ ક્રેડિટ્સ સાથે જ દેખાડવામાં આવેલું.) કાશ્વી નાયર દિગ્દર્શિત સરદાર કા ગ્રાન્ડસન’ (૨૦૨૧)માં પણ એકપણ ગીત નહોતું. ઓટીટી પ્લેટફોર્મ્સ પર ફિલ્મ્સ અને શૉઝના આવા ઘણાં ઉદાહરણો જોવા મળે છે.
ઓટીટી પર જે વેબ શૉઝ કે ફિલ્મ્સ રિલીઝ કરવામાં આવે છે તેમાં દર્શકોની માનસિકતા, તેમના સમય અને જોવાની પદ્ધતિ પરથી જોનરની પસંદગી અને મેકિંગ ફિલ્મમેકર્સ નિર્ધારિત કરતાં હોય છે. થિયેટરના બિગ સ્ક્રીન એક્સપિરિયન્સ માટે બનતા ખાસ વિઝ્યુઅલ્સવાળા રોમાન્સ કે એક્શન જોનર્સના બદલે ઓટીટી પર ક્રાઈમ, કૉમેડી કે સસ્પેન્સ થ્રિલર્સ વધુ જોવા મળે છે. અને એમાં ગીતોની હાજરી પણ ઓછી જોવા મળે છે. વિચારો કે તમે બસ કે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને કોઈ ક્રાઈમ શૉ જોઈ રહ્યા છો અને તેમાં વચ્ચે એકાદ ગીત ટપકી પડે તો? આજના યુવાવર્ગને આ પ્રકારના શોઝમાં ગીતોની હાજરી અડચણરૂપ લાગે છે. ફિલ્મની પબ્લિસિટીમાં આજ સુધી ગીતોનો ખૂબ ઉપયોગ થતો આવ્યો છે. પણ ઓટીટી પર રિલીઝ કરવામાં આવતા કોન્ટેન્ટ પાછળ ફિલ્મમેકર્સ દ્વારા ઘણું એનાલિસિસ કરવામાં આવતું હોય છે. દર્શકવર્ગ ઓટીટી અને થિયેટરને અલગ જ નજરથી જુએ છે. તેમને આકર્ષવા ઓટીટી માટે ગીતોની આવશ્યકતા ઓછી છે એ મેકર્સને ખબર જાણે છે એનો છેલ્લાં ઘણાં કોન્ટેન્ટ પરથી ખ્યાલ આવે છે. થિયેટરની સરખામણીએ હવે શું જોવું અને કેટલું જોવું એ મુખ્યત્વે ફોન યુઝર્સના હાથની વાત છે (લિટરલી). એટલે મેકર્સ હવે નથી ઈચ્છતા કે ઓટીટી ક્રાઈમ ડ્રામામાં પરાણે ગીત ઘુસાડીને તેને ફાસ્ટ ફોર્વર્ડનો શિકાર બનાવવામાં આવે. જૂના લિપ સિન્કિંગ ગાયબ થયાં પછી તો થિયેટર ફિલ્મ્સમાં લવ સોન્ગ્સ પણ બેકડ્રોપમાં જ સ્થાન જાળવી રાખીને ખુશ છે. એમાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર દર્શકોનો કંટ્રોલ વધુ હોવાથી તેમની પસંદને યોગ્ય કોન્ટેન્ટ આપવાનું પ્રેશર ચોક્કસ જ હોવાનું. અમુક પ્રમોશનલ સોન્ગ્સ પણ મેકર્સ હવે ફિલ્મના અંતે સુધ્ધાં દેખાડવાના બદલે ખાલી પ્રમોશન પૂરતા જ રાખવા લાગ્યા છે.
ગીતોની સંખ્યા ઓછી હોવાનું એક બીજું કારણ ઓટીટી પર રિલીઝ થતાં શૉઝ અને ફિલ્મ્સના ઓછું બજેટ સ્કેલ પણ ખરું. ગીતોના મેકિંગ અને તેના પ્રમોશનમાં સામાન્યપણે બજેટનો મોટો હિસ્સો વપરાતો હોય છે, એથી જ્યાં ગીતોની જરૂર જ ઓછી જણાતી હોય ત્યાં તેની પાછળ ખોટો ખર્ચ ન કરવો એવું આજકાલના મેકર્સ માને છે. ગીતોની પાંખી હાજરી પાછળનું બીજું કારણ એ પણ કે ગીતોને જેવી જગ્યા ફિલ્મ્સમાં મળે છે એવી વેબ શૉઝમાં નથી મળતી. વેબ શૉઝનું ફોર્મેટ એપિસોડિક હોય છે. થિયેટર ફિલ્મ ઈન્ટરવલ પહેલા અને પછી એમ ફક્ત બે ભાગમાં વહેંચાયેલી હોય છે, જયારે વેબ શૉઝ અનેક એપિસોડ્સમાં. એટલે ગીતોની વહેંચણી ફોર્મેટ બદલાવાથી પણ સરખી રીતે થઈ નથી શકતી.
સ્ટ્રીમિંગ શૉઝ અને ફિલ્મ્સમાં એ છતાં મ્યુઝિક તો હોય છે જ. હંસલ મહેતા અને જય મહેતા દિગ્દર્શિત ‘સ્કેમ ૧૯૯૨’ (૨૦૨૦)નું અતિ પ્રચલિત બેકગ્રાઉન્ડ થીમ મ્યુઝિક યાદ છે ને? (ઓહ! તમારી પણ રિંગટોન એ જ છે?) એવી જ રીતે પોપ્યુલર શૉ મિર્ઝાપુર’ (૨૦૧૮)નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઘણી જગ્યાએ સાંભળવા મળ્યું છે. ગીતો પણ ખ્યાતિ પામ્યા હોય તેવા અનેક ઉદાહરણો છે જ. ‘શેરશાહ’ (૨૦૨૧)ના ગીતો રાતા લંબિયા, રાંઝા, મન ભરયા, ‘અતરંગી રે’ (૨૦૨૧)નું રેત જરા સી, ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ (૨૦૧૯)નું યારા તેરી યારી જેવા ગીતોને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
પણ મનોરંજનના માધ્યમ, જોવાની રીત અને જોનરના તફાવતનો આપણો મૂળ મુદ્દો તો જેમનો તેમ જ રહે છે. ઓટીટી પર મુખ્યત્વે જે પ્રકારના શૉઝ અને ફિલ્મ્સ રિલીઝ થાય છે તેની સાથે ગીતોની જોડી દર્શકોને માફક આવતી નથી. ‘શેરશાહ’, ‘ગહરાઇયાં’, ‘લૂડો’, ‘મીમી’ આ બધી ફિલ્મ્સના ગીતો લોકોને ગમ્યા છે કેમ કે એ ફિલ્મ્સ મેઈનસ્ટ્રીમ કમર્શિયલ હિન્દી ફિલ્મ્સની એવી શ્રેણીમાં આવે છે જેમાં ગીતોનો પ્રભાવ હંમેશાંથી જોવા મળ્યો છે. તમે જયારે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સના મેઈનસ્ટ્રીમ એટલે કે ક્રાઈમ કે સસ્પેન્સ થ્રિલર શૉઝ/ફિલ્મ્સની વાત કરો ત્યારે તફાવત વધુ સરખી રીતે સમજાશે. તેનું લેટેસ્ટ ઉદાહરણ છે અક્ષય કુમાર અને રકૂલ પ્રીત સિંઘ સ્ટારર ‘કટપૂતલી’ (૨૦૨૨). એ એક સાઈકોલોજિકલ ક્રાઈમ થ્રિલર ફિલ્મ હોવા ઉપરાંત ડિરેક્ટ-ટુ-ઓટીટી પદ્ધતિથી જ હમણાં રિલીઝ થઈ છે પણ આ જોનરની સફળ ફિલ્મ્સ અને શૉઝથી વિપરીત આ ફિલ્મમાં ચાર સોન્ગ્સ છે, જેમાં લવ સોન્ગ્સ પણ છે. પોતાના સમયે, પોતાની આદત પ્રમાણે ફોન કે ટીવી પર ઓટીટી સ્ટ્રીમ કરતા દર્શકવર્ગને હાડોહાડ થ્રિલર કોન્ટેન્ટમાં આવતા લવ સોન્ગ્સ મજામાં ખલેલ પાડતાં હોય તેવું લાગે છે. પરિણામે ન તો લોકોને ગીતો પસંદ આવે કે ન તો ફિલ્મ. ‘કઠપૂતલી’ની નિષ્ફ્ળતામાં આ ફેક્ટર પણ કારણભૂત રહ્યું જ છે.
છતાં, મનોરંજન દેવના આશીર્વાદથી મ્યુઝિક અને ગીતો ફિલ્મ્સ અને શૉઝનો હિસ્સો એક અથવા બીજી રીતથી રહેશે જ, પણ સમય સાથે એમાં ફેરફારો થતાં રહેવાના. આવનારા સમયનો ઘણો આધાર ફિલ્મ મેકર્સ કોન્ટેન્ટ અને મ્યુઝિકનો મેળ એકબીજા સાથે કેવી રીતે કરે છે તેના પર જ રહેવાનો!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.