(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોવા એ મુંબઇના લોકો માટેનું પ્રિય પર્યટન સ્થળ છે. બે-ત્રણ દિવસની રજા પડી નથી કે લોકો ગોવા ઉપડી જતા હોય છે. જોકે, રોડ માર્ગે મુંબઇથી ગોવા પહોંચવામાં ટ્રાફિકની ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે, પણ હવે મુંબઈ-ગોવા નેશનલ હાઈવે પરના ટ્રાફિકની સમસ્યાનો બહુ જલદી અંત આવવાનો છે. અત્યંત વ્યસ્ત કહેવાતા આ હાઈવેનું એક લેનનું કામ મે, ૨૦૨૩ના અંત સુધીમાં તો બીજી લેનનું કામ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં પૂરું થવાનું છે. વિધાન પરિષદમાં પ્રશ્નોત્તર કાળ દરમિયાન કરવામાં આવેલા સવાલમાં સાર્વજનિક બાંધકામ પ્રધાન રવિન્દ્ર ચવ્હાણે માહિતી આપતા કહ્યું હતું કે મુંબઈથી ગોવા નેશનલ હાઈવેનું કામ પ્રગતીએ છે. છેલ્લા દસ વર્ષથી આ કામ ચાલી રહ્યું છે, જેમાં જમીન સંપાદનને બાબતે રહેલી અડચણને દૂર કરીને કામ બહુ જલદી પૂરું કરવામાં આવવાનું છે. પનવેલથી ઈંદાપૂર રસ્તાનું કામ પૂરું થયા બાદ પનવેલથી કાસૂ રસ્તા માટે ૧૫૧ કરોડ રૂપિયા તો કાસૂથી ઈંદાપૂર રસ્તા માટે ૩૩૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ કામ માટે બે અલગ અલગ ઍજન્સી નિમવામાં આવી હોઈ તેમના મારફત કામ ચાલી રહ્યું છે. આ રસ્તાનું કામ સમયસર પૂરું કરવા માટે ડ્રોન બેસાડવામાં આવ્યા છે, રોજના કામનો અહેવાલ લેવામાં આવી રહ્યો છે.