આનંદો! મુંબઈનું આવતા વર્ષ સુધીની પાણીની ચિંતા ટળી, જળાશયોમાં ૯૯.૩૨ ટકા પાણી જમા થયું, બે વર્ષ બાદ ભાતસા છલકાયું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં ૯૯.૩૨ ટકા પાણી જમા થઈ જતા મુંબઈગરાની આવતા વર્ષ સુધીની પાણીની ચિંતા મટી ગઈ છે. મુંબઈ સહિત રાજ્યમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થતા મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતમાંથી ચાર જળાશયો સંપૂર્ણપણે છલકાઈ ગયાં છે. જ્યારે બાકીનાં ત્રણ જળાશય પણ ગમે ત્યારે છલકાઈ જાય એવી શક્યતા છે. મુંબઈને ૫૦ ટકાથી પણ વધુ પાણી પૂરું પાડનારું ભાતસા પણ બે વર્ષ બાદ તેની પૂર્ણ ક્ષમતાએ એટલે કે ૧૦૦ ટકા ભરાયું છે.

મંગળવારે સવારના છ વાગે સાતેય જળાશયોમાં ૧૪,૩૭,૪૬૭ મિલિયલ લિટર જેટલો પાણીનો સ્ટોક જમા થયો હતો, જે લગભગ ૯૯.૩૨ ટકા કહેવાય. આ દરમિયાન મુંબઈ સહિત થાણે જિલ્લામાં વરસાદ સતત ચાલુ જ રહ્યો હોવાને કારણે બહુ જલદી તમામ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ જશે એવો વિશ્ર્વાસ પાલિકાના પાણીપુરવઠા ખાતાએ વ્યક્ત કર્યો હતો.

મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો કરવા માટે પહેલી ઑક્ટોબરનાં સાતેય જળાશયમાં ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હોવો આવશ્યક છે, તેની સામે મંગળવારે સવારનાં ૧૪,૩૪,૪૬૭ મિલિયન લિટર જેટલું પાણી જમા થઈ ગયું છે. ગયા વર્ષે આ જ સમયે સાતેય જળાશયમાં ૧૪,૧૪,૩૫૦ મિલિયન લિટર તો ૨૦૨૦ની સાલમાં ૧૪,૧૬,૪૯ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક હતો.

મંગળવારે સવારના સાતમાંથી ચાર જળાશયો મોડક, ભાતસા, વિહાર અને તુલસીમાં ૧૦૦ ટકા પાણીનો સ્ટોક જમા થઈ ગયો હતો. હવે માત્ર ત્રણ તળાવ છલકાવાના બાકી છે. ચોમાસું ફરી સક્રિય થયું છે અને થાણે જિલ્લા સહિત મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે, તેથી બહુ જલદી આ છલકાઈ જશે એવું માનવામાં આવે છે.

એક મહિનામાં ચાર જળાશય છલકાયા
મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયમાંથી મોડક સાગર સૌથી પહેલા ૧૩મી જુલાઈએ બપોરના ૧.૦૪ વાગે, તાનસા ૧૪ જુલાઈના રોજ રાતના ૮.૫૦ વાગે, તુલસી ૧૬ જુલાઈના સાંજે ૫.૪૫ વાગે અને વિહાર તળાવ ૧૧ ઑગસ્ટના સવારના ૫.૩૦ વાગે છલકાયું હતું.

ભાતસા બે વર્ષે છલકાયું
મુંબઈને ૫૦ ટકાથી પણ વધુ પાણીપુરવઠો કરનારું અને થાણેમાં આવેલું ભાતસા મંગળવારે સવારના છલકાઈ ગયું હતું. મંગળવારે સવારના છ વાગે ભાતસામાં ૭,૧૭,૦૩૭ મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટોક એટલે કે ૧૦૦ ટકા જમા થયો હતો. ૯થી ૧૨ સપ્ટેમ્બરના સવારના છ વાગ્યા સુધીમાં ભાતસામાં ૮૬ મિ.મી. જેટલો વરસાદ પડ્યો હતો અને તળાવ ૧૦૦ ટકા છલકાઈ ગયું હતું. ગયા વર્ષે ૧૨ સપ્ટેમ્બરના ભાતસામાં ૭,૦૬,૮૮૬ મિલિયન લિટર એટલે કે ૯૮.૫૮ ટકા જેટલું પાણી હતું. તો ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ના ભાતસામાં ૭,૦૨,૪૯૬ મિલિયન લિટર એટલે કે ૯૭.૯૭ ટકા પાણીનો સ્ટોક જમા હતો.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં ૭૦ ટકા ઓછો વરસાદ પડ્યો હતો અને સાતેય જળાશયના તળિયા દેખાવા માંડ્યા હતા. તેથી પાલિકાનું ટેન્શન વધી જતા તેમણે ૨૭ જૂનથી મુંબઈમાં ૧૦ ટકા પાણીકાપ લાદી દીધો હતો. સદ્નસીબે પાણીકાપ લાગુ કરવાના ૧૦ દિવસની અંદર જળાશયોના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડ્યો હતો અને પાણીની સપાટીમાં લગભગ ૨,૩૪,૦૦૦ મિલિયન લિટર જેટલો વધારો થયો હતો. તેથી ૮ જુલાઈના પાલિકા પ્રશાસને પાણીકાપ રદ કર્યો હતો.

મુંબઈ મહાનગરપાલિકા મુંબઈને મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા જે મુંબઈની બહાર થાણે જિલ્લામાં આવેલા છે, તેમાંથી તેમ જ મુંબઈમાં આવેલા વિહાર અને તુલસી જળાશયમાંથી દરરોજ ૩,૮૫૦ મિલિયન લિટર જેટલો પાણીપુરવઠો કરે છે. એ સાથે જ પાલિકા થાણે, ભિવંડી અને નિઝામપુર મહાપાલિકાને પણ દરરોજ ૧૫૦ મિલિયન લિટર જેટલું પાણી પૂરું પાડે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.