રિજેક્શન સે ડર કૈસા?!

લાડકી

સ્પેશિયલ -દીપ્તિ ધરોડ

રિજેક્શન એ એક એવી વસ્તુ છે કે જેનાથી દરેક વ્યક્તિને ડર લાગે છે, પછી એ રિજેક્શન કોઈ પણ પ્રકારનું હોઈ શકે, જેમ કે જોબ ઈન્ટરવ્યુમાં રિજેક્શન, ફ્રેન્ડશિપમાં રિજેક્શન, મનગમતી કોલેજમાં એડમિશન ન મળવું વગેરે વગેરે… પણ આ બધામાંથી જો સૌથી વધુ કોઈ રિજેક્શન દુ:ખ પહોંચાડતું હોય તો તે છે રિલેશનશિપમાં મળતું રિજેક્શન… રિજેક્શનનો ડર જ તમને જીવનમાં આગળ વધતાં અટકાવે છે. રિજેકશનનો ડર એ આપણામાંથી ઘણા લોકોને હોય છે અને તે ડર આપણને જીવનમાં પાછળ ધકેલી દે છે. એવું લાગે છે કે જાણે આપણા ડીએનએમાં કંઈક એવું છે, જેનો આપણે સામનો કરવા માગતા નથી, પણ તેમ છતાં જીવનમાં દરેક મુશ્કેલીનો સામનો તો કરવો જ પડેને? એટલે આ રિજેક્શનના ગમમાંથી ઊભરવા માટે એક રિજેક્શન થેરપી ડેવલપ કરવામાં આવી છે અને આ થેરપી દરમિયાન જ રિજેક્ટ થવાના ડરને દૂર કરવા માટે રોજની ૩૦ ચેલેન્જ રાખવામાં આવે છે. આ ચેલેન્જનું ટાર્ગેટ જ હોય છે કે રિજેક્શન… આમાં, તમારે કોઈ વિચિત્ર ઈચ્છા સાથે કોઈ અજાણી વ્યક્તિ પાસે જવું પડશે અને રિજેક્શનમાંથી પસાર થવું પડશે અને તમારી જાતને મજબૂત બનાવવી પડશે.
આ થેરપી લઈ રહેલી અમેરિકાની ૪૦ વર્ષીય જિયા જિયાંગે ચેલેન્જના પહેલા દિવસે જ એક અજાણી વ્યક્તિ પાસેથી ૧૦૦ ડોલર માગ્યા હતા. તેની આ હરકતથી આશ્ર્ચર્યચકિત માણસે ના પાડી અને ચૂપચાપ જિયાંગે તેનો આભાર માન્યો અને પાછો ગયો. સ્કૂલના દિવસોના કડવા અનુભવને કારણે જિયાંગના મનમાં એક ડર બેસી ગયો હતો, જે રિજેક્શન થેરપીથી દૂર થઈ ગયો. જિયાંગે વારંવાર એવું લક્ષ્ય રાખ્યું કે જેનો તેને ડર હતો અને પોતાની જાતને મજબૂત બનાવી. તે કહે છે કે રિજેક્શનથી ક્યારેય બચી શકાતું નથી, તેને ટાળશો નહીં અને વ્યક્તિગત રીતે તો જરા પણ લેશો નહિ. આપણે વારંવાર રિજેક્શનનો સામનો કર્યા બાદ પોતાની જાતને દોષી માની લઈએ છીએ અને જો આપણો સ્વીકાર કરવામાં આવે તો આપણે આપણી જાતને યોગ્ય માની લઈએ છીએ. જોકે આ ફક્ત એક અભિપ્રાય છે તેને સિરિયસ લેવાની જરૂર નથી.
તેમનું કહેવું છે કે રિજેક્શન થેરપીમાં પણ તેમના અજીબોગરીબ આગ્રહને ઘણી વખત સ્વીકારવામાં આવ્યો હતો. આ વાત પરથી તે સ્વીકારે છે કે ઘણી વાર ફક્ત પૂછવાથી જ આપણે જીવનનાં અનેક સપનાંઓ સાકાર કરી શકીએ છીએ. આપણે ઘણી વાર રિજેક્શન પછી પોતાની જાત વિશે ખરાબ વિચારવા લાગીએ છીએ, પરંતુ હકીકતમાં લગભગ દરેક વ્યક્તિ સારી હોય છે.
યુ.એસ.માં ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ માઈકલ સ્ટેઈન ‘રિજેક્શન થેરપી’ વિશે કહે છે કે રિજેક્શનની સ્થિતિ અને સામાજિક ચિંતાની સ્થિતિ બંને એક જ સમાન હોય છે. એક્સપોઝર થેરપીથી ૧૪ વર્ષથી એન્ક્ઝાઇટી ડિસઓર્ડરની સારવાર કરી રહેલા સ્ટેઇનનું કહેવું છે કે આ સારવાર સંશોધન પર આધારિત છે. જ્યારે તમને ચિંતા કે ડર મહેસૂસ થાય ત્યારે તમે તે સમય પર જે કંઈ પણ કરો છો, તે સમય માટે તે ખૂબ જ અસરકારક હોય છે, પરંતુ બીજી વાર આવી પરિસ્થિતિ તમારાં ડર અથવા ચિંતામાં વધારો કરે છે. એક્સપોઝર થેરપી તેને અસ્વસ્થ સ્થિતિ માટે મજબૂત અને સહનશીલ બનાવે છે.
સોશિયલ સાઇકોલોજિસ્ટ નાઓમી આઇઝનબર્ગરે લોકોમાં રહેલા રિજેક્શનના ડરને શોધવા માટે એક રમત રમાડી અને FMRI સ્કેનરથી અભ્યાસ કર્યો. સામાજિક પ્રવૃત્તિમાં તેમની સંડોવણી અને બાકાત રાખવાનાં પરિણામો રસપ્રદ હતાં. આ પ્રવૃત્તિથી અલગ રહેવા પર તેમના મગજનો એ ભાગ સક્રિય જોવા મળ્યો કે જે શારીરિક પીડા દરમિયાન એક્ટિવ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.