નિકલની આગેવાની હેઠળ વિવિધ ધાતુઓમાં ઘટાડો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓની પડતરોમાં વધારો થવાથી ભાવ દબાણ હેઠળ રહ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ મુખ્યત્વે નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતા ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭નો ઘટાડો આવ્યો હતો. તેમ જ નિકલની આગેવાની હેઠળ કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ ઝિન્ક સ્લેબ અને ટીનમાં પણ નિરસ માગ અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨થી ૮નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે માત્ર લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકારોની માગને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચનો અને રૂ. ૨નો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલી અને ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૧૭ ઘટીને રૂ. ૧૮૭૩, કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૮ ઘટીને અનુક્રમે રૂ. ૬૬૭, રૂ. ૬૫૨ અને રૂ. ૭૦૧, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૭ ઘટીને રૂ. ૬૬૧, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને અનુક્રમે રૂ. ૬૦૫ અને રૂ. ૫૨૨, ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને રૂ. ૨૦૯૭ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૩૨૪ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે માત્ર લીડ ઈન્ગોટ્સમાં સ્ટોકિસ્ટોની લેવાલી અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૧૯૫ અને રૂ. ૪ વધીને રૂ. ૪૭૮ના મથાળે રહ્યા હતા, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૧૬૪ અને રૂ. ૨૧૮ના મથાળે ટકેલા રહ્યા હતા.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.