સિસોદિયા પર રેડ, કેજરીવાલે ખુલાસા કરવા જોઈએ

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

અંતે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને ત્યાં સીબીઆઈની રેડ પડી ગઈ. શુક્રવારે સવારે જન્માષ્ટમીના સપરમા દાડે સીબીઆઈની ટીમે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે પહોંચીને તપાસ ચાલુ કરી દીધી. દિલ્હીમાં વિવાદનું કેન્દ્ર બનેલી શરાબને લગતી નવી એક્સાઇઝ પોલિસીનો મુદ્દો મથતી જ હતી. આજે નહીં તો કાલે સિસોદિયા કેન્દ્રીય એજન્સીઓની ઝપટે ચડશે એ નક્કી હતું તેથી આ દરોડાથી કોઈને આશ્ર્ચર્ય થયું નથી. લિકર નીતિમાં ભ્રષ્ટાચારને લગતી તપાસના સંદર્ભમાં સિસોદિયાના દિલ્હી સચિવાલયમાં એ વિંગમાં આવેલા સત્તાવાર નિવાસસ્થાન ઉપરાંત બીજાં ઠેકાણે પણ દરોડા પડ્યા છે. કુલ સાત રાજ્યોમાં દરોડા પડાયા હોવાનું કહેવાય છે.
યોગાનુયોગ શુક્રવારે જ અમેરિકાના ટોચના અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સે મનીષે સિસોદિયાના ફોટો સાથે પહેલા પાને દિલ્હીના એજ્યુકેશન મોડલની પ્રંશસા કરીને દિલ્હીમાં આવેલી શિક્ષણ ક્રાંતિ વિશે મોટો લેખ પ્રસિદ્ધ કર્યો હતો. આ લેખ પ્રસિદ્ધ થયાના કલાકોમાં સીબીઆઈની ટીમે ધડબડાટી બોલાવી દીધી. સીબીઆઈની ટીમે સિસોદિયાના ઘર ઉપરાંત એક્સાઈઝના ડેપ્યુટી કમિશનર આનંદ તિવારી, તત્કાલીન એક્સાઈઝ કમિશનર અરવા ગોપી કૃષ્ણ ઉપરાંત એક્સાઈઝ અધિકારીઓ કુલજીત સિંહ, સુભાષ રંજનનાં ઘરે પણ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ લિકર પોલિસી કૌભાંડ અંગે જે એફઆઈઆર નોંધી તેમાં સૂત્રોના સિસોદિયા ઉપરાંત આ ૪ અધિકારીના નામ હોવાથી સીબીઆઈ તેમને ત્યાં પણ દરોડા પાડશે એ નક્કી હતું.
સીબીઆઈની ટીમ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે પહોંચી એ સાથે જ આ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. એક તરફ આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજકીય ક્ધિનાખોરીનો આક્ષેપ કર્યો તો બીજી તરફ મોદી સરકાર વતી અનુરાગ ઠાકુરે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી દીધો. ઠાકુરનું કહેવું છે કે, મુખ્યમંત્રી કેજરીવાલની સરકાર ખુલ્લી પડી ગઈ છે અને ભ્રષ્ટ વ્યક્તિ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાના ગમે તેટલા પ્રયત્ન કરે પણ તેનાં પાપનો ઘડો છલકાયા વિના નહીં રહે. દિલ્હીમાં દારૂની દુકાનોના લાઈસંસ આપવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેનો ઘડો હવે છલકાય છે.
આમ આદમી પાર્ટી વતી રાજ્યસભાના સાંસદ સંજય સિંહે હુંકાર કર્યો કે અરવિંદ કેજરીવાલ ત્રણ વખત દિલ્હીના મુખ્યમંત્રી બન્યા, પંજાબ ગયા તો પંજાબમાં પણ પ્રચંડ બહુમતી સાથે આમ આદમી પાર્ટીની સરકાર બની હતી. કેજરીવાલનું શિક્ષણ અને સ્વાસ્થ્યનું મોડલ દેશભરમાં વખણાઈ રહ્યું છે. દેશમાં કેજરીવાલના નામે લોકો આપ સાથે લોકો જોડાઈ રહ્યા છે, તેમણે ૨ દિવસ પહેલા ભારતને વિશ્ર્વમાં નંબર વન બનાવવાનું અભિયાન શરૂ કર્યું તેમાં દેશના દરેક ભાગમાંથી લોકો જોડાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીજીના ગુજરાતમાંથી પણ જોરદાર સમર્થન મળી રહ્યું છે.
સંજયસિંહનો દાવો છે કે, કેજરીવાલ એક પછી એક ચૂંટણી જીતી રહ્યા છે, તેમની લોકપ્રિયતા વધી રહી છે તેથી મોદીજીને ઊંઘ નથી આવતી. કેજરીવાલને રોકવા શિક્ષણ અને આરોગ્યના મોડલને કઈ રીતે અટકાવવું તેની તેમને ચિંતા છે તેથી દરોડા પાડે છે પણ કેજરીવાલ કે તેમનું શિક્ષણ-સ્વાસ્થ્યનું મોડલ બંનેમાંથી કોઈ નહીં અટકે. મોદી સરકારે પહેલાં મોહલ્લા ક્લિનિકના મોડલને રોકવા આરોગ્ય મંત્રીને જેલમાં ધકેલી દીધા. હવે શિક્ષણ મંત્રીને જેલમાં ધકેલી દેવાની તૈયારીઓ ચાલી રહી છે પણ કેજરીવાલ નહીં રોકાય, આમ આદમી પાર્ટી નહીં ઝૂકે. સીબીઆઈએ ફોન લઈ લીધો એ પહેલાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને આ જ વાતો કરી હતી. અરવિંદ કેજરીવાલે પણ એ જ વાતો દોહરાવી છે.
ભાજપ અને આમ આદમી પાર્ટી જે વાતો કરી રહી છે એ રાજકીય પક્ષોને અનુરૂપ છે તેથી તેને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી પણ સીબીઆઈના દરોડા પડ્યા એ મુદ્દો મહત્ત્વનો છે અને આમ આદમી પાર્ટીએ જે પણ આક્ષેપો થઈ રહ્યા છે કે આરોપો મુકાયા છે તેનો ખુલાસો કરવો જ જોઈએ. એ તેની નૈતિક ફરજ છે ને રાજકીય ક્ધિનાખોરીના બહાને એ ફરજનો કેજરીવાલ સરકાર નજરઅંદાજ ના કરી શકે.
આમ આદમી પાર્ટી સરકારે આ મુદ્દે લોકોને ગળે ઊતરે એવો ખુલાસો કરવો જ જોઈએ કેમ કે આ નીતિ પાછી ખેંચીને એ શંકાના દાયરામાં આવી ગઈ છે. સિસોદિયાને ત્યાં દરોડા પડ્યા પછી એ ભલે પોતાનો બચાવ કરે પણ લિકર પોલિસી લાગુ કરાઈ અને પછી પાછી ખેંચી લેવાઈ એ જોતાં કેજરીવાલ સરકાર સાવ દૂધે ધોયેલી હોવાનો દાવો કરી શકે તેમ જ નથી. લેફ્ટનન્ટ ગવર્નરના કારણે નુકસાન ગયું ને નીતિ પાછી ખેંચી લેવી પડી એવો ખુલાસો કેજરીવાલ સરકારે કર્યો છે પણ તેની વિગતો લોકોને આપવી જોઈએ.
દિલ્હી સરકાર ૨૦૨૦ના મે મહિનામાં નવી લિકર પોલિસી લાવી હતી અને આ નીતિ નવેમ્બર ૨૦૨૧થી લાગુ કરવામાં આવી હતી પણ આઠ મહિનામાં જ આ નીતિ પાછી ખેંચી લેવી પડી. આ દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા અને દિલ્હીના ચીફ સેક્રેટરીના તપાસ રિપોર્ટમાં કેજરીવાલ સરકાર પર ૪ કાયદાના ભંગનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.
ચીફ સેક્રેટરી નરેશ કુમારના રિપોર્ટમાં દાવો કરાયો છે કે, લિકર પોલિસી લાગુ કરતાં પહેલાં પ્રસ્તાવિત પોલિસીને કેબિનેટ સમક્ષ રજૂ કરીને મંજૂરી લેવી પડે અને મંજૂરી મળે પછી તેને મંજૂરી માટે લેફ્ટનન્ટને મોકલવી પડશે. જો કે, આ પ્રક્રિયા અપનાવવામાં આવી નથી. રિપોર્ટમાં ૪ નિયમોનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જીએનસીટીડી એક્ટ ૧૯૯૧, ટીઓબીઆર ૧૯૯૩, દિલ્હી એક્સાઇઝ એક્ટ ૨૦૦૯ અને દિલ્હી એક્સાઇઝ રૂલ્સ ૨૦૧૦નો ભંગ કરાયાનો આરોપ દિલ્હી સરકારના ચીફ સેક્રેટરીએ જ મૂક્યો છે. કેજરીવાલ સરકારે આ તમામ મુદ્દાનો વિગતવાર ખુલાસો કરવો જોઈએ.
સીબીઆઈ દૂધે ધોયેલી નથી. તેનું કામ જ સરકારમાં બેઠેલાં લોકોના તળવાં ચાટીને સત્તાધીશોના રાજકીય હરીફોને પરેશાન કરવાનું છે. આ સીબીઆઈનો ઈતિહાસ છે ને તેને કંઈ પણ કહો, કોઈ ફરક પડતો નથી પણ આમ આદમી પાર્ટીની ઈમેજને ચોક્કસ ફરક પડે છે. આમ આદમી પાર્ટીએ પોતાની સ્વચ્છ સરકારની ઈમેજ બચાવવા પણ લોકોને સંતોષકારક ખુલાસા કરવા જ જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.