બિહારમાં રેડ, વિપક્ષના નેતા જ કેમ અડફેટે ચડે છે?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

બિહારમાં બુધવારે નીતીશ કુમાર સરકાર વિશ્ર્વાસનો મત લેવાની હતી ને એ પહેલાં જ કેન્દ્ર સરકારની બે એજન્સીઓ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)
અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે વહેલી સવારથી બિહારમાં ધામા નાંખી દીધા, દરોડા શરૂ કરી દીધા.
બિહારની સાથે સાથે દિલ્હી, ઝારખંડ અને તમિલનાડુમાં પણ દરોડા પડ્યા છે. બિહારમાં સીબીઆઈએ મોરચો સંભાળ્યો તો દિલ્હી, ઝારખંડ અને તમિલનાડુમાં ઈડીની ટીમો ફરી વળી છે. આ ચારેય રાજ્યોમાં ભાજપ વિરોધી પક્ષોની સરકાર છે એ કહેવાની જરૂર નથી.
સીબીઆઈ અને ઈડીની અલગ અલગ ટીમો બિહારમાં ફરી વળી અને નીતીશકુમાર સરકારમાં ભાગીદાર રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ચાર નેતાઓના ઘરે દરોડા પાડીને તેમને
લપેટમાં લઈ લીધા છે. સીબીઆઈની ઝપટે ચડનારા
નેતાઓમાં આરજેડીના ખજાનચી ને વિધાન પરિષદના સભ્ય સુનીલ સિંહ, વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય સુબોધ રોય, રાજ્યસભા સાંસદો ફૈયાઝ અહમદ અને અશફાક કરીમનો સમાવેશ થાય છે.
આપણા માટે આ બહું મોટાં નામ નથી પણ બિહારના રાજકારણમાં આ મોટાં નામ છે, લાલુ પ્રસાદ યાદવના ખાનદાન સાથે વરસોથી વફાદારી નિભાવતા આ ધુરંધરો છે. રેલવે ભરતી કૌભાંડના સંદર્ભમાં આ દરોડા પડ્યા છે. બિહારમાં લાલુ પ્રસાદ યાદવ તથા તેમની નજીકનાં લોકોએ જમીનના બદલામાં રેલવેમાં ભરતીના નામે બહું મોટું કૌભાંડ કર્યું હોવાનો કેસ બહું
પહેલાં નોંધાયેલો. આ કેસના સંદર્ભમાં વરસો પછી સીબીઆઈ જાગી છે.
બિહારમાં રીયલ એસ્ટેટ ડેવલપર અબુ દોજાનાના ઘરે પણ રેડ પડી છે. દોજાનાની કંપની પટણામાં એક મોલનું નિર્માણ કરી રહી છે. આ મોલ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવનો હોવાનું કહેવાય છે. સીબીઆઈ અને ઈડીની ધમાધમી વચ્ચે બિહારના જ ભાગલપુરમાં ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર રાજેશ વર્માના ઘરે ઇન્કમટૅક્સે દરોડા પાડ્યા છે. રાજેશ વર્મા પણ આરજેડીના નેતા છે.
બીજી તરફ ઝારખંડમાં ખનિજોની લીઝ આપવાના કહેવાતા કૌભાંડમાં પણ દિલ્હી, ઝારખંડ અને તમિલનાડુમાં કુલ મળીને ૧૭ સ્થળે ઈડીએ દરોડા પાડી દીધા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પોતાનાં ખનિજની ખાણોની લીઝ આપવામાં ભારે ગોટાળા કર્યા હોવાનો કેસ નોંધાયેલો છે. આ કેસમાં સોરેનનું ધારાસભ્યપદ રદ થાય એવા પણ અણસાર છે. ઈડી જેમને ત્યાં ત્રાટકી છે તેમાં હેમંત સોરેનના નજીક મનાતા પ્રેમ પ્રકાશ પણ છે.
સીબીઆઈ અને ઈડીની રેડના પગલે રાજકીય આક્ષેપબાજી પાછી શરૂ થઈ ગઈ છે. આરજેડીનું કહેવું છે કે, ભાજપ અમારાથી ડરી ગયો છે તેથી દરોડા પાડીને અમને દબાવવા માગે છે. લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યે તો સીબીઆઈની કાર્યવાહી મુદ્દે ભાજપને બળાત્કારી પાર્ટી પણ ગણાવીને કહ્યું કે, વિધાનસભામાં વિશ્ર્વાસના પહેલાં જ ભાજપ સાવ હલકટાઈ પર ઉતરી આવ્યો છે અને પોતાના પાલતુ જાનવરોને ડરાવવા માટે મોકલી દીધા છે. રાજદે પણ હુંકાર કર્યો છે કે, આ બધું ભાજપના ઈશારે થઈ રહ્યું છે પણ હમ બિહારી હૈં, ટિકાઉ હૈં, બિકાઉ નહીં…
ભાજપ દરોડાની કામગીરીને રુટિન ગણાવે છે. ભાજપનું કહેવું છે કે, સીબીઆઈ કે ઈડી અમારા ઈશારે કામ કરતાં નથી પણ જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે તેમની સામે કાર્યવાહી કરે છે. જે લોકો બૂમાબૂમ કરે છે એ બધાંને જેલમાં જવાનો ડર લાગે છે, પોતાનાં પાપ છાપરે ચડીને પોકારશે તેનો ડર લાગે છે તેથી કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગની વાતો કરે છે.
ભાજપ બચાવ કરે છે એ સ્વાભાવિક છે કેમ કે કેન્દ્રમાં તેની સરકાર છે. બીજું એ કે, જે લોકોને ત્યાં દરોડા પડાય છે એ બધા પણ કંઈ દેવના દીકરા નથી કે દૂધે ધોયેલા નથી. એ બધા પણ કૌભાંડી છે ને લોકોના પૈસા ચાઉં કરીને બેઠેલા છે તેથી તેમને સીબીઆઈ, ઈડી કે ઈન્કમટૅક્સ લપેટમાં લે તેમાં જરાય અફસોસ કરવા જેવો નથી. એ લોકો પોતાનાં કર્યાં જ ભોગવી રહ્યા છે ને વાસ્તવમાં દરોડા તો કંઈ જ નથી. તેમનાં પાપ જોતાં એ લોકો જેલની સજાને જ લાયક છે પણ સવાલ એ છે કે, વિપક્ષના નેતા જ કેમ નિશાને ચડે છે? ભાજપના નેતા કેમ કોઈ કેન્દ્રીય એજન્સીની અડફેટે ચડતા નથી?
ભાજપના નેતાઓનાં પણ કેટલાંય કૌભાંડો બહાર આવે જ છે. જે રાજ્યોમાં ભાજપની સરકારો છે એ રાજ્યોમાં ભાજપના નેતા જ પોતાના મંત્રીઓ સામે બેફામ બોલે છે, ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે. કર્ણાટકમાં બસવરાજ બોમ્માઈની સરકારમાં ૪૦ ટકા કમિશન આપ્યા વિના બિલ પણ પાસ થતાં નથી એવા આક્ષેપ ભાજપના જ કાર્યકરે કરેલા ને પછી તેની રહસ્યમય સંજોગોમાં હત્યા થઈ ગયેલી.
હમણાં ગુજરાતમાં બે ટોચના મંત્રીઓ પાસેથી મહત્ત્વનાં ખાતાં છિનવી લેવાયાં. બંનેએ બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું ભાજપના જ નેતા બોલ્યા. એક મંત્રીએ તો લાંચના ૨૦ કરોડ ઘરભેગા કરેલા. પાર્ટીને ખબર પડતાં પાર્ટીના ભંડોળમાં આ રકમ જમા કરાવી હોવાની વાતો પણ બહાર આવી. આ બધા લોકો કેમ કોઈ એજન્સીની અડફેટે ચડતા નથી કે તેમનાં કુકર્મોનો કોઈ હિસાબ કેમ નથી માંગતું એ મોટો સવાલ છે.
બીજું એ કે, કોઈપણ મહત્ત્વની રાજકીય ઘટના કે ચૂંટણી નજીક આવે ત્યારે જ કેમ કેન્દ્રીય એજન્સીઓને શૂરાતન ચડી જાય છે? હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે ને આમ આદમી પાર્ટી જોરશોરથી મચેલી છે. એ જ વખતે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને ત્યા દરોડા પડાયા એ શું સૂચવે છે? ઘણા બધા કેસોમાં તો સીબીઆઈ કે ઈડી વરસો લગી કશું કરતી નથી ને પછી અચાનક સક્રિય થઈ જાય છે. દરોડા પાડે છે, લોકોને ઉઠાવીને અંદર કરી નાંખે છે. આ બધું અકારણ તો નથી જ.
ભાજપ સરકાર જે કંઈ કરી રહી છે એ નવું નથી. કૉંગ્રેસ પાસે સત્તા હતી ત્યારે તેણે પણ એ જ કરેલું તેથી ભાજપને જ દોષ ના દઈ શકાય પણ અફસોસ એ જ વાતનો થાય કે, આપણને ઊંચાં નૈતિક મૂલ્યો ધરાવતા શાસકો જ નથી મળતા. પોતાના રાજકીય હરીફોની અનૈતિકતામાં હરિફાઈ કરનારા નમૂના જ મળે છે.

1 thought on “બિહારમાં રેડ, વિપક્ષના નેતા જ કેમ અડફેટે ચડે છે?

  1. Ever heard a case in India of a ruling party taking action against one of its own? Maybe the only way to be really impartial would be to make Justice Department independent of governmental ambit as it is in US. However when a politician is investigated he/she cries foul even though they may have prima facie case against them. Some even continue to protest their innocence even after being convicted by courts. Newspapers also write this in terms that obfuscate the matter.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.