લાલ લાલ મરચું ભારતીય ભોજનની શાન ગણાય છે

ઇન્ટરવલ

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

ભારતને વિવિધતામાં એકતાનો દેશ ગણવામાં આવે છે. વળી ભારતીય વાનગીનો સ્વાદ આજે દુનિયાભરના લોકોને દાઢે વળગ્યો છે. તેમાં સ્વાદિષ્ટ વાનગીમાં લાલ મરચાંનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યાર બાદ ભારતીય ભોજન પોતાના દેખાવથી ભોજન રસિયાના દિલમાં આગવું સ્થાન બનાવી દે છે. ભારત મરચાંના ઉત્પાદનમાં, તેના વપરાશમાં તથા તેની નિકાસમાં પ્રથમ સ્થાન ધરાવે છે. વળી મજૂરી કરીને પેટ ભરતા લોકો માટે મરચાંનું ભોજનમાં આગવું સ્થાન જોવા મળે છે. આખાં મરચાં કે લસણની લાલ ચટ્ટાક ચટણીની સાથે જુવાર-મકાઈનો રોટલો તેમને દિવસભર કામ કરવાનું બળ પૂરું પાડે છે.
ભારતમાં મરચાંનું ઉત્પાદન ૭,૯૨,૦૦૦ હૅક્ટરમાં થાય છે. તેમાં સૌથી વધુ ઉત્પાદન આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં જોવા મળે છે. માર્ચ-એપ્રિલ માસની શરૂઆતમાં બજારમાં મરચાંનો પાક મોટા પાયે ખડકાય છે. મરચાંની ખેતી માટે બીજની વાવણી ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં કરવામાં આવે છે. વળી પાકની લણણી માર્ચ-એપ્રિલ માસમાં કરવામાં આવે છે, તેથી જ ગુજરાતી ગૃહિણી માર્ચ મહિના બાદ તાજાં મરચાંને પિસાવીને આખા વર્ષ માટે ભરી લે છે. ભારતમાં પ્રતિ વર્ષ મરચાંનું કુલ ઉત્પાદન ૧૩,૭૬,૦૦૦ મિલિયન ટનથી પણ વધુ થાય છે. તેમાંથી ૭૦ ટકા પાકનો ઉપયોગ ભારતીય રસોડામાં કરવામાં આવે છે. ફક્ત ૩૦ ટકા પાકની નિકાસ કરવામાં આવે છે.
ભારતમાં લાલ મરચાંની વિવિધતા પણ અનેક જોવા મળે છે. ઓછાં તીખાંથી મધ્યમ તથા અતિશય તીખાશ ધરાવતાં મરચાં સરળતાથી બજારમાં ઉપલબ્ધ છે. મરચાંના રંગમાં પણ વિવિધતા જોવા મળે છે, જેમ કે આછો લાલ કે ઘેરો લાલ. લાલ મરચાંની વિવિધ વરાઈટી પણ બજારમાં ઉપલબ્ધ છે, જેમ કે સનમ, તેજા, સેરથા, બ્યાડગી, વન્ડર હૉટ, ટોમેટો ચિલીસ, મંડું. લાલ મરચાંનો ઉપયોગ ભોજનની સાથે કૉસ્મેટિક્સ, ક્ધફેક્શનરી, ફાર્માસ્યુટિકલ્સ, ખેતરની રખેવાળી, પેઈન્ટ મેન્યુફ્ેક્ચરિંગ, લિકર તથા આત્મરક્ષા માટે એક હથિયાર ‘ચિલી પૅપર સ્પ્રે’ તરીકે કરવામાં આવે છે.
લાલ મરચાંને વિવિધ ભાષામાં વિવિધ નામે ઓળખવામાં આવે છે, જેમ કે સંસ્કૃતમાં લંકા, કટુવીરા, રક્તમરિચ, પિત્તકારિણી, હિન્દીમાં લાલ મિર્ચી, ક્ધનડમાં મેનાસિન કે હંસિમેનસુ, ગુજરાતીમાં મરચું, બંગાળીમાં લંકા મોરિચ-ગાછમિરાપ કાયા, નેપાળીમાં ખુસીની, તમિળમાં સિલાગે મિલાગઈ, મરાઠીમાં લાલ મિર્ચ કે મુલુક, અરબીમાં ફિલફિલી અહમર વગેરે ગણાવી શકાય.
———-
મરચાંમાં મળતી મુખ્ય જાતિ
કાશ્મીરી લાલ મરચું: નામ પ્રમાણે કાશ્મીરમાં ઊગે છે. દેખાવમાં લાલ હોવાને કારણે તે કોઈ પણ વાનગીને આકર્ષક બનાવી દે છે, જે સ્વાદમાં ઓછું તીખું હોય છે.
ગંટુર લાલ મરચું: આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લામાં મોટા પાયે તેનું ઉત્પાદન થાય છે. કાશ્મીરી લાલ મરચાંની સરખામણીમાં તે સ્વાદમાં અત્યંત તીખું હોય છે. ભારતનાં સૌથી તીખાં મરચાં તરીકે ઓળખાય છે. તેનો રંગ ઘેરો લાલ કે મરૂન જોવા મળે છે.
બ્યાડગી: કર્ણાટક રાજ્યમાં આ મરચાંનું ઉત્પાદન મોટા પ્રમાણમાં જોવા મળે છે. તે દેખાવે લાલ હોવા છતાં સ્વાદમાં બહુ તીખું નથી.
બોરિયા: આ મરચાં દેખાવમાં મોટાં બોર જેવાં હોય છે. તેનો આકાર પણ આકર્ષક લાગે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે વઘારમાં, સૂપ કે કરી બનાવવામાં થતો હોય છે
શંખેશ્ર્વરી: મહારાષ્ટ્રના શંખેશ્ર્વરમાં ઉત્પાદન કરવામાં આવતું હોવાથી તેનું નામ શંખેશ્ર્વરી પડ્યું છે. તે સ્વાદમાં અત્યંત તીખું હોય છે.
સેરથા રેશમ પટ્ટી: ગુજરાતના ગાંધીનગરથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા સેરથા પરગણા ગામમાં ખાસ કાળજી લઈને સૂકવાતાં રેશમ પટ્ટી મરચાંનો ઉપયોગ ગૃહિણી દ્વારા વર્ષભરના અથાણામાં ખાસ કરવામાં આવે છે.
——–
લાલ મરચાં વિશે અવનવું
* લાલ મરચું મૂળ ભારતની પેદાશ નથી. તેને ભારતમાં ૧૫મી સદીમાં પોર્ટુગીઝ દ્વારા લાવવામાં આવ્યું હતું.
* મરચું ખાઈ લીધા બાદ તીખું લાગે તો પાણી પીવાને બદલે દહીં ખાવાથી ઝડપી રાહત મળે છે.
* મરચાંની ખરીદી કરતી વખતે અત્યંત સૂકું હોય તેવું ખરીદવું નહીં.
——-
આખાં લાલ મરચાં-ટામેટાં-લસણની સ્વાદિષ્ટ ચટણી
સામગ્રી: ૬-૭ નંગ આખાં લાલ મરચાં, ૧ નંગ ટામેટું, ૬-૭ કળી લસણ, સ્વાદ પ્રમાણે મીઠું
બનાવવાની રીત: મરચાંને ૧૦ મિનિટ હૂંફાળા પાણીમાં પલાળી રાખવાં. લસણ તથા ટમેટાંના નાના ટુકડા કરીને મિક્સર ગ્રાઈન્ડરમાં નાખવા. મરચાંને પાણીમાંથી બહાર કાઢીને મિક્સરમાં નાખવાં. સ્વાદાનુસાર મીઠું ભેળવીને ચટણી બનાવી લેવી. આ ચટણી ઢોસા-ઢોકળાં-સૅન્ડવિચ-પરોઠાં કે રોટલા સાથે સ્વાદિષ્ટ લાગે છે.
———
લાલ મરચું ખાવાના વિવિધ સ્વાસ્થ્યવર્ધક લાભ
* પાચનક્રિયાને સુધારવામાં મદદરૂપ: લાલ મરચાંનો આહારમાં ઉપયોગ કરવાથી પાચનતંત્રમાં ગેસ્ટ્રિક રસને અલગ કરીને તેનું પાચન ઝડપી બનાવે છે. કબજિયાતની તકલીફથી છુટકારો મળે છે. પેટમાં કૃમિ કે બૅક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. ગેસની તકલીફમાં મરચાંનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવાથી રાહત મળે છે.
* બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે: લાલ મરચાંમાં પોટેશિયમની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. પોટેશિયમ ધમનીમાં ફરતા લોહીના પ્રેશરને જાળવી રાખવામાં મદદ કરે છે. વળી મરચાંમાં કેપ્સાસિન નામક સત્ત્વ પણ સમાયેલું છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. લોહીનું પરિભ્રમણ સુધારવામાં પણ કેપ્સાસિન અગત્યની ભૂમિકા ભજવે છે.
* શરીરનાં અંગોમાં થતા દુખાવામાં રાહતરૂપ: મરચાંમાં સમાયેલું કેપ્સાસિન નામક સત્ત્વ શરીરમાં થતા દુખાવામાં રાહત આપે છે. વળી મસલ્સ કે સ્નાયુમાં થતા દુખાવામાં પણ મરચાંનું સેવન ગુણકારી ગણાય છે.
* વજન નિયંત્રણમાં રાખવામાં લાભદાયક: આહારતજ્જ્ઞો પણ લાલ મરચાંનું સેવન પ્રમાણભાન રાખીને આહારમાં કરવાનું સૂચવે છે. મરચાંમાં રહેલું કેપ્સાસિન નામક સત્ત્વ ભૂખને ઘટાડવાની સાથે ચયાપચયની ક્રિયાને મજબૂત બનાવે છે. વળી શરીરમાં જમા થયેલી ફેટને ઓગાળવાનું કામ કરે છે.
* યાદશક્તિ વધારવામાં ઉપયોગી: મરચાંમાં આયર્નની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. એને કારણે શરીરમાં રક્તસંચાર સુચારુરૂપે થવા લાગે છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થવાને કારણે મગજનું કામ સારી રીતે ચાલવા લાગે છે, જેથી યાદશક્તિ વધવાની સાથે વ્યક્તિની વિચારવાની શક્તિ, યાદ રાખવાની શક્તિ, આડકતરા લાગતા પ્રશ્ર્નોને ઝડપથી સુધારવાની શક્તિ, નિર્ણયશક્તિમાં સુધારો થવા લાગે છે.
* રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ: લાલ મરચાંમાં વિટામિન સીની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. વિટામિન સી શરીરની આંતરિક શક્તિને વધારવામાં મદદ કરે છે. શરીરમાં ફેલાયેલા રોગને કે કોઈ પણ પ્રકારના ચેપને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. મરચાંનું સેવન કરવાથી શરીરમાં કૅન્સર જેવી બીમારીથી બચી શકાય છે.
* આંખોની તંદુરસ્તી વધારવામાં લાભદાયક: એક ચમચી મરચામાં શરીરને જરૂરી ૯ ટકા વિટામિન સમાયેલાં છે. વળી તેમાં વિટામિન એની માત્રા પણ સમાયેલી છે. વિટામિન એ આંખોનું તેજ વધારવા માટે તથા આંખોની રોશની જાળવી રાખવામાં મદદ કરે છે. આંખોના રોગ થવાથી વ્યક્તિને બચાવે છે. રતાંધળાપણાની તકલીફમાં મરચાંનું સેવન ગુણકારી ગણાય છે.
* કૅન્સરના જોખમને નિયંત્રણમાં રાખે છે: લાલ મરચાંનું સેવન પ્રમાણભાન રાખીને કરવાથી કૅન્સરના જોખમથી પણ બચી શકાય છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઈન્ફર્મેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક વૈદ્યકીય સંશોધન મુજબ લાલ મરચાંમાં રહેલું કેપ્સાસિન નામક સત્ત્વ ફેફસાંના કે ગેસ્ટ્રિક કૅન્સરને કોશિકામાં બનતાં રોકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.