Red Alert! આવતી કાલે ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

આપણું ગુજરાત

છેલ્લાં બે-ત્રણ દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ખમૈયા કર્યા છે ત્યારે ફરી એક વાર અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પાકિસ્તાન તરફના દરિયામાં લો પ્રેશર એક્ટિવ થયું છે જે આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચી શકે છે. એટલે 23થી 27 જુલાઈ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં 23 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે 24 તારીખે જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાર અને ખેડા જિલ્લામાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે વરસાદનું જોર ફરી એક વાર વધે તેવી ભારોભાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.
આ વર્ષે ગુજરાતમાં અત્યાર સુધી 20.25 ઈંચ વરસાદ વરસ્યો છે એટલે કે રાજ્યમાં 60 ટકા કરતાં વધુ વરસાદ વરસી ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અત્યારસુધી નોંધાયો છે. ત્યારે આજથી મેઘરાજા ઉત્તર ગુજરાતને ધમરોળશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.