(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય (રાણીબાગ)માં રવિવારે નવા વર્ષના પહેલાં જ દિવસે વિક્રમજનક ૩૨,૮૨૦ પર્યટકોએ મુલાકાત લીધી હતી, તેના થકી પાલિકાને ૧૩,૭૮,૭૨૫ રૂપિયાની આવક થઈ હતી.
વીરમાતા જિજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલયના નૂતનીકરણ કરીને અહીં વિવિધ પ્રજાતિના પક્ષી, પ્રાણી લાવવામાં આવ્યા છે. એ સાથે જ પૅંગ્વિને પણ નાનાં બાળકો સહિત મોટા લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. ફક્ત મુંબઈના જ નહીં પણ દેશભરમાંથી આવનારા પર્યટકોમાં પણ રાણીબાગનું ઘેલું લાગ્યું છે.
કોવિડકાળ દરમિયાન બંધ રાખવામાં આવેલા પ્રાણીબાગને ફરી પર્યટકો માટે ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. પર્યટકોની વધતી સંખ્યાની સાથે પાલિકાની આવકમાં પણ વધારો થયો છે. શનિવાર-રવિવાર તથા સાર્વજનિક રજાના દિવસે રાણીબાગમાં આવતા પર્યટકોની સંખ્યામાં વધારો થતો હોય છે. નવા વર્ષના પહેલાં દિવસે રવિવારના મોટી સંખ્યામાં પર્યટકોએ મુલાકાત લીધી હતી.
રાણીબાગના અધિકારના કહેવા મુજબ મોટી સંખ્યામાં પર્યટકોને રાણીબાગમાં ભીડ કરી મૂકતા મહિલાઓ માટે અલગથી ટિકિટ માટે લાઈનની વ્યવસ્થા કરવી પડી હતી. તેમ જ ભીડ વધવાને કારણે ધક્કામુક્કીની શક્યતાને જોતા વધારાના સુરક્ષા રક્ષકોને તહેનાત કરવામાં આવ્યા હતા. લોકોની એટલી ભીડ થઈ હતી કે લાઈન રસ્તા સુધી પહોંચી ગઈ હતી.