લોકસભામાં શિવસેનાના જૂથનેતા રૂપે શેવાળેને માન્યતા: શિંદેનો દાવો

દેશ વિદેશ

નવી દિલ્હી: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકસભામાં શિવસેના જૂથના નેતા તરીકે રાહુલ શેવાળેના નામ પર સ્પીકર ઓમ બિડલાએ મંજૂરીની મહોર મારી હોવાનો દાવો કર્યો હતો. શિંદેએ પ્રસારમાધ્યમોના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકસભામાં શિવસેનાના ૧૯ સાંસદોમાંથી ૧૮ સાંસદો અમારી સાથે છે. એ ૧૮ સાંસદોમાંથી એક જણનું નામ સંસદીય પક્ષના નવા નેતા તરીકે અને એક જણનું નામ શિવસેના જૂથના નવા ચીફ વ્હીપ તરીકે મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હતું.
મંગળવારે શિવસેનાના ૧૨ સાંસદોની સ્પીકર સમક્ષ પરેડ કરાવવામાં આવી હતી. જોકે બે તૃતીયાંશથી વધુ સંસદસભ્યો કે વિધાનસભ્યો હોય તો જ અલગ જૂથ તરીકે માન્યતા આપવાના નિયમ અનુસાર ૧૩ સાંસદો શિંદે જૂથની જોડે હોય તો જ તેને ગૃહમાં અલગ જૂથ તરીકે માન્યતા આપી શકાય, એવા નિયમને પગલે ૧૯માંથી ૧૩ સાંસદો શિંદે જૂથમાં જોડાય તો જ તેમને વિભક્ત જૂથ તરીકે માન્યતા અપાય એવી જોગવાઈ છે.
અગાઉ શિવસેના સંસદીય પક્ષના નેતા બદલવાની માગણી સાથે એ પક્ષના ૧૨ સાંસદો મંગળવારે લોકસભાના સ્પીકર ઓમ બિડલાને મળ્યા હતા. એ ૧૨ સાંસદોમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંતનો પણ સમાવેશ હતો. લોકસભામાં શિવસેના જૂથના હાલના નેતા વિનાયક રાઉતે હરીફ જૂથની કોઈપણ રજૂઆત પર ધ્યાન નહીં આપવાના અનુરોધનો પત્ર સ્પીકર ઓમ બિડલાને સુપરત કર્યા પછી ૧૨ બળવાખોર સાંસદો બિડલાને મળ્યા હતા.
ઓમ બિડલાને મળવા ગયેલા શિંદે જૂથના ૧૨ લોકસભા સદસ્યોમાંથી એક હેમંત ગોડસેએ જણાવ્યું હતું કે લોકસભાના ૧૨ સભ્યો સ્પીકર ઓમ બિડલાને મળ્યા હતા અને તેમને ગૃહમાં શિવસેના સંસદીય પક્ષના નેતાપદેથી વિનાયક રાઉતને હટાવીને તેમની જગ્યા પર રાહુલ શેવાળેને નિયુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. વિનાયક રાઉતે સોમવારે રાતે સ્પીકરને સુપરત કરેલા પત્રમાં જણાવ્યું હતું કે મને શિવસેના સંસદીય પક્ષના નેતાપદે ઔચિત્યપૂર્વક નિયુક્ત કરવામાં આવ્યો છે અને ગૃહમાં શિવસેનાના ચીફ વ્હીપનો હોદ્દો રાજન વિચારે સંભાળે છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.