કવર સ્ટોરી -અભિમન્યુ મોદી
(ભાગ – ૧)
દુનિયાની આઠ અબજ વસ્તી છે. એમાંથી ચાર અબજ કરતાં વધુ મનુષ્યો પુરુષ છે. કોઈ જાહેર સભાને સંબોધન કરવાનું હોય ત્યારે લેડીઝ અને જેન્ટલમેન એવું બોલવામાં આવે છે. એ સંબોધન પાછળ આશય એવો છે કે લેડિઝ તો આદર્શ હશે જ એવું સ્વીકારી લેવામાં આવ્યું છે પણ ત્યાં હજાર પુરુષોમાંથી બધા જેન્ટલમેન હશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. કારણ કે બધા મેન જેન્ટલમેન હોતા નથી. આપણાં સમાજની અવ્યવસ્થા કે અસ્થિરતા કે ગુનાખોરી મોટાભાગે પુરુષોને આભારી છે. સમાજમાં ભયનો માહોલ પણ મોટા ભાગે ખરાબ પુરુષોને આભારી છે. છેલ્લા થોડા દાયકાઓથી ગુનેગારોમાં સ્ત્રીઓ હોય છે, પરંતુ હજુ પણ ખરાબ કામો, ખોટાં કામો, ગુનાખોરી પુરુષો જ આચરે છે. માટે દરેક છોકરો મોટો થઈને જેન્ટલમેન બને એ અપેક્ષિત છે. દરેક પુરુષ વધુ સારો પુરુષ બને એ આજના સમયની માગ છે.
હવે કાયદાનો ડર લાગે છે માટે પુરુષો મનમાં જે તરંગો ઊઠે કે મેલી ઈચ્છાઓ થાય તેને અંજામ આપતા નથી. જો કાયદાતંત્ર અને પોલીસ સિસ્ટમ ન હોત તો સારા ગણાતા પુરુષોએ પણ કેવા કેવા કારનામા કર્યા હોત તેની કલ્પના કરી શકાય. એક કહેવત પ્રચલિત છે કે એવરી મેન ઇઝ અ ડોગ. મોટા ભાગે આ કહેવત સ્ત્રીઓ જ બોલતી હોય છે. ભલે અતિશયોક્તિ હશે આ કહેવતમાં પણ દરેક છોકરા કે પુરુષની જવાબદારી છે કે તેના સંસર્ગમાં આવતી સ્ત્રીની આ માન્યતા પોતાના વ્યક્તિત્વ અને વર્તનથી બદલે. ઓફિસ હોય કે પડોશ, પુરુષનું વ્યક્તિત્વ અને વાણી – વર્તન – વ્યવહાર – આચાર એવા હોવા જોઈએ કે કોઈ પણ સ્ત્રી તે પુરુષની સાથે એકદમ કમ્ફર્ટેબલ ફીલ કરે. હવે એવા આદર્શ જેન્ટલમેન બનવું કેમ? આ રહ્યા અમુક મુદ્દાઓ – જેનો અમલ કરો અને મેનમાંથી જેન્ટલમેન બનો.
————–
તાકવાનું બંધ કરો
હા. ભલે પુરુષ એ વાતને નકારે પણ કુદરતી રીતે પણ એનાથી સ્ત્રી સામે તાકીને જોવાઈ જતું હોય છે. કોઈ સુંદર, દેખાવડી કે સેક્સી લાગતી સ્ત્રી સામે જરૂર કરતાં વધુ સમય ત્રાસી નજરથી કોઈ પણ ઉંમરના પુરુષો જોઈ લેતા હોય છે. વાહન ઉપર જતી હોય કે દૂર ક્યાંય ઊભી હોય તો પણ વડીલો મોઢું ફેરવી ફેરવીને તે સ્ત્રી સામે કે તેના શરીર સામે એક નજર કરી લેતા હોય છે. શક્ય છે કે આવું અર્ધજાગૃતપણે થતું હોય – તો પણ આ ખોટું જ છે. જાતને એટલી કેળવવી પડે કે ગમે તેવી સેક્સી લેડી સામે આવીને ઊભી રહે કે તેણે ગમે તેટલા ટૂંકા કપડાં પહેર્યા હોય, એના શરીર સામે તો નજર ના જ જવી જોઈએ. આવી સ્ત્રી સાથે જો વાત કરવાની થાય તો સાચા જેન્ટલમેનની નજર એમના ચહેરા ઉપર જ હોવી જોઈએ એ પણ એકધારી નહીં જ. સ્ત્રીના ચહેરા સામે જોવાની પણ એક ડીસન્સી હોવી જોઈએ, એક મેનરીઝમ હોવી જોઈએ. સ્ત્રી કોઈ વસ્તુ નથી કે ખાવાની ડીશ નથી કે મનગમતું ભોજન જોઈને મોંમાં પાણી આવે. એ એક માણસ છે અને માટે પુરુષની નજરમાં તેને જોતી વખતે કે એની સાથે વાત કરતી વખતે પણ એક આદરભાવ હોવો જ જોઈએ.
બની શકે કે કોઈ સ્ત્રી લોસ એન્જલસની ક્લબમાં સ્ટ્રીપટીઝ ડાન્સ કરીને નગ્ન થઈ રહી હોય. શક્ય છે કે મુંબઈના કોઈ બારમાં તે ઓછા કપડાં પહેરીને ડાન્સ કરી રહી હોય. શક્ય છે કે રેડ લાઈટ એરિયામાંથી પણ પસાર થવાનું થાય અને ત્યાં કોલ ગર્લ્સ સામેથી બોલાવવાના ઈશારા કરતી હોય. શક્ય છે કે તમે ગોવાના બીચ ઉપર હોવ, યુરોપના કોઈ ન્યૂડ બીચ ઉપર પણ હો જ્યાં બધા સંપૂર્ણ નગ્ન અવસ્થામાં ફરતા હોય. ગમે તેવી સ્થિતિમાં કોઈ પણ સ્ત્રી ઓછા, વધુ કે શૂન્ય કપડામાં હોય તો પણ એ સ્ત્રીનું ઓપન આમંત્રણ નથી બની જતું. પુરુષને કોઈ હક્ક નથી આવી સ્ત્રીની પરવાનગી વિના તેની નજીક પણ જવાનો. નજીક જવાની વાત તો દૂર રહી પણ કોઈ પણ અવસ્થામાં રહેલી સ્ત્રી સામે નજર બગાડીને ખરાબ રીતે જોવું એ જેન્ટલમેનની નિશાની નથી. ઇમરાન હાશ્મીએ ‘મર્ડર’ ફિલ્મના શૂટિંગ સમયે મલ્લિકા શેરાવતને બિકિની પોઝમાં ગંદી રીતે જોયું હશે? આજે ઇન્ડસ્ટ્રીમાં એ કલાકારની છાપ જેન્ટલમેન તરીકેની છે. આ જ દરેક પુરુષે શીખવાનું છે. સ્ત્રીના કપડાં કે એના દેખાવ કે અંગ ઉપાંગના આકારને કારણે પુરુષ એને તાકી રહે એ યોગ્ય નથી જ નથી. આ ભારતના સંસ્કાર નથી.
જેટલી તકલીફો પુરુષને એની લાઇફમાં છે એવી જ કંઇક કે જુદી તકલીફો એ સ્ત્રી પણ એની જિંદગીમાં અનુભવતી હશે અથવા તો પડકારો ઝીલીને આ સ્ટેજ સુધી પહોંચી હશે. કોઈ સ્ત્રી દેખાવડી હોય કે પૈસાદાર હોય એનો મતલબ એ હરગીઝ નથી કે એમણે કોઈ તકલીફોનો સામનો નહીં કર્યો હોય. સ્ત્રી પહેલા માણસ છે એ દરેક જેન્ટલમેન યાદ રાખે. કોઈ ભારતીય સ્ત્રીના ફેવરિટ એક્ટરના લિસ્ટમાં શક્તિ કપૂર નહીં હોય. છેડખાની ફક્ત શારીરિક નથી હોતી. દૂર ઊભા ઊભા પણ સ્ત્રીની સતામણી થઈ શકે છે. જેન્ટલમેન ક્યારેય એવું કરે નહીં. જાણીતી સ્ત્રી હોય કે અજાણી યુવતી, નાની ઉંમરની છોકરી હોય કે મોટી ઉંમરના આંટી – જેન્ટલમેન તેની સામે બહુ જ અદબપૂર્વક જોશે. ટુંકમાં, સ્ત્રીઓને ટગર ટગર જોવાનું બંધ કરો.
————-
સ્ત્રી ઉપર દોષારોપણ બંધ કરો
આ મોટાભાગના સારા ઘરના કહેવાતા પુરુષોને આદત હોય છે. પોતાના વાંકનો ટોપલો સ્ત્રી ઉપર ઢોળી દેવો. ઓફિસે મોડું થયું – વાઇફે ટિફિન મોડું આપ્યું એટલે. હોમવર્ક ન થયું – મમ્મીએ ન કરાવ્યું એટલે. ભાઈબંધ સાથે સંબંધ બગડ્યો – બહેને સરસ મહેમાનગતિ ન કરી એટલે. પોતાનું કામ ન પૂરું થયું – પત્નીના આગ્રહથી સાસરે વ્યવહાર નિભાવવા જવું પડ્યું એટલે. સ્ટોપ ધિસ બ્લેમ ગેમ. સ્ત્રીઓ દોષારોપણ માટે નથી.
દોષ ઢોળી નાખવા માટે નજીકની સ્ત્રી હાથવગી રહે છે. નાના છોકરાને પણ આદત પડી જાય છે મમ્મીનો વાંક કાઢવાની કે બહેન ઉપર બ્લેમ નાખવાની. અમુક પિતાશ્રીઓ તો ક્યારેક દીકરી ઉપર પણ વાંક ઢોળી દેતા હોય છે. આ લખનારે એની સગી આંખે જોયું છે કે દીકરીએ એના પિતા પાસે બહાર લઈ જવાની જીદ કરી અને થોડી વાર પછી એમના પિતા ઉપર એમના બોસનો ફોન આવ્યો અને બોસે તેમને ખખડાવ્યા હશે તો બધો ગુસ્સો દીકરી ઉપર ઊતર્યો! આ કેટલી જડ અને ખરાબ માનસિકતા છે. પુરુષને પોતાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવી નથી અને વળી એનો વાંક નજીક રહેલી સ્ત્રી ઉપર ઢોળવો છે? એક સાચો જેન્ટલમેન ક્યારેય આવું નહીં કરે. એ પોતાની પરિસ્થિતિને પોતાના કંટ્રોલમાં રાખશે અને ક્યારેય સ્ત્રી ઉપર દોષારોપણ નહીં કરે.
જો કે સ્ત્રી ઉપર દોષનો ટોપલો તો સ્ત્રીઓ પણ ઢોળતી હોય છે. “તારી માએ કંઈ નથી શીખવાડ્યું?! – આવું સાસુ કે જેઠાણી નવી વહુને કહેતા હોય છે. ઘણા બધા કિસ્સામાં સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન નીવડે છે અને તે દુશ્મનાવટની શરૂઆત દોષારોપણથી થતી હોય છે. કોઈ પણ સ્વતંત્ર બુદ્ધિ ધરાવતી વ્યક્તિ બીજા ઉપર બ્લેમ કરતી નથી. પરગજુ અને નબળા માણસ જ દોષારોપણનો સહારો લે. જેન્ટલમેન તો ક્યારેય નહીં.
બીજું એક દોષારોપણ પારકી સ્ત્રીઓ ઉપર થાય છે. જેમ કે બળાત્કારીઓ પોતાના જઘન્ય અપરાધનું કારણ પણ સ્ત્રીનો પહેરવેશ ગણાવતા હોય છે. રાતે રસ્તા ઉપરથી એકલી જતી સ્ત્રી ખરાબ જ હોય એવું માનનારા પુરુષો છે. ખેર, આપણે તો જેન્ટલમેનની વાત કરીએ છીએ. પણ, વાતચીતમાં કે કોઈ ડીબેટમાં પણ જેન્ટલમેન સ્ત્રી ઉપર થતાં અત્યાચાર કે છેડખાનીનું કારણ સ્ત્રીઓને ન ગણાવે. “આમાં તો છોકરીની જ ભૂલ છે કે તેણે એવા કપડાં પહેર્યાં, પછી આવું જ થાય ને- આવું વાક્ય એક જેન્ટલમેન નહીં બોલે.
(વધુ આવતા અંકે…)