દુનિયાભરમાં આજે મંદીનો માહોલ છે. વિદેશમાં અનેક આઇટી કંપનીઓ તેમના કર્મચારીઓની છટણી કરી રહી છે અને કર્મચારીઓના પગારમાં તેમ જ કંપનીના ખર્ચમાં પણ કાપ મૂકી રહી છે તેવા સમયે આઈટી અને ટેકનોલોજી સેક્ટરની ભારતની મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે જાહેર કર્યું છે કે તેઓ આ વર્ષે પણ તેમના કર્મચારીઓના પગારમાં વધારો કરશે અને આ પગાર વધારો ગયા વર્ષ જેટલો જ હશે. કર્મચારીઓને બોનસ પણ આપવામાં આવશે. નોંધનીય છે કે ટીસીએસ માં હાલમાં લગભગ છ લાખ કર્મચારીઓ છે અને કંપનીનો કર્મચારીઓની છટણી કરવાનો કોઈ ઈરાદો નથી. આ સમાચાર કર્મચારીઓના પરિવાર માટે રાહત આપનારા છે. કંપનીએ અન્ય સ્ટાર્ટઅપમાં નોકરી ગુમાવનારા કર્મચારીઓને પણ નોકરી આપવાની તૈયારી દર્શાવી છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં ટીસીએસએ લગભગ બે લાખ કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે જેમાંથી 1.19 લાખ કર્મચારીઓ તો ટ્રેઈનીના રુપમાં કામ કરે છે.