ટીન, નિકલ, લીડ અને કોપરની અમુક વેરાઈટીઓમાં પીછેહઠ

વેપાર વાણિજ્ય

મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે પુરવઠાખેંચની ભીતિ હેઠળ ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને ટીન, નિકલ, લીડ અને કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૨૦નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે માત્ર બ્રાસ શીટ કટિંગ્સ અને ઝિન્ક સ્લેબમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. બેનો સુધારો આવ્યો હતો અને અન્ય તમામ ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. તાજેતરમાં ક્રૂડતેલના ભાવવધારાની સાથે પાવરનાં ખર્ચમાં પણ વધારો થવાને કારણે યુરોપના એલ્યુમિનિયમ અને ઝિન્કના સ્મેલ્ટરો ૫૦ ટકા ક્ષમતાથી કાર્ય કરી રહ્યા હોવાથી પુરવઠાખેંચની ભીતિ સપાટી પર રહેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સતત છઠ્ઠા સત્રમાં ઝિન્કના ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ ૦.૫ ટકા વધીને ટનદીઠ ૩૨૪૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય એલ્યુમિનિયમના ભાવ ૧.૩ ટકા, કોપરના ભાવ ૦.૪ ટકા અને ટીનના ભાવ ૦.૧ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.