બળવાખોરોની મહત્ત્વાકાંક્ષાનો ક્યારેય અંત નહીં આવે…પક્ષમાં તેમના માટે દરવાજા બંધ થઈ ચૂક્યા છે: આદિત્ય ઠાકરે

આમચી મુંબઈ

અમે તમારી સાથે: એકનાથ શિંદેની આગેવાની હેઠળ શિવસેના સામે બળવો કરવામાં આવ્યા બાદ મુંબઈ સહિત વિવિધ જગ્યાએ શિવસૈનિકોએ બળવાખોર જૂથ સામે આંદોલન કર્યું હતું, ત્યારે નાલાસોપારામાં પણ મોટી સંખ્યામાં શિવસૈનિકોએ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સાથે હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ રવિવારે બળવાખોર વિધાનસભ્યોની જોરદાર ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે જરૂરિયાત કરતા વધારે મહત્ત્વાકાંક્ષા રાખવા છતાં તેનો અંત આવશે નહીં. તમામ લોકો બળવો કરશે તો પણ વિજય તો અમારો થશે. વિધાનસભાની ફરી ચૂંટણી લડવાનો આદિત્યએ પડકાર ફેંક્યો હતો. આદિત્ય ઠાકરેએ સતત બીજા દિવસે શિવસેનાના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે બળવાખોર વિધાનસભ્યો માટે રાજ્ય અને પક્ષના દરવાજા બંધ થઈ ચૂક્યા છે.
શિવસેનાના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય (૩૦)એ રવિવારે કહ્યું હતું કે ફરી ચૂંટણી યોજવામાં આવે તો પણ અમે તમને હરાવીશું.
ભારતીય જનતા પક્ષ (ભાજપ)નું નામ લીધા વિના આદિત્યએ કહ્યું હતું કે સૌથી શરમની વાત એ છે કે એક પક્ષ, જે કેન્દ્ર અને આસામમાં સત્તામાં છે અને તેમને બીજા રાજ્યના બીજા સત્તાધારી પક્ષના વિધાનસભ્યોને લઈ જઈને પૂર્વોત્તરના રાજ્યમાં રાખવામાં આવે છે, જે પૂરની ચપેટમાં આવ્યા છે. બળવાખોર વિધાનસભ્યોને કેદીઓની માફક ગુવાહાટી લઈ જવામાં આવ્યા છે અને અમારા સંપર્કમાં ૧૨થી ૧૪ વિધાનસભ્ય છે.
રાજ્યના પર્યાવરણ અને વન ખાતાના પ્રધાન આદિત્યએ કહ્યું હતું કે જ્યારે આ વિધાનસભ્ય રાજ્યની વિધાનસભામાં આવે તો અમારી આંખોમાં આંખ રાખવાની હિંમત દેખાડે અને અમને જણાવે કે અમે તેમના માટે શું કર્યું નથી. તેમના લોકોની મહત્ત્વાકાંક્ષાઓનો તો ક્યારેય અંત આવશે નહીં.
તમામ વિધાનસભ્યોને પર્યાપ્ત ભંડોળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. શિવસેના સામાન્ય જનતાનો અવાજ બની ગઈ છે, એમ આદિત્યએ જણાવ્યું હતું.
શિવસેનાના મોટાભાગના વિધાનસભ્યોએ બળવાખોર વિધાનસભ્ય એકનાથ શિંદેનું સમર્થન આપ્યું છે અને હાલમાં ભાજપશાસિત રાજ્ય આસામના ગુવાહાટીમાં પડાવ નાખ્યો છે. શિંદે અને તેમના ગ્રુપે ‘અસલી શિવસેના’નું પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કર્યો છે.
આદિત્યએ અગાઉ કહ્યું હતું કે શિવસેનામાં એકનાથ શિંદે માટે બહુ માન હતું. મેં તેમને મુખ્ય પ્રધાન બનવા અંગે જણાવ્યું હતું. મને તેમના પર દયા આવે છે. મને તેમના પર ગુસ્સો નથી. તેઓ બળવો કરીને સુરત અને પછી ગુવાહાટી જવાને બદલે થાણે અથવા મુંબઈ રહીને પણ પોતાની મહત્ત્વાકાંક્ષાઓ જાહેર કરી શક્યા હોત.
———-
વિધાનભવનનો રસ્તો વરલીથી પસાર થાય છે: આદિત્યની ધમકી

મુંબઈ: શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના કૅબિનેટ પ્રધાન આદિત્ય ઠાકરેએ બળવાખોર વિધાનસભ્યોને ખુલ્લેઆમ ધમકી આપતા રવિવારે જણાવ્યું હતું કે મુંબઈમાં ઍરપોર્ટથી લઈને વિધાનભવન સુધી જનારા રસ્તા વરલીથી પસાર થાય છે. વર્ષોથી મુંબઈમાં વરલીનો વિસ્તાર શિવસેનાનો ગઢ માનવામાં આવી રહ્યો છે, જ્યારે આદિત્ય ઠાકરે પણ ત્યાંના વિધાનસભ્ય છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રવિવારે આદિત્યએ બળવાખોર વિધાનસભ્યને ધમકી આપતા કહ્યું હતું કે ઍરપોર્ટથી લઈને વિધાનસભાનો રસ્તો વરલીથી પસાર થાય છે. એટલું જ નહીં, બળવાખોર વિધાનસભ્યો સારું થયું આસામ જતા રહ્યા, કારણ કે વિધાનસભ્યો માટે પક્ષ કે રાજ્યમાં કોઈ જગ્યા નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.