પુણેમાં ઉદય સામંતની કાર પર હુમલો, ઉદ્ધવ ઠાકરેના વફાદાર સહિત પાંચની ધરપકડ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મંગળવારે પુણેમાં ઘણી રાજકીય ગતિવિધિઓ જોવા મળી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અહીં આવ્યા હતા અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના આદિત્ય ઠાકરે પણ પુણે શહેરમાં હતા. બંનેએ વિવિધ સ્થળોએ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. એ સમયે શિંદના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બળવાખોર નેતા ઉદય સામંતની કાર પર પુણેના કાત્રજ નજીક હુમલો કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં ઉદય સામંત જે ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા તે કારની બારીને નુક્સાન થયું હતું. સામંતની કારને વિસ્તારમાંથી આગળ વધવા માટે પોલીસે ટોળાને વિખેરવા માટે બળનો ઉપયોગ કરવો પડ્યો હતો.
આ ઘટના બાદ ઉદય સામંતે મીડિયા સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું કે આ એક નિંદનીય ઘટના હતી. તેમણે દાવો કર્યો હતો કે હુમલાખોરો પાસે બેઝબોલની લાકડીઓ અને પથ્થરો હતા. શિંદેનો કાફલો તેમની આગળ જ હતો. સામંતે એમ પણ જણાવ્યું હતું કે આવી ઘટનાથી તેઓ ગભરાતા નથી.
શિવસેના નેતા સુભાષ દેસાઈએ આ હુમલાને સમર્થન આપ્યું છે. સુભાષ દેસાઈએ કહ્યું છે કે આ કાર્યકરોની ઉત્સાહપૂર્ણ પ્રતિક્રિયા હતી. દેસાઈના નિવેદનથી અનેક તર્ક-વિતર્ક ઉઠી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના હવે બળવાખોરો પ્રત્યે વધુ આક્રમક બની છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મામલાની ગંભીર નોંધ લીધી છે અને પોલીસને મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યમાં આવા હુમલાને સાંખી લેવામાં આવશે નહીં. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી જોઈએ તેમ કહેતા તેમણે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.
પક્ષના બળવાખોર ધારાસભ્ય અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી ઉદય સામંતની કાર પર થયેલા કથિત હુમલાના સંબંધમાં પોલીસે શિવસેનાના પુણે શહેર એકમના પ્રમુખ અને અન્ય ચારની ધરપકડ કરી છે, એવી પોલીસે માહિતી આપી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.