છેલ્લાં કેટલાય વર્ષોથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને યુવાનોમાં આ પ્રમાણ છેલ્લાં કેટલાક સમયથી વધી ગયું છે. નિષ્ણાતોની વાત પર વિશ્ર્વાસ કરીએ તો બદલાઈ રહેલી લાઈફ સ્ટાઈલ, તાણ, અયોગ્ય ભોજન, એક્સરસાઈઝનો અભાવ વગેરે હાર્ટ એટેક આવવા માટેના કારણો છે. આપણે આપણા રોજબરોજના જીવનમાં અનેક એવી વસ્તુ ખાતા હોઈએ છીએ કે જેને કારણે હૃદય પર તેની વિપરીત અસર જોવા મળે છે. આવો જોઈએ કઈ છે આ વસ્તુઓ કે જેના સેવનથી હૃદય રોગનું જોખમ વધી જાય છે-
મેંદો
મેંદાનું વધારે પડતું સેવન કરવું એ હાર્ટ માટે જરાય સારું નથી. આને કારણે કોલેસ્ટ્રોલ વધી જાય છે. મેંદો આપણા શરીર માટે નુકસાનકારક છે. કોલેસ્ટ્રોલ એક પ્રકારનું ફેટ છે, જે શરીરમાં લોહી પહોંચાડનારી નસોમાં જમા થઈ જાય છે. મેંદાનું વધુ પડતું સેવન હાર્ટ એટેકનું જોખમ વધારે છે.
રિફાઈન્ડ ઓઈલ:
વધારે પડતો તળેલો નાસ્તો કે ભોજન આપણા આરોગ્ય માટે સારો નથી એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ એટલે શક્ય હોય ત્યાં સુધી તળેલો અને તેમાં પણ ખાસ કરીને રિફાઈન્ડ ઓઈલનું સેવન કરવાનું ટાળવું જોઈએ. રિફાઈન્ડ ઓઈલના વધારે પડતાં સેવનને કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે.
સાકર:
સાકર ભલે જીભ પર અને જીવનમાં મીઠાશ ઘોળવાનું કામ કરે છે, પણ તે આરોગ્ય માટે ઝેરી છે. વધારે મીછું ખાવાને કારણે શરીરની ઈન્સ્યિુલિનની સાઈકલ ડિસ્ટર્બ થઈ જાય છે અને તેને કારણે લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે નથી થઈ શકતું, જેથી હાર્ટ એટેક અને ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
મીઠું:
ભોજનમાં મીઠાની ગેરહાજરી આંખે ઊડીને વળગે છે. જો પ્રમાણસર મીઠાનું સેવન કરવામાં આવે તો તે ઠીક છે, પણ તેનો અતિરેક બ્લડ પ્રેશર, હાર્ટ ફેઈલ્યોર અને હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે.
સોડા:
સોેડાનું વધુ સેવન કરવાથી બ્લડ પ્રેશર હાઈ થાય છે અને તેને કારણે ડાયાબિટીસનું જોખમ વધી જાય છ. એટલું જ નહીં સોડાનું અધિક સેવન ભેટમાં હાર્ટ એટેક પણ આપી શકે છે.