મહારાષ્ટ્રમાં ખરેખર સંકટ કે સ્ક્રીપ્ટેડ પોલિટિકલ ડ્રામા?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં નવા નવા વળાંક આવી રહ્યા છે અને વાસ્તવમાં ગૂંચવણ વધી રહી છે. ઉદ્ધવ ઠાકરે અને બળવો કરનારા એકનાથ શિંદે બંને જે રીતે વર્તી રહ્યા છે એ જોતાં આ શિવસેનાનું જ નાટક હોવાની શંકા પણ થઈ રહી છે. ભાજપના પીઠબળથી શિવસેના અને ભાજપ વચ્ચે ફરી જોડાણ થાય એ માટેની સ્ક્રીપ્ટ લખાઈ હોય ને શિવસેનાના નેતા એ પ્રમાણે વર્તી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
એકનાથ શિંદેની આગેવાનીમાં સોમવારે રાતથી શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ ગુજરાતના સુરતમાં ધામા નાખ્યા હતા પણ મંગળવારે રાત્રે આ ધારાસભ્યો સુરતથી નિકળીને વહેલી સવારે જ ભાજપ શાસિત આસામની રાજધાની ગુવાહાટી પહોંચી ગયા. એકનાથ શિંદેએ સુરત એરપોર્ટ પર કહ્યું કે, પોતે બાળાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છોડ્યું નથી અને હું ઈચ્છું છું કે, ભાજપ સાથે મળીને ઉદ્ધવ ઠાકરે સરકાર બનાવશે.
ગુવાહાટી પહોંચ્યા પછી એકનાથ શિંદેએ દાવો કર્યો કે, પોતાની સાથે શિવસેના અને અપક્ષ ધારાસભ્યો મળીને ૪૬ ધારાસભ્યો છે. એકનાથ શિંદેએ શિવસેનાએ એનસીપી અને કૉંગ્રેસનો ટેકો લીધો તેની સામે પણ નારાજગી બતાવીને ભાજપ સાથે મળીને સરકાર રચવાની તરફેણ કરી. ગુવાહાટી એરપોર્ટ પર એકનાથ શિંદેએ ફરી એ જ રેકર્ડ વગાડી કે, અમે બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વને આગળ લઈ જઈશું અને ભાજપ સાથે સરકાર રચીશું.
શિંદેના દાવા વચ્ચે શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાના વિસર્જનનો સંકેત આપી દીધો. સાથે સાથે એકનાથ શિંદેને મનાવવાની કોશિશ પણ ચાલુ રાખી. શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે સાફ શબ્દોમાં કહ્યું કે, બુધવારે સવારે મારી એકનાથ શિંદે સાથે ૧ કલાક સુધી વાત થઈ છે. અમે શિંદેને છોડી નથી શકવાના અને શિંદે અમને છોડી નહીં શકે એ જોતાં વિધાનસભાનું વિસર્જન થઈ શકે છે. રાઉતે તો સત્તા જાય તો તેની પણ પોતાને પરવા નહીં હોવાનો દાવો કરી નાખ્યો.
આ ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઈમોશટલ કાર્ડ ખેલીને પ્રજાને સંબોધન કરી નાખ્યું. ઉદ્ધવે એકનાથ શિંદેને મુંબઈ આવીને પોતાની સાથે વાત કરવા કહ્યું. ઉદ્ધવે મુખ્યમંત્રીપદ છોડવાની તૈયારી પણ બતાવી અને શિવસેનાનું નેતૃત્વ છોડી દેવાની તૈયારી પણ બતાવી. ઉદ્ધવે શિવસૈનિક જ મુખ્યમંત્રી બને એ વાત પર ભાર મૂક્યો ને કૉંગ્રેસ-એનસીપી સિવાયના બીજા પક્ષની મદદથી સરકાર બનતી હોય તો તેના માટે પણ તૈયારી બતાવી.
ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે, સંજય રાઉત વગેરેનાં નિવેદનો પરથી એવું જ લાગે કે, શિવસેનામાં ભલે બળવો થયો હોય પણ આ બધા એકબીજાથી છૂટા પડવા માંગતા નથી ને ભાજપ-શિવસેનાનું જોડાણ થાય તો ઘીના ઠામમાં ઘી પડી રહેશે. શિવસેના કદાચ એવું જ ઈચ્છે છે ને તેના માટે જ આ નાટક છે.
આ નાટક છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે પણ નાટક ના હોય તો આ રાજકીય સંકટમાં હવે વિધાનાસભાના સ્પીકરની ભૂમિકા મહત્ત્વની બની ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર તરીકે કૉંગ્રેસના નાના પટોળે હતા પણ તેમને મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ બનાવાતાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરપદેથી રાજીનામું ધરી દીધું પછી નવા સ્પીકર નિમાયા નથી. તેના બદલે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર એવા એનસીપીના નરહરી સીતારામ ઝીલવાલ જ મહારાષ્ટ્ર વિધાનસભાના કાર્યકારી સ્પીકર તરીકે કામ કરી રહ્યા છે. અત્યારે જે સ્થિતિ છે તેમાં ઝિલવાલ મહત્ત્વની ભૂમિકામાં આવી ગયા છે.
શિવસેનાના બાગી એકનાથ શિંદેએ પોતાને ૩૪ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરતો પત્ર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને ડેપ્યુટી સ્પીકર ઝિલવાલને મોકલ્યો છે. આ સમર્થન ધરાવતા ગ્રૂપને માન્યતા આપવી કે નહીં એ હવે નરહરી ઝિલવાલના હાથમાં છે. બલકે શિંદેએ તો પોતે જ શિવસેનાના સર્વેસર્વા હોય એ રીતે વર્તીને શિવસેનાના ચીફ વ્હિપ સુનીલ પ્રભુને હટાવીને ભરત ગોગાવલેને ચીફ વ્હીપ બનાવી દીધો છે. શિંદેએ એ રીતે સીધો શિવસેના પર દાવો રજૂ કર્યો છે. શિંદેના આ દાવાને માન્ય રાખવો કે નહીં એ હવે સ્પીકરના હાથમાં છે.
અત્યારે જે અહેવાલો આવી રહ્યા છે તેમાં ઉદ્ધવ ઠાકરે કરતાં શિંદેનું પલ્લું ભારે લાગી રહ્યું છે. બુધવારે શિવસેનાએ વ્હિપ જાહેર કરીને પોતાના તમામ ધારાસભ્યોને સાંજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચવાનો આદેશ આપ્યો હતો અને ગેરહાજર રહેનારા ધારાસભ્યો સામે પગલાં ભરવાની ચેતવણી આપી હતી. આ વ્હિપ અપાયો કે તરત જ એકનાથ શિંદેએ ટ્વિટ કરીને જાહેર કરેલું કે, આ વ્હિપ ગેરકાયદેસર છે. શિંદેના દાવા પછી શિવસેનાના ધારાસભ્યોની બેઠક મળી પણ તેમાં બહુમતી ધારાસભ્યો નહીં હોય તેથી શિવસેનાએ તેનો જોરશોરથી પ્રચાર ના કર્યો. બાકી શિવસેનાએ બહુમતી ધારાસભ્યોની પરેડ જ કરાવી દીધી હોત.
આ પહેલાં બુધવારે સવારે ઉદ્ધવની કેબિનેટ બેઠકમાં ૮ મંત્રીઓ ગેરહાજર હતા. શિંદે ઉપરાંત ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, શંભૂરાજ દેસાઈ, બચ્ચુ કડૂ અને રાજેન્દ્ર યેદ્રાવકર હાજર જ ના રહ્યા, તેનો અર્થ એ થયો કે, આ મંત્રીઓ ઉદ્ધવ સાથે નથી. શિવસેનાના ધારાસભ્યોને સાંજે ૫ વાગ્યે મુખ્યમંત્રી કાર્યાલય પહોંચવાનો આદેશ અપાયો હતો પણ તેમાં પણ ભલી વાર ના આવતાં ઉદ્ધવે લોકોને સંબોધન કરીને એકનાથ શિંદે સામે દોસ્તીનો હાથ લંબાવવો પડ્યો છે.
શિંદે ઉદ્ધવની ઓફર સામે શું કરશે તેનો ખુલાસો પણ થઈ જ ગયો હશે પણ ઉદ્ધવ પાસે હજુ સ્પીકર છે એ ભૂલવ જેવું નથી. સ્પીકર ઝિલવાલ એનસીપીના છે અને શરદ પવાર ઉદ્ધવના પડખે છે એ જોતાં શિંદેએ આ અવરોધ પણ પાર કરવાનો છે.
ઉદ્ધવ ઠાકરે પાસે એક વિકલ્પ વિધાનસભાનું વિસર્જન કરાવીને ફરી ચૂંટણી કરાવવાનો પણ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ સંકેત આપીને સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં કહ્યું જ છે કે, મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય હલચલ વિધાનસભા વિસર્જનની દિશામાં આગળ વધી રહી છે.
ઉદ્ધવ માટે આ રસ્તો સરળ નથી કેમ કે રાજ્યપાલપદે ભાજપના ભગતસિંહ છે પણ ઉદ્ધવ મરતા ક્યા ના કરતા એ હિસાબે વિધાનસભા વિસર્જનની ભલામણ કરવાનો છેલ્લો દાવ પણ ખેલી શકે છે. રાજ્યપાલ તેનો જે જવાબ આપે એ ખરો, પણ ઉદ્ધવ હજુ લગી તો મુખ્યમંત્રી છે જ એ જોતાં આ ભલામણ કરવાનો અધિકાર તેમની પાસે છે જ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.