યે મેરા પ્રેમપત્ર પઢ કે… રાષ્ટ્રભાષા હિંદીમાં!

ઉત્સવ

શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ

પ્રેમમાં માણસ એકદમ આંધળો નથી થઈ જતો, ધીમે ધીમે થાય છે. શરૂઆતમાં દ્રષ્ટિ નબળી હોય છે જેનો પુરાવો એ છે કે જે છોકરીને એ પ્રેમ કરે છે, એ અચાનક સુંદર લાગવા માંડે છે. અહીંયા આંખોનું તેજ જેવું ઓછું થયું નથી કે ત્યાં છોકરીનો ચહેરો વધુ તેજસ્વી દેખાવા માંડે! આવી અંજાઇ જવાની હાલતમાં બિચારો પ્રેમી, જીવનનો પહેલો પ્રેમપત્ર લખે ત્યારે એને સમજાય કે ’પ્રેમપત્ર લખવો એ પ્રેમ કરવા કરતાં વધારે અઘરું છે.’ ને અહીં આવીને આપણી રાષ્ટ્રભાષા હિન્દીના સન્માનની સમસ્યા ઊભી થાય છે. પ્રેમ કરવું સહેલું છે પણ હિન્દીમાં પ્રેમપત્ર લખવો અઘરો છે. આજે રાષ્ટ્રભાષા હિન્દીની હાલત એવી છે કે- જે મૂર્ખ છે એ સારા પ્રેમી સાબિત થાય છે પરંતુ જે વિદ્વાન છે, એ જ નિષ્ફળ જાય છે!
મારો જ દાખલો લો. જેમ યુવાનીમાં તંત્રીઓએ મારા લખાણો નકારી કાઢ્યા હતા, એવી જ રીતે છોકરીઓએ પણ મારા પ્રેમપત્રોને સાવ રીજેક્ટ કર્યા હતા. જો કે તંત્રીઓ સામે તોયે હું નડી ગયો હતો અને સતત લખતા લખતા લેખક બની જ ગયો, પરંતુ એ છોકરીઓ મારા પ્રેમપત્રોને સ્વીકારવાના બદલે, કોઈ બીજાને જ સ્વીકાર કરીને એની સાથે પરણીને જતી રહી!
આપણી શિક્ષણ વ્યવસ્થામાં સૌથી મોટી ખામી એ છે કે એમાં પ્રેમપત્ર લખતા નથી શિખવાડતા! (આજે યુવાનો એવું કહે છે કે “એમનું ભણતર જીવનમાં કામ નથી આવતું તો એનો અર્થ આયે હોઇ શકે.) આપણને સ્કૂલમાં કહેવામાં આવે છે કે ‘મિત્રને પત્ર લખીને જણાવો કે ઉનાળાનું વેકેશન કેવી રીતે પસાર કર્યું?’ પણ કોઈ શિક્ષક એવું નથી કહેતા કે ‘પ્રેમીકાને પત્ર લખીને જણાવો કે તારા ગયા પછી આ તારા ફટેહાલ પ્રેમી પર શું વિત્યું?’ અથવા ‘જ્યારે તને પહેલી વખત જોઈ ત્યારે દિલને કેવું લાગ્યું હતું?’ છતાં પણ, જે હોંશિયાર છોકરાઓ હોય છે, એ અભ્યાસક્રમની સીમાઓમાં બંધાયેલા રહેતાં નથી. એવા સ્ટુડંટો પોતાના અનુભવથી જ્ઞાન મેળવે છે. વિદ્યાર્થી જીવનમાં મેં પણ એવું જ કર્યું હતું. જેવી પહેલી તક મળી પ્રેમપત્ર લખવા બેસી ગયો!
પણ પહેલો પ્રેમપત્ર લખવો એ બહું માથાકૂટનું કામ હતું. આપણી રાષ્ટ્રભાષા હિંદી આમાં ફૂટી કોડીની પણ મદદ નથી કરતી. પ્રેમ અંગે આપણું શબ્દભંડોળ બહું પછાત છે. એટલે જ તો આપણે આવી સકટની ઘડીમાં ઉર્દૂ શબ્દ વાપરીને કામ ચલાવવું પડે છે. જરા વિચારો, એક પછાત શબ્દભંડોળથી આપણે મોર્ડન છોકરીઓને પ્રેમપત્ર કેવી રીતે લખી શકીએ? આજે જરૂરી છે એક સરકારી કમિશનની સ્થાપના કરવામાં આવે, જે ‘પ્રેમપત્રમાં હિન્દી ભાષાની સમસ્યા’- પર વિચાર કરે. હું જાણવા માગું છું કે રાષ્ટ્રભાષાને પ્રોત્સાહન આપતી સંસ્થાઓ આ દિશામાં શું કરી રહી છે? સરકાર શું કરી રહી છે? શું એમને નથી ખબર કે પ્રેમપત્ર, રાષ્ટ્રભાષાનો પ્રચાર કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે? આજે આપણી હિન્દી ભાષા, વિશ્ર્વકક્ષાની બનવા જઈ રહી છે. આપણા યુવાનો આખી દુનિયાની છોકરીઓને હિન્દીમાં પ્રેમપત્ર લખશે! અને જો હિન્દીમાં લખેલા આ પ્રેમપત્રોની અસર નહીં થાય, છોકરી લગ્ન કરવા માટે તૈયાર નહીં થાય તો છોકરાઓનું ખાસ કૈં નહીં બગડે, એ લોકો તો ફિલ્મી ભાષામાં કે અંગ્રેજીમાં લવલેટર લખી નાખશે, પણ નાક તો રાષ્ટ્રભાષાનું કપાશેને?
પહેલો પ્રેમપત્ર લખતી વખતે મેં મારા મિત્રની સલાહ લીધી. એનું હિન્દી મારા કરતા સારું હતું. એણે એટલા બધા પ્રેમપત્ર લખ્યા હતા કે મહોલ્લામાં માન ગુમાવી બેઠો હતો, પરંતુ પોસ્ટ ઑફિસવાળાઓની નજરમાં ઘણું માન હતું!
“છોકરીનું નામ? એણે પૂછ્યું
“નામ નહીં કહું, તારો શું ભરોસો? તું જ એને લખવા માંડે!
“શું પ્રેમપત્ર લખવો જરૂરી છે?
“એમાં જરૂરી શું? આ કૈં બૅંકમાંથી લૉન થોડી લેવાની છે કે જરૂર હોય ત્યારે જ ફોર્મ ભરાય?
“આખો મામલો લેખિતમાં પૂરાવાભેર, તારી સહી સાથે જઇ રહ્યો છે. હજી વિચાર કરી લે! બધું ઠોકી બજાવીને ચેક કર કે સામે પક્ષે શું વિચાર છે ? પ્રોપર સંજોગો હોય તો જ પ્રેમપત્ર મોકલવાનું રિસ્ક લેવાય
મેં કહ્યું, “..પણ વિચાર કર! જ્યાં સુધી પ્રેમપત્ર લખીશ નહીં, ત્યાં સુધી સારા સંજોગો ઊભા થશે કેવી રીતે?
આખરે એ મદદ કરવા માટે તૈયાર થઈ ગયો.
મેં એને કહ્યું: ‘જો, લાગણી શુદ્ધ હોય કે ના હોય, પત્રની ભાષા શુદ્ધ હોવી જોઈએ કારણ કે હિન્દીના લેખક તરીકે આપણી એક ઇમેજ છે શું? એ બગડવી ન જોઈએ!’
એ છોકરીમાંયે શું ગજજબની વાત હતી! ઉજ્જડ જમીન પર ગુલાબના ફૂલની જેમ ખીલેલી હતી. વાહ, શું તુલના છે! એ જુએ તો એક ખંજર જેમ વાગતું, એ પણ જૂના જમાના જેવું. આમ તો આજકાલ ખંજર મ્યુઝિયમમાં જોવા મળે છે. એટલું તો કહેવું પડે દોસ્તો, કે આઝાદી પછી છોકરીઓનું સ્તર ઊંચું આવ્યું છે, ભલે રાષ્ટ્રભાષાનું સ્તર ઊંચુ ન આવે!
તમે જાણવા માટે તલપાપડ હશો કે એ પ્રેમપત્રનું શું થયું જે મેં લખેલો? રાષ્ટ્રભાષાની પ્રગતિમાં તમારો ઊંડો રસ હું સમજી શકું છું. શું છે કે એ મારો પહેલો પ્રેમપત્ર હતો અને છોકરી માટે પણ એ પહેલો પત્ર હતો, જે કોઈએ એના પર લખેલો. એટલે મેં જે લખ્યું એનો સાચો અર્થ સમજી શકી નહીં. (રાષ્ટ્રભાષા હિન્દીની સાથે વારંવાર આવું થાય છે) માટે એણે એ પ્રેમપત્ર, માતાને આપ્યો. એ થોડું થોડું સમજી. એણે પિતાજીને આપ્યો. એ ઘણું બધું સમજી ગયા. એમણે એ પત્ર મારી સ્કૂલના પ્રિન્સિપાલને આપ્યો. એ બધું જ સમજી ગયા.
એમની હિન્દી સારી હતી! પત્રની ભાવનાને સમજ્યા પછી એ ગુસ્સામાં આવી ગયા. એમણે કહ્યું, ‘હું આ શરદ જોશીનું માથુ ફોડી નાખીશ!’
અમારા પ્રિન્સિપાલ સાહેબ વિશે એટલું જ કહીશ કે જો ભારતીય શિક્ષણના ઈતિહાસમાં મારવાવાળા શિક્ષકોનું લિસ્ટ બનશે તો અમારા પ્રિન્સિપાલનું નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે! જો કે એમણે મારી પ્રતિભાને સાચા અર્થમાં ઓળખી કે આ બાળક આજે જો એક પ્રેમપત્ર લખી રહ્યો છે, ભવિષ્યમાં મોટો લેખક બનીને રાષ્ટ્રભાષાની સેવા કરશે. રાષ્ટ્રના બધાં એને વાંચશે. માટે આને તો મારવો જરૂરી જ છે. એમણે પૂછ્યું, ‘હિમ્મત કેવી
રીતે થઈ કોઈ છોકરીને પ્રેમપત્ર લખવાની?’
મેં કહ્યું, ‘સર, આત્મ-અભિવ્યક્તિ માટે હિંમત એ પહેલી જરૂરિયાત છે’
જ્યારે એ મને મારી રહ્યા હતા, ત્યારે પહેલીવાર મને દિલની ગહેરાઇથી સમજાયું કે આપણી રાષ્ટ્રભાષા કેટલી પછાત છે! પણ એ સમજી ન શક્યો કે ભવિષ્યમાં પ્રેમપત્ર લખું કે રાષ્ટ્રભાષાની સેવા કરું?
જે છોકરીને મેં પ્રેમપત્ર લખ્યો હતો, ખબર નથી એ આજે ક્યાં છે? એણે કોઈ ‘સારું હિન્દી નહીં જાણનારા’ સાથે લગ્ન કરી લીધા. એનું નસીબ જોરદાર હતું અને મારી કલમ જોરદાર હતી. જેને-જેને મેં હિન્દીમાં પત્ર લખ્યા, એ બધી છોકરીઓ કોઈ બીજા સાથે લગ્ન કરીને જતી રહી! હવે બસ ‘જોરદાર કલમ’ મારી પાસે રહી ગઈ છે, જે હું રાષ્ટ્રભાષાની સેવામાં અર્પણ કરું છું!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.