આઇપીએલ હાલમાં રસાકસીભર્યા તબક્કામાં પહોંચી ગઇ છે. ક્રિકેટપ્રેમીઓની નજર આજની બે મેચ પર જ ચોંટેલી છે. મુંબઇ અને સનરાઇઝર્સ હૈદરાબાદની મેચ તો મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઇ ગઇ છે, જ્યારે આજની બીજી મેચ સાંજે સાડા સાત કલાકે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાવાની છે. આ મેચ બેંગલુરુમાં રમાવાની છે, પરંતુ તે પહેલા ત્યાંથી એક ખરાબ સમાચાર હાલમાં આવી રહ્યા છે.
બેંગલૂરુમાં હાલમાં વરસાદ પડી રહ્યો છે. હવે જો વરસાદ બંધ નહીં થાય તો કદાચ આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ રદ કરવી પડશે. વરસાદને કારણે જો આજની આ મેચ રદ થશે તો આરસીબી માટે પ્લેઑફમાં પહોંચવું મુશ્કેલ બની જશે અને મુંબઇની રાહ થોડી આસાન બનશે. જોકે, મુંબઇની આજની મેચમાં શું પરિણામ આવે તેના પર બધું નિર્ભર છે.
આરસીબી ઇચ્છે છે કે આજની મેચ પૂરી ઓવરની યોજાય કારણ કે પ્લે ઑફમાં પહોંચવા માટે તેણે આજે ગુજરાત સામે મોટા માર્જિનથી જીત મેળવવાની જરૂર છે અને મોટા માર્જિનથી જીત મેળવવા માટે તેણે 20 ઓવર રમવાની જરૂર છે. જો વરસાદને કારણે ઓવર ઘટાડી દેવામાં આવશે તો પણ આરસીબીને નુક્સાન થશે અને પ્લેઑફની તેની રાહ મુશ્કેલ થઇ જશે. તેથી આજે તો ક્રિકેટ ચાહકોની સાથે સાથે આરસીબીની ટીમ પણ વરસાદના વિઘ્નને ટાળવા ભગવાનને પ્રાર્થના કરી રહી હોય તો નવાઇ નહીં.