આયાત-નિકાસ વેપારનાં પેમેન્ટ રૂપિયામાં પણ થઈ શકે
સ્પેશિયલ -જયેશ ચિતલિયા
બુધવારે રિઝર્વ બૅંકે ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત આપવા સાથે રિપો રેટમાં ૩૫ બેસિસ પોઈન્ટનો વધારો જાહેર કર્યો હતો. આ સાથે રિઝર્વ બૅંકે ફુગાવાની ગંભીર ચિંતા દૂર થઈ હોવાનો અને પ્રવાહિતા સાથે વિકાસને વેગ મળતો રહેવાના સંકેત પણ આપ્યા. જોકે બીજીબાજુ ડૉલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે. તેમ છતાં તાજેતરમાં નાણાં પ્રધાને એક મજબૂત સંકેત સમાન નિવેદન કરતા કહ્યું હતું કે ડૉલર મજબૂત થયો છે, પરંતુ રૂપિયો નબળો પડ્યો નથી. આ એક વિધાનના ગુઢાર્થ સમજવા જેવા છે. ભારતનો રૂપિયો ડૉલર સામે બાથ ભીડવા હજી કેટલો સક્ષમ છે એ સવાલ છે, કિંતુ તે સજજ થઈ રહ્યો છે. ભારત સરકારે નવી રણનીતિ અપનાવવાનું શરૂ કરી દીધું છે, જેમાં તેની ડૉલર પરની નિર્ભરતા ઘટે અને રૂપિયાની મજબૂતી વધે. આ લક્ષ્યને પાર પાડવા રિઝર્વ બૅન્કે આંતરરાષ્ટ્રીય વેપારના રૂપી સેટલમેન્ટ માટે નવી યંત્રણા દાખલ કરી છે, જેને સમજવી જરૂરી છે.
——–
અમેરિકન ડૉલરની દાદાગીરી તો બધાં જ સામે ચાલે છે, પણ રૂપિયો હવે આ દાદાગીરી સામે લડાયક થતો જાય છે. આવા સમયે ફાઈનાન્સ મિનિસ્ટરે કહ્યું છે કે ડૉલર મજબૂત થયો છે, પણ તેનો અર્થ એવો ન કરીએ કે રૂપિયો નબળો પડયો છે. ડૉલરે પોતાનું એવું સામ્રાજય ઊભું કરી લીધું કે વરસોથી ડૉલર વિશ્ર્વભરમાં રાજ કરે છે. આ માટે અમેરિકાની કરન્સી મેનેજમેન્ટ સિસ્ટમ-વહીવટી ક્ષમતા કારણભૂત છે, પરંતુ હવે એક તરફ ભારતીય રિઝર્વ બૅંકે પોતાની ડિજિટલ કરન્સી-ઈ-રૂપી બહાર પાડ્યા છે, બીજીતરફ કેટલાંક દેશો સાથે રૂપી ટર્મમાં વેપાર (આયાત-નિકાસ) માટેની વ્યવસ્થા ગોઠવી છે, એટલું જ નહીં, ભારત સરકાર આવા વધુ કરાર કરવામાં પણ સક્રિય બનતી જાય છે.
ભારતે આમ કરવાનું કારણ શું?
રશિયા-યુક્રેન યુદ્ધ સહિતની વૈશ્ર્વિક ઘટનાઓ અને મુખ્ય રશિયન બૅન્કો પર લાદવામાં આવેલાં નિયંત્રણોને પગલે વિવિધ દેશોની કરન્સી સહિત ભારતની કરન્સી રૂપિયા પર પણ દબાણ આવતું રહ્યું. હકીકતમાં વૈશ્ર્વિક વેપારના ડૉલરીકરણથી અમેરિકાને અન્ય દેશોના ભોગે મહત્તમ લાભ થઈ રહ્યો છે. આથી ભારત અને અન્ય દેશો અમેરિકન ડૉલરના વિકલ્પો પ્રતિ નજર દોડાવે એ આવશ્યક બની ગયું છે.
પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપવા, સબળ ફોરેક્સ રિઝર્વ સર્જવા અને ભારતીય રૂપિયામાં વિશ્ર્વના દેશોના વધી રહેલા રસને ટેકો આપવા રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ થોડા સમય પહેલાં જ એક પરિપત્ર દ્વારા ઈન્ડિયન રૂપિઝમાં બિલિંગ, ચુકવણી અને આયાત-નિકાસ વેપારના સેટલમેન્ટ અંગે એક નવી યંત્રણા દાખલ કરી છે.
આ પૂર્વે આંતરરાષ્ટ્રીય વેપાર ((નેપાળ અને ભૂતાન સાથે થતા વેપાર સિવાય)નું સેટલમેન્ટ માત્ર મુક્તપણે ક્ધવર્ટ થઈ શકે એવા ચલણમાં જ કરવાનું રહેતું હતું. આરબીઆઈનો આ પ્રયાસ ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીય ચલણ તરીકેના સ્વીકારને વેગ આપવાનો છે. આ યંત્રણા કેવી રીતે કામ કરશે એ જોઈએ.
ટ્રાન્ઝેક્શન-સેટલમેન્ટ માટે વોસ્ટ્રો એકાઉન્ટનું મહત્ત્વ
ભાગીદાર દેશે ભારતમાં ઓથોરાઈઝ્ડ ડિલર્સ (એડી)ને સંપર્ક કરી સ્પેશિયલ આઈએનઆર (ઈન્ડિયન રૂપી) વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાનું રહે છે. વોસ્ટ્રો એકાઉન્ટ એટલે વિદેશી બૅંકે ભારતીય બેંકમાં ખોલાવેલું રૂપી બૅંક એકાઉન્ટ, જેથી એક જ બૅંક એકાઉન્ટમાં ભારત અને ભાગીદાર દેશનાં નાણાં જમા-ઉધાર કરાય. ભારતીય આયાતકાર તેના રેગ્યુલર બૅન્ક ખાતામાંથી એડી બૅન્કને પેમેન્ટ ટ્રાન્સફર કરશે. એડી બૅન્ક રૂપી વોસ્ટ્રો એકાઉન્ટમાં જમા કરશે અને અન્ય દેશનો નિકાસકાર એડી બૅન્ક દ્વારા ચુકવણી કરશે, જે તેની લોકલ કરન્સીમાં હશે. તાજેતરમાં રશિયા સહિત અમુક દેશોની બૅંકોએ ભારતીય બૅંકોમાં આ વ્યવસ્થાના ભાગરૂપ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાનું શરૂ કર્યુ છે. આને આકર્ષક બનાવવા રિઝર્વ બૅંકે વોસ્ટ્રો એકાઉન્ટસની સરપ્લસ બેલેન્સનું ભારતીય સિકયોરિટીઝમાં રોકાણ કરવાની મંજૂરી પણ આપી છે.
નિકાસકારોને ડૉલરમાં વધુ રસ
સરકારની આ પહેલથી નિકાસકારોને પણ લાભ થશે, હવે નિકાસ રૂપિયામાં થશે તો પણ તેમને અગાઉ જે લાભ ડૉલરમાં નિકાસ કરવામાં મળતો હતો તે હવે પણ ઉપલબ્ધ રહેશે. જોકે નિકાસકારો આમાં તરત ઉત્સાહ ન બતાવે એમ બની શકે, તેમને ડૉલરમાં મળતી રકમ વધુ પસંદ પડે યા આકર્ષક લાગે, કેમ કે તેમને એમાં કરન્સીની વધઘટનો લાભ મળવાની શક્યતા વધુ રહે છે. પરિણામે નિકાસકારોનો આમાં રસ જાગતા સમય લાગી શકે છે. નોંધનીય વાત એ છે કે શરૂમાં સરકારે આ જોગવાઈ માત્ર ગુડઝ અર્થાત માલ-સામાનને જ લાગુ કરી હતી, જયારે કે એ પછી સરકારે સર્વિસીસને પણ આ જોગવાઈ લાગુ કરી છે. દરમ્યાન દેશની નિકાસ ૨૦૨૨માં ૧૯૩ અબજ ડૉલરની થઈ છે. બીજીબાજુ વિદેશી રોકાણના ભારતમાં આવતા રહેલા પ્રવાહ સાથે છેલ્લા ત્રણ સપ્તાહથી ફોરેક્ષ રિઝર્વ વધતી રહી છે.
દસ્તાવેજો, શરતો, નિયમો
વેપાર સેટલમેન્ટ માટે સામાન્ય દસ્તાવેજો અને રિપોર્ટિંગની પ્રક્રિયાને અનુસરવાનું રહેશે, જેમ કે લેટર ઓફ ક્રેડિટ અને તેને સંબંધિત દસ્તાવેજો. એક જ વિદેશી ખરીદદાર અને સપ્લાયર હોય એવા કિસ્સામાં નિકાસની રકમ સામે રૂપિયામાં આયાતનું પેમેન્ટ સરભર કરવા દેવાશે. જોકે તે નિશ્ર્ચિત શરતોને આધીન હશે. વેપારના સોદા માટે આ યંત્રણામાં બૅન્ક ગેરન્ટી ઈશ્યુ કરવાની છૂટ રહેશે, પરંતુ તે ફેમાના છેલ્લામાં છેલ્લા નિયમોના પાલનને આધીન રહેશે.
વિવિધ કાનૂનો હેઠળ સર્જાનારી અસરો
કંપનીઓ જો વિદેશ વેપારને ભારતીય રૂપિયામાં સેટલ કરવાનો વિકલ્પ સ્વીકારે તો તેમણે હૂંડિયામણની આવક-જાવક સંબંધિત આવકવેરા હેઠળ રિપોર્ટિંગ કરવામાં સાવચેતી રાખવી જોઈશે. આ સંબંધિત પર્યાપ્ત ડિસ્કલોઝર્સ કરવાં જોઈશે. જીએસટી હેઠળ માલની નિકાસ કરાય અને પેમેન્ટ ભારતીય રૂપિયામાં પ્રાપ્ત કરાય તો જ જીએસટીના લાભ પ્રાપ્ત થઈ શકશે. ભારતીય રૂપિયામાં વૈકલ્પિક ચુકવણીની યંત્રણા ભારત માટે નવી વાત નથી. ભૂતકાળમાં જ્યારે ઈરાન પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં ત્યારે ભારતે ઈરાન માટે રૂપી-રિયાલ પેમેન્ટ સિસ્ટમ દાખલ કરી હતી. રિઝર્વ બૅંકનું કદમ સાચી દિશામાં ખરું, કિંતુ લાંબા ગાળાના લક્ષ્ય સાથેનું આ કદમ સફળતાની મંઝિલ સુધી પહોંચવામાં પણ લાંબો સમય લઈ શકે છે. નાણાં પ્રધાનનું નિવેદન સમયસર સાચું પડે એવી આશા રાખીએ. રૂપિયાનો સમય ચોકકસ આવશે.
લાંબી રેસનો ઘોડો
અન્ય દેશોની કરન્સીને ધ્યાનમાં લેવામાં આવે તો એ ડૉલર સામે અન્ય કરન્સીની તુલનાએ રૂપિયાનો ઘસારો ઓછો છે. બીજીતરફ માર્કેટ અને ઈકોનોમીની મજબૂતીને પરિણામે ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ સતત વધતો રહ્યો હોવાથી ફોરેક્ષ રિઝર્વ પણ નિયમિત વધી રહી છે. સરકાર આયાતના વિકલ્પ પર વધુ જોર લગાવી રહી છે. ડૉલરને ભારતમાં આકર્ષવાના પ્રયાસ પણ એક યા બીજા માર્ગે ચાલી રહ્યા છે. સરકારનું આ પગલું લાંબી રેસના ઘોડા સમાન છે.