RBIએ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો: ખિસ્સા પર ફરી બોજ વધશે, EMI મોંઘા થશે

ટૉપ ન્યૂઝ વેપાર વાણિજ્ય

રિઝર્વ બેંકની (RBI) મોનેટરી પોલિસી કમિટીએ(MPC) આજે દ્વિ-માસિક નાણાકીય નીતિ(Bimonthly monetory policy) સમીક્ષામાં પોલિસી ઇન્ટરેસ્ટ રેટમાં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ રેપો રેટ(REPO rate) 4.9% થી વધીને 5.4% થઈ ગયો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે (Shaktikanta Das) જણાવ્યું હતું કે દેશ ફુગાવાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યો છે અને નાણાકીય બજારો પણ અસ્થિર છે. વૈશ્વિક અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોનેટરી પોલિસી કમિટીએ  પોલીસી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

RBIએ આજે કરેલા વધારા બાદ રેપો રેટ મહામારી પહેલાના સ્તરે પહોંચી ગયો છે. RBIએ સતત ત્રીજી વાર  રેપો રેટમાં વધારો કર્યો છે. આ પહેલા આરબીઆઈએ જૂનમાં 0.90 ટકાનો વધારો કર્યો હતો. છેલ્લા ચાર મહિનામાં રેપો રેટમાં 1.4%નો વધારો થયો છે.

RBIના ગવર્નરે એમ પણ કહ્યું કે મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવાને કાબૂમાં રાખવા માટે નરમ નીતિના વલણને પાછું ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડ્યું છે અને મંદીનું જોખમ વ્યક્ત કર્યું છે.

ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 7.2 ટકા રાખ્યું છે. કેન્દ્રીય બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો 6.7 ટકા રહેવાનું અનુમાન જાળવી રાખ્યું છે. સામાન્ય ચોમાસા અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $105 પર રહેવાની સંભાવનાને આધારે નાણાકીય વર્ષ 2022-23 માટે ફુગાવાની અનુમાન 6.7 ટકા પર રાખવામાં આવ્યું છે.

ભારતીય રૂપિયો જે રેકોર્ડ નીચલા સ્તરને પહોંચી ગયો છે તેના વિશે ગવર્નરે કહ્યું હતું કે રૂપિયો સારી સ્થિતિમાં છે, 4 ઓગસ્ટ સુધી રૂપિયો 4.7 ટકા તૂટ્યો છે. રિઝર્વ બેંક રૂપિયાની અસ્થિરતા પર નજર રાખી રહી છે. રૂપિયામાં ઘટાડાનું મુખ્ય કારણ ડૉલરનું મજબૂત થવું છે, સ્થાનિક અર્થતંત્રમાં કોઈ નબળાઈને કારણે નહીં. જો કે, આરબીઆઈની નીતિઓને કારણે અન્ય કરન્સીની સરખામણીમાં રૂપિયો ડોલર સામે ઘણી સારી સ્થિતિમાં છે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.