(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાને કારણે આજે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ એક મહિનાની ઊંચી સપાટી આસપાસ રહ્યાના નિર્દેશો હતા, જ્યારે સ્થાનિકમાં આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીએ સતત ત્રીજી વખત ટૂંકાગાળાના ધિરાણ દર (રિપો રેટ) ૫૦ બેઝિસ પૉઈન્ટ વધારીને ૫.૪ની સપાટીએ રાખ્યા હતા. આમ ગત મે ૨૦૨૨થી અત્યાર સુધીમાં રિપો રેટમાં ૧૪૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કર્યો છે. આમ વ્યાજદરમાં વધારાના નિર્ણયને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ભારે ચંચળતાનું વલણ રહેતા આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો નીચામાં ૭૯.૨૮ અને ઉપરમાં ૭૮.૯૪ની રેન્જમાં અથડાઈને ગઈકાલના બંધથી ૨૨ પૈસાના સુધારા સાથે ૭૯.૧૮ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો.
એકંદરે આજે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ એક મહિનાની ઊંચી સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હોવાના અહેવાલને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્ય સત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦થી ૧૦૧નો સુધારો આવ્યો હતો. જોકે, રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં મધ્ય સત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૨૧૯ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્ય સત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૧૯ ઘટીને રૂ. ૫૭,૮૩૮ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦ વધીને રૂ. ૫૧,૯૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૦૧ વધીને રૂ. ૫૨,૧૪૦ના મથાળે રહ્યા હતા.
અમેરિકાના નોન ફાર્મ પેરોલ ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવા છતાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ એક મહિનાની ઊંચી ઔંસદીઠ ૧૭૯૦.૬૬ ડૉલર આસપાસની સપાટીએ અને વાયદામાં ભાવ ઔંસદીઠ ૧૮૦૭.૭૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૦.૨૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સ તથા ટ્રેઝરીની યિલ્ડની નરમાઈનો લાભ સોનાને મળી રહ્યો હોવાથી સોનાના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું ઓએએનડીએના વરિષ્ઠ વિશ્ર્લેષક જેફ્રી હેલીએ જણાવતાં ઉમેર્યું હતું કે જો આજે મોડી સાંજે જાહેર થનારા પેરોલ ડેટા અપેક્ષાથી નબળા આવશે તો વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૦૦ ડૉલર તરફ આગેકૂચ કરે તેવી શક્યતા છે. નોંધનીય બાબત એ છે કે બજાર વર્તુળો નોન ફાર્મ પેરોલ ડેટામાં ૨,૫૦,૦૦૦ રોજગારનો ઉમેરો થવાનો આશાવાદ રાખી રહ્યા છે.